Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 51 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમને આશ્વાસન

1 પ્રભુ કહે છે, “હે સદાચારને અનુસરનારા અને મને પ્રભુને શોધનારા, તમે મારું કહ્યું સાંભળો. તમને જે ખડકમાંથી ખણી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી ખોદી કાઢવામાં આવ્યા છે તે તમારા ઉદ્ભવસ્થાનને જુઓ.

2 “તમારા પૂર્વજ અબ્રાહામનો અને તમારી કુળજનેતા સારાનો વિચાર કરો. મેં અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે નિ:સંતાન હતો. પણ પછી મેં તેને આશિષ આપીને તેને અનેક વંશજો આપ્યા.

3 “હું સિયોનને અને તેનાં ખંડિયેરોમાં વસતા સૌને આશ્વાસન આપીશ. હું તેના વેરાનપ્રદેશને એદન જેવો અને તેના સૂકાપ્રદેશને ‘પ્રભુની વાડી’ જેવો બનાવી દઈશ. તેમાં આનંદોત્સવ થશે અને ગાનતાન સાથે મારાં સ્તુતિગીત ગવાશે.

4 હે મારા લોક, મારું સાંભળો. હે મારી પ્રજા, મારા કહેવા પર ધ્યાન આપો. મારી પાસેથી નિયમ પ્રગટશે અને મારો ઈન્સાફ પ્રજાઓ માટે પ્રકાશરૂપ બની રહેશે.

5 “મારા વિજયનો સમય પાસે છે અને મારો ઉદ્ધાર પ્રગટ થવામાં છે. મારો ભુજ પ્રજાઓ પર રાજ ચલાવશે. ટાપુઓ પોતાના રક્ષણ માટે મારા ભુજની પ્રતીક્ષામાં મારી તરફ તેમની મીટ માંડશે.

6 “તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરો; વળી, નીચે પૃથ્વીને ય નિહાળો. આકાશ તો ધૂમાડાની જેમ અદશ્ય થઈ જશે અને પૃથ્વી વસ્ત્રની જેમ ર્જીણ થઈ જશે તથા તેમાંના લોક માખીઓની જેમ મરણ પામશે, પણ મારો ઉદ્ધાર સદાકાળ રહેશે; મારો વિજય નાશ પામશે નહિ.

7 “સાચું શું છે તે જાણનારા અને હૃદયમાં મારું શિક્ષણ જાળવી રાખનારા, તમે મારું સાંભળો. લોકોની નિંદાથી બીશો નહિ કે તેમનાં મહેણાંટોણાથી ગભરાશો નહિ.

8 કીડો કપડાંને અને કંસારી ઊનને કાતરી ખાય તેમ તેઓ ક્ષીણ થઈ જશે, પણ મારો ઉદ્ધાર સદાકાળ રહેશે, અને મારો વિજય હરહંમેશ ટકી રહેશે.”

9 હે પ્રભુના ભુજ જાગ! પ્રાચીન સમયમાં તેં પૂર્વજોની પેઢીઓ દરમ્યાન કરેલ તેમ વસ્ત્રની જેમ સામર્થ્ય ધારણ કર. શું તેં જ રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા નહોતા? તેં જ એ રાક્ષસી અજગરને વીંધી નાખ્યો નહોતો?

10 સમુદ્રનાં અગાધ પાણીને સૂકવી નાખી પોતાના લોકને સમુદ્રના ઊંડાણમાં થઈને પાર લઈ જનાર તું જ નહોતો?

11 પ્રભુએ મુક્ત કરેલા લોકો પાછા ફરશે અને આનંદથી ગાતાં ગાતાં અને હર્ષનાદ કરતાં કરતાં સિયોનમાં પહોંચશે અને આનંદ તેમના શિરનો મુગટ બની રહેશે. હર્ષ અને ઉલ્લાસ તેમને આંબી જશે અને દુ:ખ તથા નિસાસા નાસી જશે.

12 પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો?

13 પણ તમે તો આકાશોને પ્રસારનાર અને પૃથ્વીના પાયા નાખનાર તમારા સર્જનહારને વીસરી ગયા છો. તેથી તો તમે તમારા જુલમગારોને લીધે આખો દિવસ સતત ભયમાં રહો છો. પણ તમારા જુલમગારોનો કોપ ક્યાં છે?

14 કારણ, કચડાયેલાઓ બહુ જલદી મુક્ત થશે, તેઓ બંદીખાનામાં જ મોત પામશે નહિ કે તેમને અન્‍નની તંગી વર્તાશે નહિ.

15 હું પ્રભુ તમારો ઈશ્વર છું. હું સમુદ્રને ખળભળાવું છું, એટલે તેનાં મોજાંઓ ગર્જના કરે છે. સર્વસમર્થ યાહવે એ જ મારું નામ છે.

16 મેં જ આકાશો સ્થાપ્યાં છે અને પૃથ્વીનો પાયો પણ મેં જ નાખ્યો છે. હું સિયોનને કહું છું: તમે મારા લોક છો. મેં મારો સંદેશ તમારા મુખમાં મૂક્યો છે અને મારા હાથની છાયાનું તમારા પર આચ્છાદન કર્યું છે.”


યરુશાલેમના દુ:ખનો અંત

17 હે યરુશાલેમ નગરી, જાગ, જાગ, ઊભી થા! તેં પ્રભુના હાથમાંથી તેમના કોપનો પ્યાલો પીધો છે. તેં માણસોને લથડિયાં ખવડાવનાર મોટો પ્યાલો ગટગટાવી જઈને તેને તળિયાઝાટક કર્યો છે.

18 તેં ઉછેરેલા તારા પેટના પુત્રોમાંથી કોઈ તારું બાવડું પકડીને તને દોરી જનાર નથી.

19 તારા પર તો બેવડી આપત્તિ આવી પડી છે: યુદ્ધને લીધે પાયમાલી અને વિનાશની સાથોસાથ ભૂખમરો પણ છે અને તારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનાર કોઈ નથી.

20 શિકારીએ બિછાવેલ જાળમાં હરણ ફસાઈ જાય તેમ તારા લોક શેરીઓને નાકે નાકે લાચાર થઈને પડયા છે. તેમણે પ્રભુના કોપનો, તારા ઈશ્વરની ધમકીનો પૂરેપૂરો અનુભવ કર્યો છે.

21 હે યરુશાલેમના પીડિતો, તમે છાકટા તો બન્યા છો, પણ દ્રાક્ષાસવથી નહિ.

22 તેથી પ્રભુ પરમેશ્વર, તમારા ઈશ્વર તમારા બચાવપક્ષે બોલે છે. મેં તમારા હાથમાંથી તમને લથડિયાં ખવડાવનાર કોપનો પ્યાલો લઈ લીધો છે. હવે પછી તમારે કદી એ કોપના મોટા પ્યાલામાંથી પીવાનો વારો આવશે નહિ.

23 ‘જમીન પર ઊંધા મોંએ સૂઈ જાઓ કે અમે તમારા પર ચાલીએ, એવું તમારા જુલમગારો તમને કહેતા. તમારી પીઠ પણ ભૂમિ જેવી અથવા ચાલવાની શેરી જેવી થઈ પડી હતી. હું પેલો કોપનો પ્યાલો તમારા એ જુલમગારોના હાથમાં મૂકીશ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan