Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 6 - પવિત્ર બાઇબલ C.L.


યશાયાને સેવાકાર્ય માટે આમંત્રણ

1 ઉઝિયા રાજાનું મરણ થયું તે વર્ષે મને પ્રભુનું દર્શન થયું. તે ઉચ્ચ અને ઉન્‍નત રાજ્યાસન પર બિરાજેલા હતા અને તેમના ઝભ્ભાની ઝાલરથી આખું મંદિર ભરાઈ ગયું હતું.

2 તેમની આસપાસ સરાફો ઊભા હતા. તેઓમાંના દરેકને છ પાંખો હતી; બે પાંખોથી તેઓ પોતાનું મુખ ઢાંક્તાં, બેથી પોતાના પગ ઢાંક્તા અને બેથી તે ઊડતા.

3 તેઓ એકબીજાને પોકારીને કહી રહ્યા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સેનાધિપતિ પ્રભુ! તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરપૂર છે.”

4 તેમના પોકારોથી મંદિરના પાયા હચમચી ગયા અને મંદિર ધૂમાડાથી ભરાઈ ગયું.

5 મેં કહ્યું, “અરેરે! મારું આવી બન્યું છે! કારણ, મારા હોઠોમાંથી નીકળતી વાતો અશુદ્ધ છે અને જેમના હોઠોમાંથી અશુદ્ધ વાતો નીકળે છે એવા લોકો વચ્ચે હું વસુ છું. છતાં મેં રાજાને એટલે સર્વસમર્થ પ્રભુને નજરોનજર જોયા છે.”

6 ત્યારે એક સરાફ વેદી પરથી ચિપિયા વડે સળગતો અંગારો લઈને મારી પાસે આવ્યો.

7 તેણે મારા હોઠને સળગતો અંગારો અડકાડીને કહ્યું, “જો, આ અંગારો તારા હોઠને અડકયો છે, એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારાં પાપ માફ કરવામાં આવ્યાં છે.”

8 ત્યારપછી મેં પ્રભુને આ પ્રમાણે કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારા સંદેશવાહક તરીકે કોણ જશે?” મેં જવાબ આપ્યો, “હું જઈશ, મને મોકલો.”

9 તેથી તેમણે મને કહ્યું, “જા, અને મારા લોકને આ સંદેશો આપ: તમે ગમે તેટલું સાંભળશો, પણ સમજશો નહિ. ગમે તેટલું જોશો, પણ શું થઈ રહ્યું છે તેની સૂઝ પડશે નહિ.”

10 ત્યાર પછી તેમણે મને કહ્યું, “આ લોકોનાં મન જડ કર, કાન બહેરા કર અને તેમની આંખોને આંધળી બનાવ, જેથી તેઓ આંખે જુએ નહિ, કાને સાંભળે નહિ કે મનથી સમજે નહિ. કદાચ તેઓ તે પ્રમાણે કરે તો તેઓ મારી તરફ પાછા ફરે અને સાજા થાય.”

11 મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.

12 હું લોકોને દૂર દેશમાં મોકલી દઈશ અને આખો દેશ ઉજ્જડ થઈ જશે.

13 છતાં દેશમાં દસમાંથી એક માણસ રહી જાય તો તેનો પણ નાશ થશે. પણ જેમ મસ્તગીવૃક્ષ અને ઓકવૃક્ષને કાપી નાખ્યા પછી તેના થડનું ઠૂંઠું રહી જાય છે તેમ ઈશ્વરના સમર્પિત શેષ લોક ભૂમિમાંના એવા ઠૂંઠા સમાન છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan