યશાયા 43 - પવિત્ર બાઇબલ C.L.પોતાના લોકને બચાવવા ઈશ્વરનું અભયવચનન 1 પણ હવે હે યાકોબ, ઓ ઇઝરાયલ, તારા સર્જનહાર તથા તને ઘડનાર પ્રભુ આમ કહે છે; “તું બીશ નહિ; કારણ, મેં તારો ઉદ્ધાર કર્યો છે. મેં તને તારું નામ દઈને બોલાવ્યો છે; તું મારો છે. 2 તું ઊંડા પાણીમાં થઈને પસાર થઈશ ત્યારે હું તારી સાથે રહીશ; તું નદીઓમાં થઈને ચાલીશ ત્યારે તેનાં પાણી તારા પર ફરી વળશે નહિ, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને ઊની આંચ લાગશે નહિ અને જ્વાળાઓ તને સળગાવી શકશે નહિ. 3 કારણ, હું પ્રભુ તારો ઈશ્વર છું. હું ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર, તારો ઉદ્ધારક છું. તારા મુક્તિમૂલ્ય તરીકે મેં ઇજિપ્ત આપ્યું છે અને તારે બદલે મેં કૂશ તથા સબા આપ્યાં છે. 4 તું મારે મન બહુ મૂલ્યવાન અને સન્માનપાત્ર છે અને મને તારા પર પ્રેમ છે. તેથી તો હું તારે બદલે માણસો અને તારા જીવના બદલામાં પ્રજાઓ આપીશ. 5 “તું બીશ નહિ, હું તારી સાથે છું. હું તારા વંશજોને પૂર્વમાંથી લાવીશ અને તમને પશ્ર્વિમમાંથી લાવીને તમારા વતનમાં એકઠા કરીશ. 6 હું ઉત્તરને કહીશ, ‘તેમને છોડી મૂક’ અને દક્ષિણને કહીશ, ‘તેમને રોકીશ નહિ.’ મારા પુત્રોને દૂર દેશાવરોથી અને મારી પુત્રીઓને પૃથ્વીને છેડેછેડેથી પાછાં લાવો. 7 તેઓ મારે નામે ઓળખાતા મારા લોક છે અને મારા મહિમાર્થે મેં તેમને સર્જ્યા છે, ઘડયા છે અને નિર્માણ કર્યા છે.” ઇઝરાયલ પ્રભુનો સાક્ષી 8 ઈશ્વર કહે છે, “મારા લોકને મારી આગળ રજૂ કરો. તેઓ છતી આંખોએ આંધળા છે અને છતે કાને બહેરા છે. 9 બધી પ્રજાઓ એકઠી થાય અને લોકો ભેગા મળે. તેમના કયા દેવે આ વાત અગાઉથી જાહેર કરી હતી? બની ચૂકેલી ઘટનાઓ વિષે કોણે પહેલેથી કહ્યું હતું? એ વિષે પોતે સાચા છે એવું પુરવાર કરવા માટે તેઓ સાક્ષીઓ રજૂ કરે; જેથી બીજાઓ તેમને સાંભળીને તેમનું કહેવું સાચું છે કે કેમ તેનું સમર્થન આપે.” 10 પ્રભુ કહે છે, “હે ઇઝરાયલી લોકો, મારા સાક્ષીઓ તો તમે છો. મેં તમને મારા સેવક થવા પસંદ કર્યા છે; જેથી તમે મને ઓળખો, મારા પર ભરોસો રાખો અને માત્ર હું જ ઈશ્વર છું એવું સમજો. મારા સિવાય બીજો કોઈ દેવ નથી; કોઈ દેવ થયો નથી અને થવાનો પણ નથી. 11 ફક્ત હું જ પ્રભુ છું; મારા સિવાય કોઈ ઉદ્ધારક નથી. 12 મેં જ અગાઉથી એની આગાહી કરી હતી; અને તમારા કોઈ વિધર્મી દેવે નહિ, પણ મેં જ તમારો ઉદ્ધાર કર્યો છે. તેથી તમે મારા સાક્ષીઓ છો કે 13 હું જ ઈશ્વર છું; હું અનાદિ ઈશ્વર છું. મારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી. મારા કાર્યને કોઈ નિરર્થક કરી શકતું નથી.” બેબિલોનમાંથી છુટકારો 14 ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, તમારા ઉદ્ધારક પ્રભુ આમ કહે છે, “હું તમને બચાવી લેવાને બેબિલોનની સામે સૈન્ય મોકલીશ. હું નગરના દરવાજાઓના કકડેકકડા કરી નાખીશ અને ત્યાંના ખાલદી લોકોનો વિજયનો લલકાર વિલાપમાં ફેરવાઈ જશે. 15 હું પ્રભુ તમારો ઈશ્વર છું; હું ઇઝરાયલનો સર્જનહાર છું.” 16 પ્રભુ કહે છે, “કોણે સમુદ્રમાં થઈને માર્ગ કર્યો અને કોણે જબરાં પાણીમાં થઈને રસ્તો બનાવ્યો? 17 કોણે રથો, ઘોડા અને ચુનંદા સૈનિકો સહિતના સૈન્યનો નાશ કર્યો? ફરી પાછા ઊઠે નહિ એ રીતે તેઓ ઢળી પડયા. તેઓ દીવાની જ્યોતની જેમ બૂઝાઈ ગયા.” 18 પ્રભુ કહે છે, “છતાં ભૂતકાળના બનાવો સંભારશો નહિ અને અગાઉ બની ચૂકેલી ઘટનાઓ લક્ષમાં લેશો નહિ. 19 જુઓ, હું નવું કાર્ય કરું છું. હવે તે પ્રગટ થઈ રહ્યું છે. શું તમે તે જોઈ શક્તા નથી? હું વેરાનપ્રદેશમાં માર્ગ તૈયાર કરું છું અને રણપ્રદેશમાં નદીઓ વહેતી કરું છું. 20 વન્ય પ્રાણીઓ પણ મારું સન્માન કરે છે. શિયાળ અને શાહમૃગ મારી સ્તુતિ કરે છે; કારણ, હું વેરાનપ્રદેશને પાણી પૂરું પાડું છું અને રણપ્રદેશમાં ઝરણાં વહાવું છું. 21 મેં આ લોકને મારે પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.” બેવફા ઇઝરાયલી પ્રજા 22 પ્રભુ કહે છે, “હે યાકોબ, તેં મારી ઉપાસના કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી જાણે ત્રાસી ગયો છે. 23 તું મારી પાસે તારા ઘેટાંનાં દહનબલિ લાવ્યો નથી. તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં પણ ખાદ્યાર્પણ માગીને તારા પર બોજ મૂક્યો નથી, અને ધૂપ માગીને તને પરેશાન કર્યો નથી. 24 તેં પૈસા ખર્ચીને મારે માટે ધૂપ વેચાતું લીધું નથી અને તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી. એને બદલે, તેં તો તારા પાપનો બોજ મારા પર મૂક્યો છે અને તારા અન્યાયોથી મને ત્રાસ પમાડયો છે. 25 છતાં મારી પોતાની ખાતર તમારા અપરાધ ભૂંસી નાખનાર હું જ છું. હું તમારાં પાપ તમારી વિરુદ્ધમાં સંભારીશ નહીં. 26 તો હવે મને મારી વિરુદ્ધના તમારા આક્ષેપોની યાદ તાજી કરાવો કે જેથી આપણે સામસામી દલીલ કરીએ. તમારો દાવો રજૂ કરો અને પોતાને નિર્દોષ પુરવાર કરો. 27 તમારા આદિ પિતાએ પાપ કર્યું છે અને તમારા આગેવાનોએ પણ મારી વિરુદ્ધ પાપ કર્યું છે. 28 તમારા રાજાઓએ મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે, તેથી હું ઇઝરાયલ પર વિનાશ લાવ્યો છું અને મારા પોતાના લોકને મેં નિંદાપાત્ર થવા દીધા છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide