યશાયા 58 - પવિત્ર બાઇબલ C.L.સાચો ઉપવાસ 1 પ્રભુ કહે છે, “ઘાંટો પાડીને પોકાર; કહેવામાં કશુ જ બાકી રાખીશ નહિ. રણશિંગડાની જેમ ઊંચે સાદે પોકાર; મારા લોકને તેમના અપરાધ અને યાકોબના વંશજોને તેમનાં પાપ જણાવ. 2 છતાં પોતે જાણે સદાચારી પ્રજા હોય અને મારા આદેશની અવજ્ઞા કરનાર ન હોય તેમ તેઓ દિનપ્રતિદિન મારી ઝંખના કરે છે અને તેમને મારા માર્ગો જાણવા છે. વળી, તેઓ મારી પાસે ધર્મવિધિઓ માગે છે અને એમ મારી પાસે આવવા ચાહે છે.” 3 તેઓ પૂછે છે, “પ્રભુ, અમે ઉપવાસ કર્યો છતાં તમે તે લક્ષમાં કેમ લીધો નથી? અમે આત્મકષ્ટ કર્યું છતાં તમે તે પ્રત્યે ધ્યાન કેમ આપ્યું નથી?” પ્રભુ તેમને કહે છે, “હકીક્ત એમ છે કે તમે તમારા ઉપવાસને દિવસે તમારાં તમામ કામક્જ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો. 4 તમારા ઉપવાસનો દિવસ તો લડવા ઝઘડવામાં અને એકબીજાને મૂક્કીઓના ક્રૂર પ્રહાર કરવામાં પૂરો થાય છે. તમારા આજકાલના ઉપવાસથી તમારો પોકાર કંઈ આકાશમાં સંભળાવાનો નથી. 5 શું હું આવો ઉપવાસ પસંદ કરું છું? વ્યક્તિએ આત્મકષ્ટ કરવાનો દિવસ આવો હોય? માત્ર બરુની જેમ પોતાનું માથું નમાવવું અને કંતાન તેમ જ રાખના પાથરણા પર બેસવું એ જ ઉપવાસ છે? શું એવો દિવસ મને પ્રભુને માન્ય થશે? 6 “હું તો આવો ઉપવાસ પસંદ કરું છું: જોરજુલમનાં બંધનો તોડી નાખો, અન્યાયની ઝૂંસરીનાં દોરડાં છોડી નાખો, બોજથી દબાયેલાંઓને મુક્ત કરો, દમનની બધી ઝૂંસરીઓ ભાંગી નાખો. 7 ભૂખ્યાઓને તમારા ભોજનમાંથી ખવડાવો અને ઘરબાર વગરનાંને તમારા ઘરમાં આશ્રય આપો. વસ્ત્રહીનને વસ્ત્રો આપો અને તમારા જાતભાઈની જરૂરિયાત પ્રત્યે દુર્લક્ષ ન સેવો. 8 ત્યારે તો ઊગતા સવારની જેમ તારું અજવાળું ઝળહળી ઊઠશે અને તને સત્વરે સાજાપણું મળશે. તારો ઉદ્ધારર્ક્તા તારો અગ્રેસર થશે અને મારી ગૌરવી સમક્ષતા તારો પીઠરક્ષક બનશે. 9 તું મદદને માટે હાંક મારશે ત્યારે હું પ્રભુ તને જવાબ આપીશ. જ્યારે તું મને બોલાવશે ત્યારે હું હાજર હોઈશ. જો તું જુલમની ઝૂંસરી દૂર કરે, આંગળી બતાવી ધમકી દેવાનું બંધ કરે અને ભૂંડું બોલવાથી દૂર રહે; 10 જો તું તારા ભોજનને ભોગે પણ ભૂખ્યાઓને જમાડે અને દીનદુ:ખિયાને તૃપ્તિ પમાડે તો તારો પ્રકાશ અંધકારમાં ઝળકી ઊઠશે અને તારી ગમગીન રાત્રિ મયાહ્નના પ્રકાશમાં પલટાઈ જશે. 11 હું પ્રભુ તને સતત દોરવણી આપતો રહીશ અને સૂક્ભઠ પ્રદેશમાં પણ તને તૃપ્ત કરીશ. હું તને તંદુરસ્ત અને મજબૂત બાંધાનો રાખીશ. તું પુષ્કળ પાણી પાયેલી વાડી જેવો અને કદી સૂકાઈ ન જાય એવા પાણીના ઝરા જેવો થઈશ. 12 તારા વંશજો પ્રાચીનકાળનાં ખંડિયેરો બાંધશે અને તું પેઢીઓના જુના પાયા પર ચણતર કરશે. તું ફાટેલી દીવાલોને સમારનાર અને વસવાટની શેરીઓનું પુન:નિર્માણ કરનાર તરીકે ઓળખાશે.” સાબ્બાથપાલનનું પ્રતિદાન 13 પ્રભુ કહે છે, “જો તું સાબ્બાથનો ભંગ થાય તેવું કોઈ પગલું ન ભરે, મારા એ પવિત્ર દિવસે તારું પોતાનું કામક્જ બંધ રાખે, જો તું સાબ્બાથને આનંદદાયક અને મારા પવિત્ર દિવસ તરીકે માનપાત્ર ગણે, જો તું તે દિવસે મુસાફરી, ધંધોરોજગાર અને નિરર્થક વાતો નહિ કરતાં તેને માન આપીશ, 14 તો તને મારામાં સાચો આનંદ થશે. હું તને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર સવારી કરાવીશ અને તારા પૂર્વજ યાકોબને મેં આપેલા દેશમાં હું તારું ભરણપોષણ કરીશ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide