Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 53 - પવિત્ર બાઇબલ C.L.

1 પણ અમે સાંભળેલા સંદેશા પર કોણે વિશ્વાસ મૂક્યો છે? કોની આગળ પ્રભુનો ભુજ પ્રગટ થયો છે?

2 તે તો તેમની સમક્ષ કુમળા રોપાની જેમ અને સૂકી ભૂમિમાં ઊગી નીકળતા મૂળની જેમ વૃદ્ધિ પામ્યો. તેનામાં કંઈ એવાં સૌંદર્ય કે પ્રભાવ નહોતાં કે આપણે તેના પ્રત્યે આકર્ષાઈએ. તેનામાં કંઈ લાવણ્ય નહોતું કે આપણે તેને ચાહીએ.

3 તે તો માણસોથી તિરસ્કાર પામેલો અને તરછોડાયેલો હતો; દુ:ખી પુરુષ અને દર્દનો અનુભવી હતો. તે તો જેને જોઈને માણસો પોતાનું મુખ સંતાડી દે તેવો ઉપેક્ષા પામેલો હતો અને આપણે તેને વિસાત વિનાનો ગણ્યો.

4 સાચે જ તેણે તો આપણાં દર્દ અપનાવ્યાં અને આપણાં દુ:ખ ઉપાડયાં છે. છતાં જેને ઈશ્વરે સજા કરી હોય, ઘાયલ કર્યો હોય અને પીડા દીધી હોય એવો તેને આપણે માની લીધો.

5 પણ તે આપણા અપરાધોને લીધે વીંધાયો અને આપણા અન્યાયને લીધે કચડાયો. તેને થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે અને તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે.

6 આપણે સૌ ઘેટાંની જેમ ભટકી ગયા છીએ. આપણે સૌ પોતપોતાને માર્ગે વળી ગયા છીએ. પ્રભુએ તેને શિરે આપણા સૌના અન્યાય મૂક્યા છે.

7 તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો અને પીડા દેવામાં આવી. પણ તે તેના મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ. હલવાનને ક્તલખાને લઈ જવામાં આવે તેમ તેને લઈ જવામાં આવ્યો અને ઘેટું તેનું ઊન કાતરનારની આગળ મૂંગું રહે, તેમ તે પોતાને મુખે એક શબ્દ પણ બોલ્યો નહિ.

8 તેને જોરજુલમથી અને અદાલતી કાર્યપ્રણાલી વિના લઈ જવામાં આવ્યો. તેના જમાનાના લોકમાંથી કોને એ વાતનો ખ્યાલ આવ્યો કે, મારા લોકના અપરાધને લીધે તેને મૃત્યુદંડ દેવાયો અને જીવતાઓની ભૂમિ પરથી તેનો વિચ્છેદ કરવામાં આવ્યો.

9 દુષ્ટોની કબરોની જોડાજોડ જ તેની કબર રાખવામાં આવી અને તેની મરણાવસ્થામાં તે ધનવાનની સાથે હતો. કારણ, તેણે કંઈ હિંસા આચરી નહોતી કે તેના મુખમાં કંઈ કપટ નહોતું.

10 છતાં પ્રભુની ઈચ્છા તો તેને કચડવાની અને પીડવાની હતી. તે પોતાની જાતનું ઈશ્વરને દોષનિવારણબલિ તરીકે અર્પણ ચડાવે ત્યારે તે પોતાનાં સંતાન જોવા પામશે. ત્યારે તે દીર્ઘાયુ થશે અને તેને હાથે ઈશ્વરનો ઈરાદો સિદ્ધ થશે.

11 અંતરાત્માની ઊંડી વેદના અનુભવ્યા પછી તે પ્રકાશ પામશે અને સંતુષ્ઠ થશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાન વડે ઘણાના અપરાધ પોતાના પર લઈને તેમને ન્યાયી ઠરાવશે.

12 તેથી હું મહાપુરુષો સાથે તેને હિસ્સો આપીશ અને તે બળવાનો સાથે લૂંટ વહેંચશે. કારણ, છેક મરણ પામતાં સુધી તેણે પોતાનો આત્મા રેડી દીધો અને અપરાધીઓ સાથે તેની ગણના થઈ. પણ તેણે તો ઘણાંનાં પાપ ઉઠાવ્યાં અને અપરાધીઓ માટે મયસ્થી કરી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan