Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 49 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુનો સેવક

1 ઓ ટાપુઓ અને દૂર દેશાવરના લોકો, મારું ધ્યનથી સાંભળો. પ્રભુએ મને મારા જન્મ પહેલાં બોલાવ્યો હતો. હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી જ પોતાના સેવક તરીકે તેમણે મારી નામજોગ પસંદગી કરી છે.

2 તેમણે મારા મુખની વાણી તાતી તલવાર જેવી કરી છે, મને તેમના હાથને ઓથે સંતાડયો છે. અને મને તીક્ષ્ણ તીર જેવો બનાવીને પોતાના ભાથામાં છુપાવી રાખ્યો છે.

3 તેમણે મને કહ્યું, “હે ઇઝરાયલ, તું મારો સેવક છે. તારામાં હું મારો મહિમા પ્રગટ કરીશ.” મેં કહ્યું, “મેં નિરર્થક શ્રમ કર્યો છે.

4 મેં મારી શક્તિ વ્યર્થ અને નકામી ખરચી નાખી છે. તેમ છતાં પ્રભુ તરફથી મને મારું વળતર મળી રહેશે. તે મને મારા કાર્યનો બદલો આપશે.”

5 યાકોબને પોતાની પાસે પાછો લાવવા અને ઇઝરાયલના વિખેરાઈ ગયેલા લોકને પોતાની પાસે એકઠા કરવા પ્રભુએ મને તેમનો સેવક થવાને ગર્ભસ્થાનમાં ઘડયો હતો. તેથી તો હું પ્રભુની દષ્ટિમાં સન્માન પામેલો છું અને એ મારા ઈશ્વર મારા સામર્થ્યનો સ્રોત છે.

6 પ્રભુએ કહ્યું, “તોપણ હે મારા સેવક, યાકોબનાં કુળોને સંસ્થાપિત કરવાં અને મેં ઇઝરાયલના બચાવી રાખેલા લોકને પાછા ફેરવવા એ તો તારે માટે કંઈ બહુ મોટું કામ નથી; એથી વિશેષ, હું તો તને બિનયહૂદી પ્રજાઓ માટે પ્રકાશરૂપ કરીશ. જેથી તું પૃથ્વીને છેડેછેડે મારા ઉદ્ધારને પ્રસરાવે.”

7 જેના પ્રત્યે માણસોને ધિક્ક ાર છે અને પ્રજાઓને નફરત છે અને જે રાજર્ક્તાઓનો દાસ છે તેને માટે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર અને ઉદ્ધારક કહે છે: “રાજાઓ ઊભા થઈને તને માન આપશે અને રાજદરબારીઓ તને જોઈને તારી આગળ નમન કરશે.” પ્રભુ પોતાનું વચન પાળવામાં અડગ છે અને ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે પોતાના એ સેવકને પસંદ કર્યો છે તેને લીધે એવું બનશે.


યરુશાલેમનો પુનરોદ્ધાર

8 પ્રભુ પોતાના ઇઝરાયલી લોકને કહે છે, “મારી કૃપા દાખવવાના નિયત સમયે હું તારું સાંભળીશ અને મુક્તિના દિવસે તને સહાય કરીશ. હું તારું રક્ષણ કરીશ અને લોકો સાથેના મારા કરાર તરીકે તારી નિમણૂક કરીશ. હું દેશનો પુનરોદ્ધાર કરીશ અને ઉજ્જડ થઈ પડી રહેલાં વતનોને વહેંચી આપીશ.

9 હું બંદીવાનોને કહીશ, ‘બહાર આવો!’ અને અંધકારમાં બેઠેલાઓને કહીશ, ‘બહાર પ્રકાશમાં આવો!” તેઓ રસ્તાની ધારે ચરતાં ઘેટાં જેવાં થશે, બલ્કે, પ્રત્યેક ઉજ્જડ ડુંગર તેમને માટે ચરિયાણ બની જશે.

10 તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.

11 મારા લોકની મુસાફરી અર્થે હું પર્વતો મધ્યે સપાટ રસ્તો બનાવી દઈશ અને પ્રત્યેક માર્ગને પૂરીને સરખો કરીશ.

12 મારા લોક દૂરદૂરથી, ઉત્તરમાંથી અને પૂર્વમાંથી અને દક્ષિણમાં છેક આસ્વાનથી આવશે.”

13 હે આકાશો, આનંદ કરો! હે પૃથ્વી, હર્ષનાદ કર! હે પર્વતો, જયજયકાર કરો! કારણ, પ્રભુએ પોતાના લોકને દિલાસો આપ્યો છે. તેમણે પોતાના દુ:ખી લોક પર દયા દાખવી છે.

14 પણ સિયોનનગરી તો કહે છે, “પ્રભુએ મને તજી દીધી છે, અમારા માલિક અમને વીસરી ગયા છે.”

15 તેથી પ્રભુ કહે છે, “શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? શું તે પોતાના પેટના સંતાનને વહાલ ન કરે? કદાચ, માતા પોતાના બાળકને વીસરી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહિ.

16 જો, મેં તો તને મારી હથેલીમાં કોતરેલી છે! તારા કોટ પર મારી સતત ચાંપતી નજર છે.

17 તને ફરીથી બાંધનારા ઉતાવળે આવી રહ્યા છે. તને ખેદાનમેદાન કરી નાખનારા નાસી જવા મંડયા છે.

18 તારી આંખો ઉઠાવીને ચારે બાજુ નજર ફેરવ. તારા સર્વ લોક એકઠા થઈ રહ્યા છે, તેઓ તારી પાસે આવી રહ્યા છે. હું પ્રભુ, મારા જીવના સમ ખાઈને કહું છું કે તું તેમને સૌને આભૂષણોની જેમ ધારણ કરીશ અને જેમ કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તું તેમને અપનાવી લઈશ.

19 તને તો ખંડિયેર અને ઉજ્જડ બનાવી દેવામાં આવી હતી અને તારી ભૂમિ વેરાન બની ગઈ હતી. પણ હવે તેમાં વસવા આવનાર તારા લોક માટે તારો વિસ્તાર સાંકડો પડશે. તને પાયમાલ કરનારાઓને તો તારી મધ્યેથી દૂર કરી દેવામાં આવશે.

20 દેશનિકાલ દરમ્યાન જન્મેલાં તારાં બાળકો તને કહેશે, ‘આ તો બહુ સાંકડી જગ્યા છે, અમને વસવાને વિશાળ જગ્યા કરી આપ.’

21 ત્યારે તું તારા મનમાં કહીશ, “આ બધાં બાળકોને કોણે જન્મ આપ્યો? મને તો સંતાનવિયોગ થયેલો અને બીજાં સંતાનની તો આશા નહોતી! મને તો દેશનિકાલમાં ઘસડી જવામાં આવી હતી અને તજી દેવામાં આવી હતી. તો એમને કોણે ઉછેર્યાં? હું તો એકલીઅટૂલી હતી, તો પછી આ બધાં આવ્યાં ક્યાંથી?”

22 પ્રભુ પરમેશ્વર પોતાના લોકને કહે છે, “હું હાથનો ઈશારો કરી બિનયહૂદી પ્રજાઓને અને વજાના સંકેતથી લોકોને બોલાવીશ. તેઓ પોતાની કેડમાં તારા પુત્રોને અને પોતાના ખભા પર તારી પુત્રીઓને ઊંચકીને લઈ આવશે.

23 રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”

24 શું કોઈ યોદ્ધા પાસેથી લૂંટ ખૂંચવી શકે? શું તું જુલમી માલિક પાસેથી બંદીવાનને છોડાવી શકે?

25 તો પ્રભુ જવાબ આપે છે, “હા, તે જ પ્રમાણે બનવાનું છે. યોદ્ધાઓ પાસેથી બંદીવાનો છોડાવી લેવાશે અને જુલમગાર પાસેથી લૂંટ પચાવી પડાશે. તારી વિરુદ્ધ લડનારા સામે હું લડીશ અને તારાં બાળકોને બચાવીશ.

26 હું તારા જુલમગારોને તેમનું પોતાનું જ માંસ ફાડી ખાતા કરી દઈશ. તેઓ દારૂની જેમ પોતાના જ રક્તપાતથી છાકટા બનશે. તે વખતે સમગ્ર માનવજાત જાણશે કે હું પ્રભુ, તારો ઉદ્ધારક અને તારો મુક્તિદાતા તથા યાકોબનો સમર્થ ઈશ્વર છું.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan