યશાયા 44 - પવિત્ર બાઇબલ C.L.યાહવે એકમાત્ર ઈશ્વર 1 પ્રભુ કહે છે, હે ઇઝરાયલ, મારી પ્રજા, હે યાકોબ, મારા સેવક, તું સાંભળ. 2 હું પ્રભુ તારો સર્જનહાર છું, ગર્ભસ્થાનમાં તને ઘડનાર હું જ તારો મદદગાર છું. હે યાકોબ, મારા સેવક, મારી પસંદ કરેલી પ્રજા યશુરૂન, તું ડરીશ નહિ. 3 કારણ, હું તરસી ભૂમિ પર પાણી રેડીશ અને સૂકી ભૂમિ પર વરસાદ વરસાવીશ. હું તારાં સંતાન પર મારો આત્મા રેડીશ અને તારા વંશજો પર આશિષની વૃષ્ટિ કરીશ. 4 તેઓ સારી પેઠે પાણી પાયેલા ઘાસની જેમ અને ઝરણાંની પાસે ઊગી નીકળતા વેલાની જેમ વૃદ્ધિ પામશે. 5 ત્યારે લોકોમાંથી એક જણ કહેશે, ‘હું પ્રભુનો છું;’ બીજો યાકોબનું નામ ધારણ કરશે; અને ત્રીજો પોતાના હાથ પર ‘પ્રભુને સમર્પિત’ એવી છાપ મરાવશે, અને ‘ઇઝરાયલ’ એવી અટક રાખશે.” 6 ઇઝરાયલનો રાજા અને ઉદ્ધારક સર્વસમર્થ પ્રભુ આ પ્રમાણે કહે છે, “હું આદિ છું; હું જ અંત છું. મારા સિવાય બીજો કોઈ દેવ નથી. 7 મારા જેવો કોણ છે? જો હોય તો તેની જાહેરાત કરે. તે પોતાને પ્રગટ કરે અને મારી સમક્ષ ખડો થાય. મેં મારા પ્રાચીન લોકને સંસ્થાપિત કર્યા ત્યારથી માંડીને શું શું બન્યું છે તે તે કહી સંભળાવે. વળી, હવે પછી શું બનવાનું છે તે પણ કહે. 8 હે મારા લોક, ભયભીત થશો નહિ કે બીશો નહિ. શું મેં એ બધું પ્રાચીન સમયથી જાહેર કરેલું નથી? તમે પોતે મારા સાક્ષીઓ છો. શું બીજો કોઈ દેવ છે? ના, બીજો કોઈ એવો આશ્રયનો ખડક નથી. હું તો એવા બીજા કોઈને જાણતો નથી.” મૂર્તિપૂજાનો વિરોધ 9 મૂર્તિઓ ઘડનારા નહિવત્ છે. તેમના કિંમતી દેવો કશા કામના નથી. તેમના એ સાક્ષીઓ જોતા નથી કે જાણતા નથી, તેથી તેમણે લજવાવું પડશે. 10 જેનાથી કંઈ હિત થતું નથી એવો દેવ કોણ બનાવે? કોણ મૂર્તિને ઢાળે? 11 સર્વ મૂર્તિપૂજકો લજ્જિત થશે. મૂર્તિના કારીગરો માણસમાત્ર છે. તેઓ સૌ આવીને રજૂ થાય. તેઓ સૌ થથરી જશે અને લજ્જિત થશે. 12 ધાતુના ટુકડાને ઘડવા માટે લુહાર તેને અગ્નિમાં તપાવે છે. તે હથોડાથી ટીપીટીપીને મૂર્તિને ઘડે છે. તે પોતાના બાહુબળથી તેને ઘાટ આપે છે. દરમ્યાનમાં, જો તે ભૂખ્યો થાય તો તે થાકી જાય છે અને તેને તરસ લાગે તો તે નિર્ગત થાય છે. 13 સુથાર લાકડાનું ગરુના રંગથી માપ લે છે. તે દોરીથી મૂર્તિની રૂપરેખા દોરે છે. પછી ફરસીથી તેને કોતરી કાઢે છે. એ પછી પોતાના ઓજારની મદદથી તેને માણસનો આકાર આપે છે. એટલે દેવાલયમાં મૂકવા માટે માણસના રૂપમાં મૂર્તિ તૈયાર થાય છે. 14 તેને માટે તે ગંધતરુનું લાકડું કાપે છે અથવા વનનાં વૃક્ષોમાંથી રાયણ કે ઓકવૃક્ષનું લાકડું પસંદ કરી લઈ આવે છે. તે ગંધતરુનું વૃક્ષ રોપે છે અને વરસાદથી તે મોટું થાય છે. 15 એ વૃક્ષનાં લાકડાં માણસો માટે બળતણના કામમાં આવે છે. માણસ થોડાં લાકડાં સળગાવી તાપે છે. વળી, તેનાથી અગ્નિ પેટાવી તે પર રોટલી શેકે છે. એ જ લાકડામાંથી તે દેવ ઘડીને તેની પૂજા કરે છે; તે મૂર્તિ બનાવી તેની આગળ નમે છે. 16 આમ, તે કેટલાક લાકડાંનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. તેનાથી તે પોતાનો ખોરાક રાંધે છે અને માંસ શેકે છે અને ખાઈને તૃપ્ત થાય છે. તે તાપણું કરી તાપે છે અને કહે છે, “કેવી સરસ ગરમી લાગે છે! હવે મને હૂંફ મળી!” 17 બાકીના લાકડામાંથી તે કોઈ દેવની કોરેલી મૂર્તિ બનાવે છે, તેને પગે લાગીને તેની પૂજા કરે છે. તે તેની પ્રાર્થના કરે છે અને કહે છે, “મને બચાવ; કારણ, તું મારો દેવ છે!” 18 આવા લોકો કંઈ જાણતા કે સમજતા નથી. તેમની આંખો પર લેપ લગાવ્યો હોઈ તેઓ જોઈ શક્તા નથી. તેમનાં મન એવાં જડ થઈ ગયાં છે કે તેઓ સમજતા નથી. 19 એ લોકોમાંથી કોઈ વિચારતું નથી અથવા કોઈનામાં એવું કહેવાને જ્ઞાન કે સમજણ નથી કે, “મેં લાકડાના કેટલાક ભાગનો બળતણ તરીકે ઉપયોગ કર્યો; તેના અંગારા પર મેં રોટલી શેકીને તથા માંસ પકાવીને ખાધું, તો હવે હું બાકીના લાકડામાંથી તિરસ્કારપાત્ર મૂર્તિ બનાવું? એમ કરીને શું હું લાકડાના ટુકડાને પગે પડું?” 20 એ તો રાખ ખાવા જેવું છે. તેના મૂઢ મને તેને ભમાવ્યો છે, તેને માટે બચવાનો આરો નથી. કારણ, “તમારા જમણા હાથમાંની મૂર્તિ તો જૂઠી વસ્તુ છે,” એવું તે સ્વીકારી શક્તો નથી. પ્રભુ સર્જનહાર અને ઉદ્ધારક 21 પ્રભુ કહે છે, “હે યાકોબ, હે ઇઝરાયલ, આટલું યાદ રાખ કે મેં તને મારો સેવક બનાવ્યો છે. હે ઇઝરાયલ, તું મારો સેવક છે, તેથી હું તને કદી વીસરી જઈશ નહિ. 22 મેં વાદળની જેમ તારાં પાપ અને સવારના ધૂમ્મસની જેમ તારા અપરાધ ભૂંસી નાખ્યાં છે. મારી તરફ પાછો ફર; કારણ મેં તારો ઉદ્ધાર કર્યો છે.” 23 હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો અને વન તથા તેમાંનાં બધાં વૃક્ષો, તમે આનંદનાં ગીત ગાવા માંડો! કારણ, પ્રભુએ યાકોબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે. 24 તને ગર્ભસ્થાનમાં ઘડનાર, તારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે: હું પ્રભુ છું. હું સકળ સૃષ્ટિનો સર્જનહાર છું. મેં એકલાએ આકાશોને પ્રસાર્યાં છે. મેં જાતે જ પૃથ્વીને વિસ્તારી છે. 25 હું જૂઠા ભવિષ્યવેત્તાઓએ આપેલા સંકેતો ખોટા ઠરાવું છું અને જોશ જોનારાઓને બેવકૂફ બનાવું છું. હું જ્ઞાનીઓનાં જ્ઞાનને ઊંધા વાળું છું અને તેમની વિદ્યાને મૂર્ખાઈ ઠરાવું છું. 26 પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’ 27 હું સમુદ્રને કહું છું, ‘તું સુકાઈ જા, હું તારામાં વહેતી નદીઓને ય સૂકવી નાખીશ.’ 28 હું કોરેશને કહું છું, ‘તું મારા લોકનો ઘેટાંપાળક છે. તું મારા મનની બધી ઇચ્છાઓ પૂરી કરશે. તું આજ્ઞા આપીશ કે યરુશાલેમ ફરીથી બંધાય અને મંદિરનો પાયો ફરીથી નંખાય.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide