યશાયા 56 - પવિત્ર બાઇબલ C.L.અન્ય પ્રજાઓનો સ્વીકાર 1 પ્રભુ પોતાના લોકને કહે છે, “ન્યાયનું પાલન કરો અને પ્રામાણિકપણે વર્તો. કારણ, હું થોડા જ વખતમાં તમારો ઉદ્ધાર કરીશ અને તમારે માટે છુટકારો જાહેર કરીશ. 2 એ પ્રમાણે વર્તનાર અને એને વળગી રહેનાર, સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેનું પાલન કરનાર અને દુરાચારથી પોતાને દૂર રાખનાર માણસને હું આશિષ આપીશ.” 3 પ્રભુના સંબંધમાં આવેલા પરદેશીએ ‘પ્રભુ મને પોતાના લોકની સાથે ભજન કરવા નહિ દે’ એમ બોલવું નહિ. અરે, ‘હું તો સુકાઈ ગયેલા વૃક્ષ સમાન નપુંસક છું.’ એમ વ્યંડળોએ કહેવાની જરૂર નથી. 4 કારણ, પ્રભુ એમને કહે છે, “જે વ્યંડળો મારા સાબ્બાથોનું પાલન કરે છે, હું પ્રસન્ન થાઉં એવી બાબતો પસંદ કરે છે અને મારા કરારને વળગી રહે છે, 5 તેમને તો હું પુત્રપુત્રીઓ દ્વારા ચાલુ રહેતાં નામ અને સ્મારક કરતાં વધારે સારું નામ અને સારું સ્મારક મારા મંદિરમાં તથા કોટની દીવાલની અંદર શહેરમાં આપીશ.” 6 વળી, પ્રભુને સેવાર્થે સમર્પિત થયેલા, પ્રભુના નામ પર પ્રેમ કરનારા, તેમની ઉપાસના કરનારા, સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેનું પાલન કરનારા અને તેમના કરારને વળગી રહેનારા પરદેશીઓ વિષે પ્રભુ કહે છે: 7 “હું તમને મારા પવિત્ર પર્વત સિયોનમાં લાવીશ. મારા પ્રાર્થનાના ઘરમાં તમને આનંદ પમાડીશ અને મારી વેદી પર તમારાં બલિદાનોનો સ્વીકાર કરીશ.કારણ, મારું મંદિર સર્વ પ્રજાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.” 8 દેશવટો પામેલા ઇઝરાયલીઓને પાછા એકઠા કરનાર પ્રભુ પરમેશ્વર કહે છે, “જેમને મેં એકત્ર કર્યા છે તે ઉપરાંત હું બીજાઓને પણ એકઠા કરીશ.” ઇઝરાયલના આગેવાનોની દુર્દશા 9 હે વનવગડાનાં સર્વ પશુઓ, તમે આગેવાનોને ફાડી ખાવાને આવો. 10 ઇઝરાયલી લોકના એ ચોકિયાતો તો આંધળા અને અજ્ઞાન છે. તેઓ તો ભસી ન શકે તેવા મૂંગા કૂતરા જેવા છે. તેઓ સ્વપ્નમાં રાચનારા, પડી રહેનારા અને નિદ્રાધીન છે. 11 તેઓ ખાઉધરા કૂતરા જેવા છે અને કદી ધરાતા નથી. લોકપાલકોમાં ય કંઈ સમજણ નથી. તેઓ સૌ પોતાનો સ્વાર્થ સાધવાના રસ્તા અપનાવે છે. 12 એ દારૂડિયા કહે છે, “ચાલો, દ્રાક્ષાસવ લાવીએ અને દારૂ ઢીંચીએ. આવતી કાલ પણ આજના જ જેવી, બલ્કે એથીય વધારે આનંદની થશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide