યશાયા 50 - પવિત્ર બાઇબલ C.L.1 પ્રભુ પૂછે છે, “મેં તમારી માતાથી લગ્નવિચ્છેદ કર્યો હોય તો તેનું પ્રમાણપત્ર ક્યાં છે? અથવા મારા કયા લેણદારને ત્યાં મેં તેને વેચી દીધી છે? તમે તો તમારા પાપને લીધે વેચાયા હતા અને તમારા અપરાધને લીધે તમારી માતાને કાઢી મૂકવામાં આવી હતી. 2 “હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે. 3 હું આકાશમાં અંધકાર છાઈ દઉં છું અને તેથી ગમગીની વ્યાપી જાય છે.” પ્રભુના સેવકની આધીનતા 4 હું નિર્ગત થઈ ગયેલાઓને પ્રોત્સાહનના શબ્દો કહું તે માટે પ્રભુ પરમેશ્વરે મને કેળવાયેલી વાણી ઉચ્ચારતી જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે. જેથી હું કાન માંડીને તેમનું શિક્ષણ સંપાદન કરી શકું. 5 પ્રભુ પરમેશ્વરે મારા કાન સરવા કર્યા છે. તેથી ન તો મેં તેમની વિરુદ્ધ બળવો કર્યો કે ન તો હું તેમનાથી દૂર ગયો. 6 મને ફટકારનારની આગળ મેં મારી પીઠ અને મારી દાઢી ફાંસી નાખનારની આગળ મારા ગાલ ધર્યા છે. અપમાન કરનારા કે થૂંકનારાથી મેં મારું મોં છુપાવ્યું નથી. 7 પણ મને તો પ્રભુનો સાથ છે તેથી હું ઝંખવાણો પડવાનો નથી કે લજવાવાનો નથી. કારણ, મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું દઢ કર્યું છે. 8 મારો બચાવ કરવાને ઈશ્વર મારા પક્ષમાં છે. તો મારી વિરુદ્ધ કોઈ આક્ષેપ મૂકનાર છે? જો હોય, તો સામે આવે. મારા પર કોઈ આરોપ મૂકનાર છે? જો હોય તો મારો પ્રતિકાર કરે. 9 પ્રભુ પરમેશ્વર પોતે મારો બચાવ કરશે, તો પછી મને કોણ દોષિત ઠરાવશે? મારા બધા પ્રતિવાદીઓ કીડાઓએ કોરી ખાધેલા વસ્ત્રની જેમ ક્ષીણ થઈ જશે. 10 તમારામાં પ્રભુથી ડરીને ચાલનાર કોણ છે? તેમના સેવકના શબ્દોને આધીન થનાર કોણ છે? જે કોઈ હોય તે પોતાની પાસે પ્રકાશ ન હોવાથી અંધકારમાં ચાલતી વખતે પોતાના ઈશ્વર યાહવેના નામ પર ભરોસો મૂકે અને તેમના પર આધાર રાખે. 11 પણ હાલ જેઓ અગ્નિ પેટાવે છે અને સળગતી મશાલો ધરાવે છે તેવા તમે તમારા પેટાવેલ અગ્નિના અને સળગતી મશાલોના પ્રકાશમાં ચાલો. પ્રભુને હાથે તમારા આવા હાલ થશે: તમે વેદનામાં રિબાયા કરશો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide