યશાયા 46 - પવિત્ર બાઇબલ C.L.બેબિલોનના દેવોની દુર્દશા 1 બેલદેવ નમી પડયો છે, નબોદેવ ઝૂકી પડયો છે. તેમની મૂર્તિઓ ભારવાહક ગધેડાં પર લાદવામાં આવી છે. એકવાર બેબિલોનીઓ તેમને સરઘસમાં ઊંચકીને ફેરવતા હતા, પણ અત્યારે તો તેઓ થાકેલાં પ્રાણીઓને ભારરૂપ થઈ પડી છે. 2 તેઓ એક સાથે નમી જાય છે અને ઝૂકી પડે છે. એ ભારરૂપ મૂર્તિઓ પોતાને બચાવી શકી નથી. હવે તેને બંદીવાન તરીકે ઉપાડી જવામાં આવે છે. 3 પ્રભુ કહે છે, “હે યાકોબનાં સંતાનો, ઇઝરાયલના બચવા પામેલા લોકો, મારું સાંભળો. તમારા ગર્ભધારણના સમયથી મેં તમને ધરી રાખ્યા છે અને તમારો જન્મ થતાં જ તમને ઊંચકી લીધા છે. 4 તમારી વૃદ્ધાવસ્થા સુધી હું તમારા પ્રત્યે એવો જ ઈશ્વર રહીશ, તમને પળિયાં આવે ત્યારે ય હું તમને ધરી રાખીશ. હું જ તમારો ઉત્પન્નર્ક્તા છું. હું જ તમને ધરી રાખું છું; હું જ તમને ઊંચકી લઉં છું અને હું જ છોડાવું છું.” 5 વળી, પ્રભુ કહે છે, “તમે કોની સાથે મારી સરખામણી કરશો? શું મારા જેવો બીજો કોઈ છે? કોની સાથે મારી તુલના કરીને મને સરખાવશો? 6 લોકો થેલીઓમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખી આપે છે. તેમાંથી દેવની મૂર્તિ બનાવવા તેઓ સોનીને રાખે છે. પછી નમન કરીને તેની પૂજા કરે છે! 7 તેઓ તેને ખભે ઊંચકીને લઈ જાય છે અને તેને સ્થાને તેનું સ્થાપન કરે છે. પછી એ દેવ ત્યાં ઊભો રહે છે અને ત્યાંથી ખસતો નથી. જો કોઈ તેને પ્રાર્થના કરે તો તે તેને જવાબ આપતો નથી કે તેમને આફતમાંથી ઉગારતો નથી. 8 હે બંડખોરો, આટલું યાદ રાખો, તેને મનમાં ઠસાવો અને તે પર તમારું ચિત્ત પરોવો. 9 ઘણા વર્ષો પહેલાં જે બન્યું તે યાદ કરો. માત્ર હું જ ઈશ્વર છું; બીજો કોઈ નથી. હું જ ઈશ્વર છું; મારા જેવો બીજો કોઈ નથી. 10 મેં પરિણામ કેવું આવશે તેની આરંભથી જાહેરાત કરી છે. જે બનવાનું હતું તે મેં પ્રાચીનકાળથી પ્રગટ કર્યું છે. મારો સંકલ્પ અફર છે અને મારા મનની ઇચ્છા પ્રમાણે જ થશે. 11 હું પૂર્વમાંથી તરાપ મારતા શિકારી બાજને એટલે, દૂર દેશથી મારા સંકલ્પને સિદ્ધ કરનાર માણસને બોલાવું છું. હું તે બોલ્યો છું, અને તે જ હું પાર પાડીશ.” 12 “હે હઠાગ્રહી લોકો, વિજય તો વેગળો છે એવું માનનારા, તમે મારું સાંભળો. 13 હું વિજયનો દિવસ પાસે લાવું છું; તે હવે બહુ દૂર નથી. મારા ઉદ્ધારદાયક વિજયને હવે વાર લાગવાની નથી. હું સિયોનને વિજય પમાડીશ અને ઇઝરાયલને મારું ગૌરવ આપીશ.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide