યશાયા 47 - પવિત્ર બાઇબલ C.L.બેબિલોન પર ન્યાયશાસન 1 પ્રભુ કહે છે, “ઓ બેબિલોન નગરી, નીચે ઊતરીને ધૂળમાં બેસ; રાજ્યાસન પરથી ઊતરી પડીને જમીન પર બેસ. તું તો અજેય નગરી, કુંવારી કન્યાસમી હતી. પણ હવે તો નાજુકનમણી રહી નથી, તું તો ગુલામડી બની છે. 2 ઘંટીએ બેસીને દળવા માંડ; તારો ધુંઘટ ઉઠાવી લે. તારો ચણિયો ઊંચો પકડ અને ખુલ્લા પગે ઝરણાં પાર કરીને જા. 3 તારી નગ્નતા ઉઘાડી પડશે અને સૌ કોઈ તારી લાજ જોશે. હું બદલો લેવાનો છું અને કોઈ મને રોકી શકશે નહિ.” 4 ઇઝરાયલના પવિત્ર ઈશ્વર આપણા મુક્તિદાતા છે. તેમનું નામ સર્વસમર્થ યાહવે છે. 5 પ્રભુ બેબિલોનને કહે છે, “છાનીમાની અંધારામાં બેસી રહે; કોઈ તને હવે રાજ્યોની રાણી કહેશે નહિ. 6 હું મારા લોક પર રોષે ભરાયો હતો અને મેં મારી એ સંપત્તિરૂપ પ્રજાને અપમાનિત કરી હતી. મેં તેમને તમારા હાથમાં સોંપ્યા હતા અને તમે તેમના પર લગારે ય દયા દાખવી નહિ. વયોવૃદ્ધ માણસો પર પણ તમે ભારે ઝૂંસરી લાદી. 7 તેં કહ્યું, ‘હું તો સદાસર્વદા રાણી તરીકે રહીશ.’ પણ તેં આ બધી વાતો ધ્યાનમાં લીધી નહિ અને એનો આખરી અંજામ શો આવશે તેનો વિચાર કર્યો નહિ. 8 તો હે મોજીલી, પોતાને સહીસલામત સમજનારી,તું તો મનમાં કહે છે કે, ‘હું જ છું અને મારા જેવું બીજું કોઈ છે જ નહિ. હું કંઈ વિધવા થવાની નથી કે મારે સંતાનનો વિયોગ સહન કરવાનો નથી.’ 9 પણ એક જ દિવસે એક ક્ષણમાં એ બન્ને આફતો તારે શિર આવી પડશે. તારાં ધંતરમંતર અને જાદુક્રિયાઓ અજમાવ્યા છતાં તેઓ તારા પર સંપૂર્ણપણે આવી પડશે. 10 તેં તારી દુષ્ટતા પર આધાર રાખ્યો છે. તેં એમ માની લીધું કે મને કોઈ જોતું નથી. તારા જ્ઞાને તથા તારી વિદ્યાએ તને ભમાવી દીધી છે અને તેં તારા મનમાં માન્યું છે કે હું જ છું અને મારા જેવું બીજું કોઈ નથી. 11 તેથી તારા પર એવી આફત આવી પડશે કે જેને તું નિવારી શકીશ નહિ; એવી વિપત્તિ આવી પડશે કે જેને તારો કોઈ જાદુમંત્ર રોકી શકશે નહિ. તેં ધાર્યું ન હોય એવી રીતે વિનાશ તારા પર અચાનક આવી પડશે. 12 તું છેક તારી બાલ્યાવસ્થાથી ધંતરમંતર અને જાદુક્રિયામાં મંડી રહી છે. તેના પર આધાર રાખ; કદાચ, તું તેનાથી સફળ થાય અને તારા દુશ્મનો પર ધાક પણ બેસાડે! 13 તને ઘણીબધી સલાહ મળવા છતાં તું લાચાર છે. તો હવે તારાઓના અભ્યાસીઓ, આકાશોનું વિશ્લેષણ કરનારા અને પ્રતિમાસની આગાહીઓ કરનારા તારા એ જ્યોતિષીને બોલાવ કે તારા પર ઝળુંબી રહેલી આફતમાંથી તને ઉગારે. 14 અરે, તેઓ તો તણખલા જેવા છે અને આગમાં બળીને ખાક થઈ જશે. તેઓ એ આગની જ્વાળાઓમાંથી પોતાને બચાવી શકશે નહિ; કારણ, એ કંઈ પાસે બેસીને તાપવાનું તાપણું કે સગડી નથી. 15 તારી બાલ્યાવસ્થાથી જેમની સાથે તું વ્યવહાર રાખતી આવી છે તે સલાહકારો તો એવા છે. તેઓ તારું કંઈ હિત કરી શકે તેમ નથી. તેઓ તને તજીને પોતપોતાને રસ્તે ચાલ્યા જશે અને તેમાંનો કોઈ તને બચાવી શકશે નહિ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide