યશાયા 57 - પવિત્ર બાઇબલ C.L.મૂર્તિપૂજા વિરુદ્ધ ટીકા 1 સદાચારીઓ માર્યા જાય છે અને તે પર કોઈ ધ્યાન દઈને વિચારતું નથી. નિષ્ઠાવાન માણસો મરણ પામે છે પણ કોઈ સમજતું નથી કે તેમને ભાવિ વિપત્તિમાંથી ઉપાડી લેવામાં આવે છે. 2 સીધે માર્ગે ચાલનારાઓ મૃત્યુશૈયા પર નિરાંતે પોઢી જાય છે. 3 પણ તમે જાદુગરણના પુત્રો, વ્યભિચારિણી અને વેશ્યાનાં સંતાન, તમે અહીં પાસે આવો. 4 તમે કોની મશ્કરી કરો છો? તમે મુખ પહોળું કરી જીભ હલાવી કોને ચાળા પાડો છો? શું તમે બંડખોરના વંશજો અને કપટીનાં સંતાન નથી? 5 તમે એલોનવૃક્ષો મધ્યે પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે વિષયભોગમાં રાચતાં ફળદ્રુપતાના દેવોનું ભજન કરો છો. તમે કોતરોમાં તમારાં બાળકોનાં બલિદાન ચડાવો છો. 6 એ કોતરોના સુંવાળા પથ્થરોમાંથી ઘડેલી દેવમૂર્તિઓ જ તમારો હિસ્સો છે. તમે તેમના પર પેયાર્પણ તરીકે દ્રાક્ષાસવ રેડો છો અને અન્નનું અર્પણ ચડાવો છો. શું આ બધું મને પ્રસન્ન કરે ખરું? 7 હે મારી પ્રજા, ઉચ્ચ અને ઉન્નત પર્વત પર તેં તારી વ્યભિચારની શૈયા બિછાવી છે. ત્યાં તું યજ્ઞાર્પણો કરવા ચડી ગઈ. 8 બારણાં અને તેની બારસાખોની પાછળ જ તેં તારી આરાધ્ય દેવમૂર્તિઓ સ્થાપી છે. તેં મારો ત્યાગ કર્યો છે અને તું નવસ્ત્રી થઈને ત્યાં ચડી ગઈ. તેં એ શૈયાને પહોળી પાથરી છે. તને જેમનું શૈયાગમન ગમે છે તેમની સાથે તેં તારી જાતનો સોદો કર્યો છે અને તું તેમની નગ્નતામાં રાચે છે. 9 તું ઓલિવતેલ અને જાતજાતનાં અત્તરો લઈને મોલેખ પાસે પહોંચી ગઈ. ઉપાસના કરવા માટેના દેવોની શોધમાં તેં તારા રાજદૂતોને દૂર દૂર અરે, છેક મૃત્યુલોક શેઓલ સુધી મોકલ્યા. 10 લાંબી યાત્રાઓથી તું થાકી ગઈ, પણ ‘હવે કોઈ આશા રહી નથી’ એવું તું બોલી નહિ. તને જોમ પ્રાપ્ત થયું હોય તેમ તું હતાશ થઈ નહિ. 11 તું કોનાથી ગભરાય છે ને ડરે છે કે તું મારી સાથે કપટથી વર્તે છે, અને મને સંભારતીય નથી કે મારો વિચાર સરખોય કરતી નથી? મેં લાંબા સમયથી મૌન સેવ્યું છે એટલે તને મારો ડર લાગતો નથી? 12 પણ હું તારી ધાર્મિક્તા અને તારાં કાર્યો ખુલ્લાં પાડી દઈશ ત્યારે એ મૂર્તિઓ તને મદદ કરવાની નથી. 13 તું સહાય માટે પોકાર કરે ત્યારે એ તારી સંધરેલી મૂર્તિઓ તને બચાવશે? વાયુ તેમને ઉડાવી દેશે, અરે, તેઓ તો એક ફૂંકમાં ઊડી જશે. પણ મારે શરણે આવનારા તો દેશનો વારસો પ્રાપ્ત કરશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે. સહાય અને સાજાપણા માટે ઈશ્વરનું વચન 14 પ્રભુ કહે છે, “બાંધો, સડક બાંધો! માર્ગ તૈયાર કરો. મારા લોકના માર્ગમાંથી પ્રત્યેક અવરોધ દૂર કરો!” 15 ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું. 16 હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય. 17 તેમના લોભના પાપને લીધે હું તેમના પર ગુસ્સે થયો હતો. મેં તેમને શિક્ષા કરી અને હું તેમનાથી વિમુખ થયો. પણ તેમણે તો પોતાના મનફાવ્યા માર્ગે જ ચાલવાનું ચાલુ રાખ્યું. 18 મેં તેમનું વર્તન જોયું છે, છતાં હું તેમને સાજા કરીશ. હું તેમને દોરવણી આપીશ અને તેમને સાંત્વન આપીશ. હું શોક કરનારાઓના હોઠે સ્તુતિનાં ફળ ઉત્પન્ન કરીશ. 19 હું નજીક કે દૂરના સૌ કોઈને શાંતિ આપીશ. હું લોકને સાજા કરીશ. 20 પણ દુષ્ટો તો ક્દવકીચડ ફેંક્તા ઊછળતા મોજાંવાળા અશાંત સમુદ્ર જેવા છે.” 21 પ્રભુ કહે છે, “સાચે જ દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide