યશાયા 59 - પવિત્ર બાઇબલ C.L.લોકોનાં પાપ સામે પોકાર 1 સાચે જ પ્રભુનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી લેવાને પહોંચી ન શકે; અને તેમના કાન એવા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ન શકે. 2 પણ તમારા અપરાધોએ તમારી અને તમારા ઈશ્વરની વચમાં આડશ ઊભી કરી છે, અને તમારાં પાપને લીધે પ્રભુએ પોતાનું મુખ તમારા પરથી ફેરવી લીધું છે, અને તેથી તે સાંભળતા નથી. 3 કારણ, તમારા હાથ લોહીથી ખરડાયેલા છે, તમારી આંગળીઓએ અપરાધ કર્યો છે, તમારા હોઠ જૂઠું બોલ્યા છે અને તમારી જીભ દુષ્ટતા બબડે છે. 4 કોઈ સાચો દાવો માંડતું નથી કે સાચી દલીલો કરતું નથી. સૌ કોઈ વ્યર્થ દલીલો પર મદાર બાંધે છે, ને જૂઠું બોલે છે. તમે પ્રપંચનો ગર્ભ ધરો છો અને અધર્મનો પ્રસવ કરો છો. 5 તેમના પ્રપંચ નાગણે સેવેલાં ઈંડાં જેવા ખતરનારક અને કરોળિયાએ વણેલી જાળ જેવા નિરર્થક છે. નાગણનાં ઈંડાં કોઈ ખાય તો તે મૃત્યુ પામે છે અને છૂંદાયેલા ઇંડાંમાંથી સાપોલિયું નીકળે છે. 6 કરોળિયાએ વણેલી જાળો કંઈ પહેરવાના કામમાં આવતી નથી. એ જ રીતે તેમનાં કામ તેમને ઢાંકી શકવાનાં નથી; તેમનાં કામ તો અન્યાયી છે અને તેમના હાથ જોરજુલમથી ભરેલા છે. 7 તેમના પગ દુરાચાર માટે દોડી જાય છે અને તેઓ સહેજમાં નિર્દોષનાં ખૂન કરી નાખે છે. તેમના વિચારો પ્રપંચી છે. તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં પાયમાલી અને વિનાશ થઈ રહે છે. 8 તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને અન્યાયી પગલાં જ ભરે છે. તેમના રસ્તા અવળા છે અને એવે રસ્તે જનારાની કોઈ સહીસલામતી નથી. પાપની કબૂલાત 9 લોકો કહે છે, “એટલે તો અમે અદલ ઇન્સાફથી વંચિત છીએ અને હજી અમારો બચાવ થયો નથી. અમે તેજની આશા રાખીએ છીએ, પણ અમારે તો ઘોર અંધકારમાં ચાલવું પડે છે. 10 આંધળાની જેમ ભીંતે હાથ દઈને ફંફોસીએ છીએ. સાંજનો સમય હોય તેમ ભરબપોરે ઠોકર ખાઈએ છીએ. ખડતલ માણસોની વચમાં અમે મૃત:પ્રાય અને માયકાંગલા જેવા છીએ. 11 અમે રીંછની પેઠે ધૂરકીએ છીએ અને કબૂતરની જેમ કલ્પાંત કરીએ છીએ. અમે ઇન્સાફની આશા રાખીએ છીએ, પણ તે મળતો નથી; છુટકારાની આશા સેવીએ છીએ પણ તે ય દૂર રહે છે. 12 કારણ એ છે કે હે પ્રભુ, તમારી દષ્ટિમાં અમારા અપરાધો અતિશય થયા છે. અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. અમારા અપરાધો અમારી સાથે છે અને અમે અમારાં અન્યાયી કામો જાણીએ છીએ. 13 અમે તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે, તમારો નકાર કર્યો છે અને તમને અનુસર્યા નથી. અમે અત્યાચાર કર્યો છે અને બંડ પોકાર્યું છે. અમે મનમાં જૂઠા વિચારો કર્યા છે અને એ જ બબડયા છીએ.” 14 ન્યાય પાછો ઠેલાયો છે, છુટકારો એકલો પડી ગયો છે, સત્ય રસ્તે રઝળે છે, અને પ્રામાણિક્તા પગપેસારો કરી શકે તેમ નથી. 15 સત્યના સદંતર અભાવે દુરાચારથી દૂર રહેનારાઓ પોતે જ શિકાર બની જાય છે. પ્રભુએ જોયું કે ઇન્સાફનો અભાવ છે અને એ જોઈને તે નારાજ થયા. ઈશ્વર પોતાના લોકનો બચાવ કરશે 16 વળી, હિમાયત કરે એવો કોઈ માણસ નથી એ જોઈને તે વિસ્મય પામ્યા. તેથી તેમણે પોતાના બાહુબળથી જ તેમનો બચાવ કર્યો અને તે માટે પોતાના જ ન્યાયીપણાનો આધાર લીધો. 17 તેમણે ન્યાયને બખ્તર તરીકે પહેર્યો અને શિરે વિજયનો ટોપ પહેર્યો. તેમણે પ્રતિકારરૂપી પોષાક પહેર્યો અને આવેશરૂપી ઝભ્ભો ઓઢયો. 18 તે પોતાના દુશ્મનોને તેમનાં કાર્ય પ્રમાણે શિક્ષા કરશે. સમુદ્રના છેક છેડાના દેશોના રહેવાસીઓને પણ તે શિક્ષા કરશે. 19 પૂર્વથી પશ્ર્વિમ સુધી સૌ કોઈ પ્રભુના નામથી અને તેમના મહાન પ્રતાપથી બીશે. પ્રભુની ફૂંકથી ધકેલાતી ધસમસતી નદીની જેમ પ્રભુ આવશે. 20 “યાકોબના વંશજોમાંથી પાપથી વિમુખ થનારાઓ માટે સિયોનમાંથી ઉદ્ધારર્ક્તા આવશે.” એવું પ્રભુએ પોતે જાહેર કર્યું છે. 21 તે કહે છે, “તો મેં તમને આપેલો આત્મા અને તમારા મુખમાં મૂકેલાં મારાં વચનો તમારાં, તમારાં સંતાનોનાં કે તેમના વંશજોની સાથે સદા રહેશે; અને ક્યારેય જતાં રહેશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide