Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 52 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર યરુશાલેમને બચાવશે

1 જાગ, ઓ સિયોન જાગ! સામર્થ્ય ધારણ કર. હે પવિત્ર શહેર યરુશાલેમ, તારાં વૈભવી વસ્ત્રો ધારણ કર. હવે પછી તારા દરવાજાઓમાં સુન્‍નતરહિત અશુદ્ધ પ્રજાઓ ધૂસી જશે નહિ.

2 હે યરુશાલેમ, તારી ધૂળ ખંખેરી નાખ અને ઊઠીને રાજ્યાસન પર બિરાજમાન થા. હે સિયોનના બંદીવાન લોકો, તમારી ગરદન પરની જંજીરોથી મુક્ત થાઓ.

3 પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “તમે વિનામૂલ્ય ગુલામ તરીકે વેચાયા હતા. તેથી તમે વિનામૂલ્યે છોડાવી લેવાશો.

4 તમે તો પોતે ઇજિપ્તમાં વસવા ગયા હતા. છેલ્લે આશ્શૂરે તમને વિનાકારણ રંજાડયા હતા.

5 હવે અહીં બેબિલોનના સંબંધમાં પણ એવું જ બન્યું છે. કારણ, મારા લોકને વિનામૂલ્યે બંદીવાન કરી લઈ જવામાં આવ્યા છે અને તેમના ઉપરી અમલદારો તેમની ઠેકડી ઉડાવે છે. મારું નામ આખો દિવસ સતત નિંદાય છે.

6 આવનાર દિવસોમાં તમે મારા લોક મારું નામ જાણશો. વળી, હું ઈશ્વર છું અને મેં તમારી સાથે અગાઉથી વાત કરી છે એવું તમે સ્વીકારશો.”

7 વધામણીની વાત લઈ આવી રહેલા સંદેશકના પગ પર્વતો પર કેવા સુંદર લાગે છે! તે તો શાંતિની જાહેરાત કરે છે, શુભસંદેશ લાવે છે, ઉદ્ધાર પ્રગટ કરે છે અને સિયોનને કહે છે, ‘તારા ઈશ્વર રાજ કરે છે!’

8 સાંભળ, તારા ચોકીદારો ઊંચે અવાજે એકી સાથે હર્ષના પોકાર કરે છે. તેઓ પ્રભુને સિયોનમાં પાછા આવતા નજરોનજર જોઈ રહ્યા છે!

9 હે યરુશાલેમનાં ખંડિયેરો, તમે સૌ સાથે મળી આનંદનાં ગીતો ગાવા લાગો! કારણ, પ્રભુએ પોતાના શહેરનો ઉદ્ધાર કરીને પોતાના લોકને આશ્વાસન આપ્યું છે.

10 દુનિયાની સર્વ પ્રજાઓનાં દેખતાં પ્રભુ પોતાનો પવિત્ર ભુજ પ્રગટ કરશે અને પૃથ્વીના છેડેછેડાના લોક આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર જોઈ શકશે.

11 નીકળો! નીકળો! ઓ મંદિરનાં પાત્રો ઊંચકનારાઓ, તમે બેબિલોનમાંથી નીકળી જાઓ અને શુદ્ધ થાઓ. કોઈપણ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ કરશો નહિ.

12 છતાં તમારે કંઈ ભાગેડુની જેમ નાસભાગ કરવાની નથી. કારણ, પ્રભુ પોતે તમારા અગ્રેસર બની તમને દોરશે અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


દુ:ખ સહન કરનાર સેવક

13 પ્રભુ કહે છે, “જુઓ, મારા સેવકની આબાદી અને ઉન્‍નતિ થશે, તેમજ તેને ઉત્તમ માન મળશે.

14 એક સમયે તો ઘણા લોકો તેને જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા; કારણ, તેનો ચહેરો અને તેનો સમગ્ર દેખાવ અમાનુષી રીતે એવો વિરૂપ બનાવી દેવાયો કે તે માણસ હોય એવું લાગે જ નહિ!

15 પણ હવે પછી પ્રજાઓ તેને જોઈને આભી બની જશે; રાજાઓ પણ વિસ્મિત થઈને અવાકા બની જશે; કારણ, તેમને પહેલાં કહેવામાં આવ્યું ન હોય એવું તેઓ જોશે અને તેમણે પહેલાં સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan