યશાયા 54 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલ પ્રત્યે પ્રભુનો પ્રેમ 1 હે સંતાનવિહોણી વંધ્યા સમી યરુશાલેમ નગરી! તું હવે હર્ષનાદ અને જયજયકાર કર. પતિએ કદી તજી દીધી ન હોય તેવી સ્ત્રી કરતાં ત્યક્તાનાં સંતાન વિશેષ થશે. 2 તારા તંબુની જગ્યા વિશાળ કર; તારા વસવાટના તંબુના પડદા પ્રસાર; તેનાં દોરડાં લાંબા કર; તેની મેખો સજ્જડ રીતે ઠોકી બેસાડ. 3 તું ડાબી કે જમણી બધી બાજુએ તારી સરહદો વધારશે. તારાં સંતાન અન્ય પ્રજાઓ પર કબજો જમાવશે અને નિર્જન શહેરો ફરી વસાવશે. 4 તું બીશ નહિ; તું ફરી લજ્જિત થવાની નથી. તું ગભરાઈશ નહિ; તું ફજેત થવાની નથી. તું તારા યૌવનનું લાંછન ભૂલી જશે, અને તને તારા વૈધવ્યનું કલંક ફરી યાદ આવશે નહિ. 5 કારણ, તારા સર્જનહાર ઈશ્વર જ તારે માટે પતિ સમાન બની રહેશે. તેમનું નામ સેનાધિપતિ યાહવે છે. તારા ઉદ્ધારક તો ઇઝરાયલના પવિત્ર ઈશ્વર છે. તે આખી પૃથ્વીના ઈશ્વર છે. 6 તું તો મનમાં ઉદાસ રહેતી ત્યક્તા જેવી અને જુવાનીમાં પરણ્યા પછી તરત જ તજી દેવાયેલી પત્ની જેવી છે. પણ તારા ઈશ્વર પ્રભુ તને પાછી બોલાવે છે અને કહે છે, 7 “મેં તને પળવાર તજી દીધી હતી. પણ અપાર પ્રેમથી હું તને પાછી બોલાવીશ. 8 મારા ક્રોધાવેશમાં હું તારાથી ક્ષણભર વિમુખ થયો હતો પણ હું અવિરત પ્રેમથી તારા પર કરુણા દાખવીશ.” તારો ઉદ્ધાર કરનાર પ્રભુ એવું કહે છે. 9 “મારે મન તો એ નૂહના સમયના જળપ્રલય જેવું છે. ત્યારે મેં પૃથ્વી પર ફરીથી જળપ્રલય નહિ લાવવાના સમ ખાધા હતા. હવે એ જ પ્રમાણે હું તારા પર ફરી રોષે ભરાઈશ નહિ. હું તને ધમકાવીશ નહિ કે શિક્ષા કરીશ નહિ. 10 પર્વતો ખસી જાય અને પર્વતો ચળી જાય પણ તારા પરનો મારો અવિરત પ્રેમ ટળી જશે નહિ. તને શાંતિ આપવા અંગે મેં કરેલો મારો કરાર રદ થશે નહિ.” તારા પર કરુણા દાખવનાર પ્રભુ એવું કહે છે. યરુશાલેમનું ભાવિ 11 “હે દુ:ખિત, વાવાઝોડાની થપાટો ખાતી અને દિલાસાવિહોણી યરુશાલેમ નગરી, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ. 12 હું તારા બુરજો માણેકના, તારા દરવાજાઓ લાલમણિના અને તારા કોટની દીવાલ રત્નજડિત બનાવીશ. 13 હું પ્રભુ પોતે તારા લોકને શિક્ષણ આપીશ અને તેમને પુષ્કળ સમૃદ્ધ કરીશ. 14 તું ઉદ્ધારદાયક ન્યાયમાં સ્થાપિત થઈશ. ત્રાસ તારાથી દૂર રહેશે એટલે તને કંઈ ભય લાગશે નહિ. કારણ, તે તારી પાસે આવશે નહિ. 15 જો કોઈ તારા પર આક્રમણ કરે તો તેની પાછળ મારો હાથ નહિ હોય. બલ્કે, તારી વિરુદ્ધ લડાઈ કરનારની પડતી થશે. 16 અંગારા ચેતાવી અમુક હેતુ માટે હથિયાર ઘડનાર લુહારનો સર્જક હું છું. એ હથિયારથી વિનાશ કરનાર સૈનિકનો ય સર્જક હું છું. 17 તેથી તારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈપણ હથિયાર સાર્થક થશે નહિ. ન્યાય તોળતી વખતે તારી વિરુદ્ધ કરવામાં આવેલા કોઈપણ આક્ષેપોને તું જુઠ્ઠા પુરવાર કરીશ. એ જ મારા તરફથી મારા સેવકોને મળતો વારસો છે; હું જ તેમના બચાવપક્ષે છું,” એવું પ્રભુ કહે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide