Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 55 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વરની દયા

1 પ્રભુ કહે છે, “તમે જેઓ તરસ્યા છો તે અહીં આ પાણી પાસે આવો; જેની પાસે પૈસા ન હોય તે પણ આવો. ખોરાક વેચાતો લઈને ખાઓ. આવો, દ્રાક્ષાસવ અને દૂધ વિનામૂલ્યે ખરીદો; તમારે તેની કંઈ કિંમત ચૂકવવાની નથી.

2 જે ખોરાક ખાવાલાયક નથી તેને માટે તમે નાણાં કેમ ખર્ચો છો? જેથી તૃપ્તિ મળતી નથી તેને માટે તમારી કમાણી કેમ વાપરી નાખો છો? મારું સાંભળો અને મારું માનો તો તમે ઉત્તમ ખોરાક ખાશો અને પૌષ્ટિક ખોરાકથી તમારો જીવ સંતોષ પામશે.

3 કાન દઈને મારું સાંભળો અને મારી પાસે આવો. મારી પાસે આવો એટલે તમને જીવન પ્રાપ્ત થશે. હું તમારી સાથે સનાતન કરાર કરીશ અને દાવિદને વચનપૂર્વક આપેલી આશિષો તમને આપીશ.

4 મેં તેને લોકો માટે સાક્ષી અને તેમનો અધિકારી તથા સેનાપતિ ઠરાવ્યો હતો.

5 જુઓ, જે પ્રજાઓ વિષે તમે જાણતા નથી તેમને તમે બોલાવશો; જે પ્રજાઓ તમને ઓળખતી નહોતી તેઓ તારી સાથે સંબંધ બાંધવાને દોડતી આવશે. હું તમારો ઈશ્વર પ્રભુ છું; ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું અને મેં તમને ગૌરવી બનાવ્યા છે તેને લીધે એમ થશે.”

6 પ્રભુ મળે તેમ છે ત્યાં સુધી તેમને પ્રાપ્ત કરી લો; તે પાસે છે તેટલામાં તેમને હાંક મારો.

7 દુષ્ટ માણસ પોતાનો માર્ગ તજી દે અને અધર્મી માણસ પોતાના વિચારો બદલે અને આપણા ઈશ્વર પ્રભુ પાસે પાછા ફરે તો તે દયા દાખવશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.

8 પ્રભુ કહે છે, “મારા વિચારો તમારા વિચારો જેવા નથી; તેમ જ મારા માર્ગો તમારા માર્ગો કરતાં જુદા છે.

9 જેમ પૃથ્વીથી આકાશો ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.

10 આકાશમાંથી વરસાદ અને હિમ પડે છે અને તે પાછાં ઊંચે જતાં નથી. પણ વાવવાને બિયારણ અને ખાવાને ધાન્ય મળે તે માટે પૃથ્વીમાંથી પાક ઊગી નીકળે તે માટે તેને સિંચે છે.

11 મારા મુખમાંથી ઉચ્ચારાયેલો સંદેશ પણ તેવો જ છે. મેં જે ઇચ્છયું છે તે પૂર્ણ કર્યા વિના અને જે હેતુ માટે મેં તેને મોકલ્યો છે તે સિદ્ધ કર્યા વિના તે મારી પાસે નિરર્થક પાછો વળશે નહિ.

12 “તમે બેબિલોનમાંથી આનંદસહિત નીકળી જશો. તમને સહીસલામત દોરી જવામાં આવશે. તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદથી ગાવા માંડશે અને વૃક્ષો હર્ષનાદથી તાળી પાડવા લાગશે.

13 કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan