યશાયા 48 - પવિત્ર બાઇબલ C.L.ભાવિ પ્રભુના હાથમાં 1 હે ઇઝરાયલને નામે ઓળખાતા યાકોબના વંશજો, યહૂદાના વંશમાં ઊતરી આવેલા લોક, તમે આ સાંભળો: તમે યાહવેને નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરની આરાધના તો કરો છો, પણ સચ્ચાઈથી કે નિખાલસપણે નહિ. 2 તમે તો પવિત્ર શહેરના નાગરિક છો અને જેમનું નામ સર્વસમર્થ યાહવે છે તે ઇઝરાયલના ઈશ્વર પર આધાર રાખો છો. 3 પ્રભુ ઇઝરાયલને કહે છે, “જે ઘટનાઓ બની ચૂકી છે તેને વિષે તો મેં અગાઉથી ભવિષ્ય ભાખ્યું હતું; મેં મારે મુખે તેમની જાહેરાત કરી તેમને જણાવી હતી. પછી મેં એ ઘટનાઓ અચાનક બનવા પણ દીધી. 4 હું જાણું છું કે તું તો તદ્દન હઠીલો છે. તારી ગરદન લોખંડ જેવી કઠણ અને તારું કપાળ તાંબા જેવું સખત છે. 5 તેથી તો મેં વર્ષો પહેલાં ભાવિની જાહેરાત કરી અને બનાવો બને તે પહેલાં તને જણાવ્યા, જેથી તું બડાઈ ન મારે કે એ તો તારી લાકડાની કોરેલી કે ધાતુમાંથી ઢાળેલી મૂર્તિઓએ નિર્માણ કર્યા પ્રમાણે બન્યું છે. 6 મેં તને અગાઉ જે જણાવેલું તે તેં સાંભળ્યું હતું અને હવે એ બધું બન્યું છે તે તું જોઈ શકે છે. પણ હવે હું અગાઉ જાહેર નહિ કરેલા ભાવિના નવા બનાવો વિષે કહીશ: જેના વિષે તું જાણતો નથી એવા છૂપા બનાવો અંગે કહીશ. 7 એ બનાવો ભૂતકાળના નથી, પણ તાજેતરમાં થનાર છે. આજદિન સુધી તેં એ વિષે ક્યારેય સાંભળ્યું નથી. તેથી તું એ જાણે છે એવો દાવો તું કરી શકે તેમ નથી. 8 બલ્કે તે સંબંધી તેં સાંભળ્યું નથી કે તું જાણતો પણ નથી. ભૂતકાળમાં ક્યારેય એની વાત તારે કાને પડી નથી. મને ખબર છે કે તું તો કપટી અને જન્મથી બંડખોર છે. 9 મારા નામને ખાતર મેં કોપ કરવામાં વિલંબ કર્યો છે અને મારી પ્રતિષ્ઠાને અર્થે મેં તેને રોકી રાખ્યો છે, જેથી તારો નાશ ન થઈ જાય. 10 મેં વિપત્તિરૂપી ભઠ્ઠીમાં તારી ચાંદીની જેમ ક્સોટી કરી છે, પણ તું શુદ્ધ થયો નથી. 11 હું આ બધું મારે પોતાને ખાતર કરું છું. હું મારા નામને કલંક લાગવા દઈશ નહિ અને મારા મહિમામાં બીજા કોઈને ભાગીદાર થવા દઈશ નહિ.” પ્રભુનો પસંદિત કોરેશ 12 પ્રભુ કહે છે, “હે યાકોબ, હે ઇઝરાયલ, મારા પસંદ કરેલા લોક, મારું સાંભળો! હું જ ઈશ્વર છું. હું આદિ છું અને હું જ અંત છું. 13 મેં મારે હાથે પૃથ્વીના પાયા નાખ્યા હતા અને મારા જમણા હાથથી આકાશોને પ્રસાર્યાં હતાં. હું આકાશ અને પૃથ્વીને હાકલ કરું એટલે તેઓ તરત મારી સમક્ષ હાજર થઈ જાય છે. 14 “તમે સૌ એકત્ર થાઓ અને સાંભળો! મારો પ્રિય માણસ બેબિલોન પર આક્રમણ કરી મારો હેતુ સિદ્ધ કરશે અને તેને હાથે ખાલદીઓ ખુવાર થઈ જશે તે વિષે કોઈ દેવે અગાઉથી જણાવ્યું નથી. 15 હું જ એ બોલ્યો છું; હા, મેં તેને બોલાવ્યો છે. હું તેને લઈ આવીશ અને તે તેનું કાર્ય સિદ્ધ કરશે. 16 મારી પાસે આવીને મારું સાંભળો: હું તો શરૂઆતથી જ કંઈ ગુપ્તમાં બોલ્યો નથી અને એ પ્રમાણે બને ત્યારે ય ત્યાં મારી હાજરી હોય છે.” હવે પ્રભુ પરમેશ્વરે મને તેમના આત્માનો સાથ આપી મોકલ્યો છે. પોતાના લોક માટે પ્રભુની યોજના 17 ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે, “હું પ્રભુ તારો ઈશ્વર છું. હું તમને હિતકારક શિક્ષણ આપું છું અને તારે જે માર્ગે જવું જોઈએ તેમાં ચાલવાની દોરવણી આપું છું. 18 જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! તો તો સતત વહેતી સરિતા સમી સમૃદ્ધિ સાંપડી હોત અને સાગરના ઉછળતાં મોજાં સમો વિજય હાંસલ થયો હોત. 19 વળી, તારા વંશજો રેતીના રજકણો જેટલા થાત અને મારી આગળથી તેમનું નામ નાબૂદ થઈ જાત નહિ કે લોપ થઈ જાત નહિ.” 20 બેબિલોનમાંથી નીકળી જાઓ, ખાલદીઓથી નાસી છૂટો. હર્ષનાદ સહિત જાહેર કરો અને પૃથ્વીના છેડે છેડે આ સંદેશો પહોંચાડો કે, “પ્રભુએ પોતાના સેવક યાકોબનો ઉદ્ધાર કર્યો છે.” 21 પ્રભુએ પોતાના લોકને સૂકા રણપ્રદેશમાં થઈને દોર્યા ત્યારે પણ તેઓ તરસ્યા રહ્યા નહિ. કારણ, તેમણે તેમને માટે ખડકમાંથી પાણી કાઢયું, એટલે ખડકમાંથી પાણી ખળખળ વહી નીકળ્યું. 22 પ્રભુ કહે છે, “દુષ્ટોને શાંતિ નથી.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide