Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 42 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુનો સેવક

1 પ્રભુ કહે છે, “આ મારો સેવક છે; હું તેને ધરી રાખું છું. મેં તેને પસંદ કર્યો છે; હું તેના પર પ્રસન્‍ન છું. મેં તેને મારા આત્માથી ભરપૂર કર્યો છે અને તે બધા દેશોમાં ન્યાય પ્રવર્તે તેવું કરશે.

2 તે પોકાર પાડશે નહિ કે બૂમ પાડશે નહિ અથવા શેરીઓમાં ઊંચે સાદે બોલશે નહિ.

3 તે છૂંદાયેલા બરુને ભાંગી નાખશે નહિ અને હોલવાઈ જવાની તૈયારીમાં હોય તેવી દિવેટને બૂઝાવી દેશે નહિ. તે સૌનો સમાન અને સાચા ધોરણે ન્યાય કરશે.

4 તે નિરાશ કે નિરુત્સાહી થયા વિના પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા કરશે. દૂરના ટાપુઓ તેના શિક્ષણની રાહ જોશે.”

5 ઈશ્વરે આકાશો ઉત્પન્‍ન કરીને તેમને પ્રસાર્યાં છે; તેમણે પૃથ્વીને તેમ જ તેમાં થતી નીપજને વિસ્તાર્યાં છે. તેમણે પૃથ્વીના બધા લોકમાં અને તેની પરના બધા સજીવોમાં પ્રાણ પૂર્યો છે. એ જ ઈશ્વર પ્રભુ પોતાના સેવકને કહે છે:

6 “મેં પ્રભુએ તને પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા અર્થે બોલાવ્યો છે. હું તારો હાથ પકડી રાખીશ અને તને સંભાળીશ. તું બધા લોકોની સાથેના મારા કરારરૂપ બનીશ અને વિદેશીઓમાં તું પ્રકાશરૂપ બની રહીશ.

7 તું અંધજનોની આંખો ઉઘાડશે અને બંદીખાનામાંથી કેદીઓને અને કેદની કોટડીના અંધકારમાં બેઠેલાઓને મુક્ત કરીશ.

8 હું યાહવે છું; એ જ મારું નામ છે. હું મારા મહિમામાં અન્ય દેવોને અને મારી સ્તુતિમાં મૂર્તિઓને ભાગીદાર થવા દઈશ નહિ.

9 જે બાબતો મેં અગાઉ કહી હતી તે હવે સાચી પડી છે. હવે બીજી નવી બાબતો બને તે પહેલાં હું તને તે કહી સંભળાવું છું.”


સ્તુતિનું ગીત

10 પ્રભુના માનમાં નવું ગીત ગાઓ! સમસ્ત પૃથ્વી, સૌ સમુદ્રમાં સફર કરનારા અને સાગરના સઘળા સજીવો, દૂરના ટાપુઓ અને તેમના પરના રહેવાસીઓ, તમે સૌ તેમની સ્તુતિ કરો.

11 વેરાન પ્રદેશ અને તેમાંનાં નગરો, તમે તમારો સાદ ઊંચો કરો. કેદારના લોકના સઘળા વસવાટો, તમે ખુશી મનાઓ. સેલા નગરના લોકો પર્વતના શિખરેથી આનંદના પોકાર કરો.

12 દૂરના ટાપુઓના રહેવાસીઓ, પ્રભુનું સન્માન કરો અને તેમની સ્તુતિ કરો.

13 પ્રભુ શૂરવીર સૈનિકની જેમ લડાઈમાં ઝંપલાવે છે. તેમને યોદ્ધાની જેમ શૂરાતન ચડે છે. તે લલકાર કરે છે અને રણનાદ જગાવે છે. તે પોતાના દુશ્મનોને પોતાની તાક્તનો પરચો કરાવે છે.


સહાય કરવાનું ઈશ્વરનું વચન

14 ઈશ્વર કહે છે, “હું લાંબો સમય શાંત રહ્યો છું, મેં મૌન જાળવ્યું છે અને પોતાને કાબૂમાં રાખ્યો છે; પણ હવે કષ્ટાતી પ્રસૂતાની જેમ ચડી ગયેલે શ્વાસે હાંફતાં હાંફતાં બૂમ પાડીશ.

15 હું પર્વતો અને ડુંગરાઓને ઉજ્જડ બનાવી દઈશ અને તેમની સઘળી લીલોતરીને સૂકવી નાખીશ. હું નદીઓને રણપ્રદેશમાં ફેરવી દઈશ અને સરોવરોને સૂકવી નાખીશ.

16 હું અંધજનોને તેઓ જાણતા નથી તેવે માર્ગે દોરીશ અને તેમને અપરિચિત રસ્તા પર ચલાવીશ. તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં પલટી નાખીશ અને ખાડાટેકરાવાળાં સ્થાનોને સપાટ બનાવી દઈશ. હું એ બધાં કામ કરવાનો છું અને તેમને પડતાં મૂકવાનો નથી.

17 મૂર્તિઓ પર ભરોસો રાખનારાઓ અને તેમને પોતાના દેવો કહેનારાઓ શરમાઈને ભાગી જશે.”


શિક્ષણ ન લેનાર ઇઝરાયલ

18 પ્રભુ કહે છે, “હે બહેરા, સાંભળો! હે આંધળાઓ, નિહાળો!

19 મારા સેવક સિવાય બીજો કોણ આંધળો છે? મારા સંદેશક સિવાય બીજો કોણ બહેરો છે? પ્રભુને સમર્પિત સેવક જેવો બીજો કોણ આંધળો હોય?

20 તેં ઘણી બાબતો જોઈ છે, પણ તે પર લક્ષ આપ્યું નથી. તારા કાન ખુલ્લા છે, પણ તું કંઈ સાંભળતો નથી.”

21 પોતાના લોકને બચાવવાના દઢ ઇરાદાથી પ્રભુએ પોતાના નિયમોને મહત્તા આપી અને તેમના લોક એ નિયમોને માન આપે એમ ઈચ્છયું.

22 પણ તેમના લોક તો ખુવાર થયા છે અને લૂંટાયા છે. તેઓ ખાડામાં ફસાયા છે અને કેદખાનામાં પૂરાયા છે. તેઓ શિકાર થઈ પડયા છે અને તેમની વહારે આવનાર કોઈ નથી. તેઓ લૂંટરૂપ થઈ પડયા છે, અને ‘તેમને છોડી દો’ એવું કહેનાર કોઈ નથી.

23 તમારામાંથી હવે કોણ મારી વાત સાંભળશે? હવેથી કોણ મારા કહેવા પર લક્ષ આપશે?

24 કોણે યાકોબને લૂંટરૂપ કર્યો? કોણે ઇઝરાયલીઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા? એવું કરનાર તો પ્રભુ છે. આપણે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમના માર્ગોમાં ચાલ્યા નથી. આપણે તેમના નિયમોને આધીન થયા નથી.

25 તેથી તેમણે પોતાનો ઉગ્ર ક્રોધ વરસાવ્યો છે અને યુદ્ધની આફત ઉતારી છે. જ્વાળાઓ આપણને વીંટાઈ વળી, પણ આપણે સમજ્યા નહિ. આપણે આગમાં સળગી ગયા, પણ તેમાંથી કંઈ બોધપાઠ લીધો નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan