યશાયા 45 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુ દ્વારા કોરેશની નિમણૂક 1 પ્રભુ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે. પ્રજાઓ તેને તાબે કરવા અને રાજાઓની સત્તા આંતરી લેવા મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે.તેની આગળ હું બધાં નગરોના દરવાજા ખોલી દઈશ; એક પણ બંધ નહિ રહે.” 2 પ્રભુ કોરેશને કહે છે, “હું જાતે તારો માર્ગ તૈયાર કરીશ. પર્વતો અને ડુંગરોને હું સપાટ કરી દઈશ. હું તાંબાના દરવાજાઓને તોડી નાખીશ અને તે પરના લોખંડના પટ્ટા કાપી નાખીશ. 3 હું તને અંધારી ગુપ્ત જગ્યાઓમાં છુપાયેલા ખજાના આપીશ, જેથી તું જાણે કે હું પ્રભુ છું, અને તને નામ દઈને બોલાવનાર તો હું, ઇઝરાયલનો ઈશ્વર છું. 4 મારા સેવક યાકોબને ખાતર તથા મારા ઇઝરાયલ લોકને મદદ કરવા મેં તને નામ દઈને બોલાવ્યો છે. જો કે તું મને ઓળખતો નથી છતાં મેં તને ઈલ્કાબ એનાયત કરી તારું બહુમાન કર્યું છે. 5 હું પ્રભુ છું. મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જો કે તું મને ઓળખતો નથી છતાં હું તને બળવાન કરીશ, 6 જેથી ઉદયાચળથી અસ્તાચળ સુધી સૌ કોઈ જાણે કે બીજો કોઈ નહિ, પણ હું પ્રભુ જ ઈશ્વર છું, અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. 7 હું પ્રકાશનો ર્ક્તા છું અને અંધકારનો સર્જક છું. આશિષ અને આફત એ બન્ને ઉતારનાર હું જ છું. હું પ્રભુ એ બધું કરું છું. 8 “ઓ આકાશો, વરસાવો! ઓ વાદળો, વરસી પડો! તમે મુક્તિદાયક વિજય વરસાવો. હે પૃથ્વી, તું એનાં જળ ઝીલી લે. એમાંથી મુક્તિના ફણગા ફૂટી નીકળો અને તેની સાથે વિજય વૃદ્ધિ પામો. અલબત્ત, એ ઉગાડનાર હું પ્રભુ છું.” સૃષ્ટિ અને સમયના પ્રભુ 9 પોતાના બનાવનારની સાથે વાદવિવાદ કરનારની કેવી દુર્દશા થશે! તે તો માટીનાં પાત્રોમાંનું એક પાત્ર જ છે. શું માટી કુંભારને પૂછી શકે કે, “તું શું બનાવે છે?” અથવા શું તારી કૃતિ તને કહી શકે કે, “તારામાં આવડત નથી?” 10 શું કોઈ પોતાના પિતાને એમ કહેશે કે, “તેં મને આવો કેમ જનમાવ્યો?” શું કોઈ પોતાની માતાને એમ કહેશે કે, “તું કોને જન્મ આપવા કષ્ટાય છે?” 11 તેથી ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, એને ઘડનાર પ્રભુ કહે છે, “શું તમે મને મારાં બાળકોના ભાવિ વિષે પ્રશ્ર્ન પૂછશો? શું તમે મને મારા હાથનાં કામ વિષે સૂચના આપશો? 12 પૃથ્વીનું સર્જન કરનાર અને માનવજાતને ઉત્પન્ન કરીને તેમાં વસાવનાર તો હું છું. મેં મારે હાથે આ આકાશોને પ્રસાર્યાં છે. હું તેનાં નક્ષત્રમંડળોને નિયંત્રિત કરું છું. 13 કોરેશને વિજયપ્રાપ્તિને અર્થે ઊભો કરનાર અને તેની આગળ તેના બધા માર્ગો સીધા સરળ કરી દેનાર હું છું. તે મારા શહેર યરુશાલેમને બાંધશે અને કોઈપણ જાતના મૂલ્ય કે બદલા વિના તે મારા બંદીવાન લોકને સ્વતંત્ર કરશે.” આ તો સર્વસમર્થ પ્રભુનાં ઉચ્ચારેલાં વચનો છે. 14-15 પ્રભુ ઇઝરાયલને આ પ્રમાણે કહે છે, “ઇજિપ્તની પેદાશ અને કુશનો વ્યાપારી માલ તારાં થશે; સબાઇમના કદાવર લોકો તારા ગુલામ બનશે. તેઓ બેડીએ જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પગે પડીને કબૂલ કરશે, ‘ઈશ્વર તારી સાથે છે. માત્ર એ જ ઈશ્વર છે; બીજો કોઈ નથી.’ ” હે ઈશ્વર, ઇઝરાયલના મુક્તિદાતા, તમે સાચે જ ગૂઢ છો. 16 મૂર્તિઓના ઘડનારા લજ્જિત તથા ફજેત થશે. તેઓ સૌ શરમાઈ જશે. 17 પણ પ્રભુ સાર્વકાલિક ઉદ્ધારથી ઇઝરાયલનો બચાવ કરશે; સદાસર્વદા તેઓ ક્યારેય લજવાશે કે શરમાશે નહિ. 18 આકાશોને ઉત્પન્ન કરનાર એ જ એક માત્ર ઈશ્વર છે. પૃથ્વીને ઘડનાર અને બનાવનાર પણ તે જ છે; તેમણે જ એને સ્થાપન કરી છે. તેમણે એને નિર્જન રહેવા દેવા નહિ, પણ માણસોને વસવા માટે બનાવી છે. એવા પ્રભુ કહે છે, “હું પ્રભુ છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. 19 હું ગુપ્તમાં કે કોઈ અંધારા ખૂણામાં છાનોછપનો બોલ્યો નથી. મેં ઇઝરાયલ લોકને મારી શોધ કરવા કારણ વિના કહ્યું નથી. હું પ્રભુ છું અને હું સત્ય બોલું છું; જે સાચું છે તે હું જણાવું છું.” સૃષ્ટિનિયંતા પ્રભુ અને બેબિલોનની મૂર્તિઓ 20 પ્રભુ કહે છે, “હે અન્ય દેશોમાંથી બચી જવા પામેલા લોકો, તમે સૌ સાથે મળીને મારી પાસે એકત્ર થાઓ.ચુકાદા માટે તૈયાર થાઓ. પોતાની લાકડાની મૂર્તિઓને ઊંચકીને ફરનારા અને બચાવી ન શકે એવા દેવોને પ્રાર્થના કરનારા લોકોમાં કંઈ સમજ નથી. 21 આવો, તમારો દાવો રજૂ કરો, ભેગા મળીને મસલત કરો અને જણાવો કે પ્રાચીન સમયથી કોણે એના વિષે ભવિષ્ય ભાખ્યું હતું? કોણે એની અગાઉથી જાહેરાત કરી હતી? શું મેં પ્રભુએ એમ કર્યું નથી? અલબત્ત, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું ન્યાયી ઈશ્વર છું; હું જ ત્રાતા છું. બીજો કોઈ નથી. 22 હે દુનિયાના છેડા સુધીના સૌ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો. કારણ, હું જ ઈશ્વર છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. 23 મેં મારી જાતના સોગંદ ખાધા છે, અને પૂરી પ્રામાણિક્તાથી હું પોતે બોલ્યો છું. એ મારું અફર વચન આવું છે: સૌ મારી આગળ આવીને મને ધૂંટણે નમશે અને મારા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેશે. 24 તેઓ કહેશે, ‘પ્રભુ તરફથી વિજય અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે, પણ જે કોઈ તેમની વિરુદ્ધ પડયા છે તેમણે તેમની સમક્ષ શરમાવું પડશે. 25 પણ ઇઝરાયલનાં સર્વ સંતાનો તો પ્રભુમાં વિજયી બનશે અને તેઓ સૌ તેમનો જયજયકાર કરશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide