Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 5 - પવિત્ર બાઇબલ C.L.


દ્રાક્ષવાડીનું ગીત

1 તો હવે તમે મારું ગીત સાંભળો. આ ગીત તો મારા પ્રિયતમ અને તેની દ્રાક્ષવાડી વિષેનું છે: ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની એક દ્રાક્ષવાડી હતી.

2 તેણે તેને ખોદીને તેમાંથી પથ્થરો વીણી કાઢયા અને તેમાં ઉત્તમોત્તમ દ્રાક્ષવેલા રોપ્યા. તેમાં તેણે ચોકીનો બુરજ બાંધ્યો અને દ્રાક્ષ પીલવાને માટે કુંડ ખોદયો. પછી તે મીઠી દ્રાક્ષની રાહ જોવા લાગ્યો, પણ ખાટી દ્રાક્ષ ઊપજી!

3 તેથી મારો પ્રિયતમ કહે છે: “હે યરુશાલેમના રહેવાસીઓ અને યહૂદિયાના લોકો, તમે મારી અને મારી દ્રાક્ષવાડી વચ્ચે ન્યાય કરો:

4 મેં મારી દ્રાક્ષવાડીમાં કરવા જેવું કોઈ કામ બાકી રાખ્યું હતું? તો પછી મારી આશા પ્રમાણે મીઠી દ્રાક્ષને બદલે ખાટી દ્રાક્ષ કેમ ઊપજી?

5 “તો હવે હું મારી દ્રાક્ષવાડીનું શું કરીશ તે સાંભળો: હું તેની વાડ કાઢી નાખીશ. અને તેની રક્ષણની દીવાલ તોડી પાડીશ એટલે જંગલી પ્રાણીઓ તેને ભેલાડી દેશે અને તેને ખૂંદી નાખશે.

6 હું તેને ઉજ્જડ કરી નાખીશ. હું તેની કાપકૂપ કરીશ નહિ કે તેની જમીન ખેડીશ નહિ. તેમાં કાંટાઝાંખરા ઊગી નીકળશે અને વાદળો તેના પર વરસે નહિ એવી હું તેમને આજ્ઞા કરીશ.

7 ઇઝરાયલ તો સર્વસમર્થ પ્રભુની દ્રાક્ષવાડી છે; યહૂદિયાના લોક તેમના મનોરંજક દ્રાક્ષવેલાના રોપાઓ છે. તેમણે તેમની પાસેથી ન્યાયની અપેક્ષા રાખેલી, પણ તેમને તેમનામાં રક્તપાત જોવા મળ્યો. તે નેકીની અપેક્ષા રાખતા હતા, પણ એને બદલે તેમને પીડિતોનો પોકાર સાંભળવા મળ્યો.


લોકોનાં દુષ્ટ કાર્યો

8 તમારી કેવી દુર્દશા થશે! તમે ઘર પર ઘર વધાર્યા કરો છે અને ખેતર પર ખેતર વિસ્તારો છો, એટલે સુધી કે દેશમાં માત્ર તમે એકલા જ રહો છો અને બીજા કોઈ માટે જગ્યા મળતી નથી.

9 સર્વસમર્થ પ્રભુએ મને જણાવ્યું છે: “આ બધાં મોટાં ઘર ઉજ્જડ બની જશે અને સુંદર હવેલીઓ નિર્જન બની જશે.

10 દસ એકરની દ્રાક્ષવાડીમાંથી માત્ર બાવીસેક લિટર જ દ્રાક્ષાસવ મળશે. દસ માપ બિયારણમાંથી માત્ર એક માપ અનાજ પાકશે.

11 તમારી કેવી દુર્દશા થશે! તમે સવારે વહેલા ઊઠીને દારૂ ઢીંચવા માંડો છો અને દ્રાક્ષાસવ પીને મોડી રાત સુધી મસ્ત રહો છો.

12 તમારી મિજબાનીઓમાં સિતાર, વીણા, ખંજરી, વાંસળી અને દ્રાક્ષાસવ હોય છે. પણ તમને પ્રભુનાં કાર્યો માટે માન નથી અને તેમનાં હાથનાં કામો માટે આદર નથી.

13 તેથી સમજણને અભાવે તમને બંદિવાનો તરીકે લઈ જવામાં આવશે. તમારા આગેવાનો ભૂખે મરશે અને આમજનતા તરસે મરશે.

14 મૃત્યુલોક શેઓલની તેમને માટેની ભૂખ વધી ગઈ છે, અને તેણે પોતાનું મોં પૂરેપૂરું ખોલ્યું છે. તે યરુશાલેમના પ્રતિષ્ઠિત માણસોને અને મિજબાનીની ધમાચકડીમાં ગુલતાન થયેલા સમુદાયને ઓહિયાં કરી જાય છે.

15 દરેક માણસ નીચો નમાવાશે, બલ્કે, સમસ્ત માનવજાતને નમાવવામાં આવશે, સર્વ ઉદ્ધત આંખો નીચી નમાવાશે.

16 પણ સર્વસમર્થ પ્રભુ તેમનાં ન્યાયકૃત્યો દ્વારા પોતાની મહત્તા પ્રગટ કરશે અને પવિત્ર ઈશ્વર યથાર્થ ન્યાય કરીને પોતાની પવિત્રતાનું પ્રમાણ આપશે.

17 શહેરના શ્રીમંતોનાં ખંડિયેરોમાં ઘેટાંબકરાં ચરિયાણમાં ચરતાં હોય તેમ ચરશે.

18 તમારી કેવી દુર્દશા થશે! તમે તમારા પાપથી મુક્ત થઈ શક્તા નથી.

19 તમે કહો છો, “પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે જલદી કરે, જેથી અમે તે જોઈએ; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર તેમની યોજના પાર પાડે, જેથી અમે તેમનું મન જાણીએ.”

20 તમારી કેવી દુર્દશા થશે! તમે ભૂંડાને સારું અને સારાને ભૂંડું કહો છો. તમે અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં પલટી નાખો છો. તમે કડવાને મીઠું અને મીઠાને કડવું બનાવો છો.

21 તમારી કેવી દુર્દશા થશે! તમે પોતાને જ્ઞાની અને બુદ્ધિશાળી સમજો છો.

22 તમારી કેવી દુર્દશા થશે! તમે દ્રાક્ષાસવ પીવામાં શૂરા અને દારૂ ગાળવામાં બહાદુર છો.

23 તમે લાંચ લઈને ગુનેગારને નિર્દોષ ઠરાવો છો અને નિર્દોષને ન્યાયથી વંચિત રાખો છો.

24 તેથી જેમ અગ્નિ તણખલાને ભરખી જાય છે અને સૂકું ઘાસ જવાળામાં હોમાઈ જાય છે તેમ તમારાં મૂળ કોહવાઈ જશે અને તમારાં ફૂલ ધૂળની જેમ ઊડી જશે. કારણ, ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુના નિયમની તમે અવગણના કરી છે અને તેમના સંદેશનો તિરસ્કાર કર્યો છે.

25 પ્રભુ પોતાના લોક પર રોષે ભરાયા છે અને તેમણે તેમને સજા કરવાને પોતાનો હાથ ઉગામ્યો છે. પર્વતો ધ્રૂજી ઊઠશે અને મરેલાંઓનાં શબ કચરાની માફક રસ્તે રઝળશે. છતાં પ્રભુનો રોષ શમી જશે નહિ, પણ સજા કરવાને તેમનો હાથ હજી ઉગામેલો રહેશે.

26 પ્રભુ દૂરની પ્રજાને વજા ફરકાવીને બોલાવે છે, તે તેમને સીટી વગાડીને બોલાવે છે. જુઓ, તે સત્વરે અને ઝટપટ આવે છે!

27 તેમનામાંનો કોઈ થાક્તો નથી કે કોઈ ઠોકર ખાતો નથી કે કોઈ ઝોકાં ખાતો નથી કે ઊંઘતો નથી. તેમનામાંના કોઈનો કમરપટ્ટો છૂટી ગયો નથી કે કોઈનું પગરખું તૂટી ગયું નથી.

28 તેમનાં બાણ તીક્ષ્ણ છે અને તેમનાં ધનુષ્ય તાણેલાં છે. તેમના ધોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં પૈડાં વંટોળિયાની જેમ ફરે છે.

29 તેમના સૈનિકોની ગર્જના સિંહની ત્રાડ જેવી છે. તેઓ સિંહનાં બચ્ચાની માફક ગર્જના કરશે અને ધૂરકશે. તેઓ શિકાર પકડીને ખેંચી જશે અને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.

30 એ દિવસે તેઓ ઇઝરાયલ પર ધૂઘવતા સમુદ્રની જેમ ગર્જશે. જો કોઈ દેશ પર દષ્ટિપાત કરે તો તેને અંધકાર અને આફત જ દેખાશે. પ્રકાશ પણ વાદળોથી ઘેરાઈ જશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan