Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 41 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર પ્રત્યે કોરેશની આધીનતા

1 ઈશ્વર કહે છે, “હે ટાપુઓ, મારી આગળ શાંત થાઓ! પ્રજાઓ પોતાની તાક્ત એકઠી કરે! તેઓ આગળ આવીને પોતાનો દાવો રજૂ કરે. આવો, અદાલતમાં એકત્ર થઈ તેનો નિકાલ લાવીએ.”

2 કોણે પૂર્વના એક રાજાને ઉશ્કેરીને પોતાના ન્યાયીપણાના પ્રતિપાદન અર્થે બોલાવ્યો છે? કોણે પ્રજાઓને તેના હાથમાં સોંપી દીધી છે? કોણે રાજાઓને એને તાબે કરી દીધા છે? તે પોતાની તલવારથી તેમને ધૂળમાં મેળવી દે છે અને પોતાનાં તીરોથી તેમને ઊડી જતા તરણા જેવા કરી નાખે છે.

3 તે તેમનો પીછો કરે છે અને સહીસલામત રીતે આગેકૂચ કરે છે. તેના પગ પણ જમીનને સ્પર્શતા ન હોય તેટલી ઝડપથી તે આગળ વધે છે.

4 આરંભથી જ આવનાર પેઢીઓનું ભાવિ નિર્માણ કરનાર કોણ છે? એ તો હું પ્રભુ છું. હું આદિ છું, અને જે અંતિમ હશે તેની સાથે પણ હું જ હોઈશ.”

5 એ જોઈને ટાપુઓ ગભરાયા અને પૃથ્વીના છેડેછેડા ધ્રૂજી ઊઠયા. ત્યાંના બધા લોક આવીને ભેગા થાય છે.

6 સૌ એકબીજાને મદદ કરે છે અને પ્રત્યેક પોતાના સાથીને પ્રોત્સાહન આપે છે.

7 મૂર્તિને હથોડીથી ટીપી ટીપીને લીસી બનાવનાર એરણ પર ઘણ મારનારને ઉત્તેજન આપતાં કહે છે. “રેણ સારું થયું છે.” આમ, તેમણે મૂર્તિને ગબડી ન પડે એ રીતે ખીલાથી સજ્જડ જડી દીધી.

8 પણ હે મારા સેવક ઇઝરાયલ, હે યાકોબ, મારા મિત્ર અબ્રાહામના સંતાન, મેં તને પસંદ કર્યો છે.

9 હું તને પૃથ્વીના છેડેછેડેથી લઈ આવ્યો છું. મેં તને દૂરદૂરના ખૂણેખૂણેથી બોલાવ્યો છે. મેં તને કહ્યું કે તું મારો સેવક છે. મેં તને પસંદ કર્યો છે અને તારો નકાર કર્યો નથી.

10 તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.

11 તારા પર રોષે ભરાયેલ સૌને અપમાનિત થઈને શરમાવું પડશે. તારા વિરોધીઓ નેસ્તનાબૂદ થઈ જશે.

12 તું તારા શત્રુઓને શોધે તો ય જડશે નહિ. તારી વિરુદ્ધ લડનારા નહિવત્ થઈ જશે.

13 હું તારો ઈશ્વર પ્રભુ છું, હું તારો જમણો હાથ પકડી રાખતાં કહું છું કે બીશ નહિ, હું તને સહાય કરીશ.”

14 પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, તું તો કીડા સમાન નાજુક અને નિર્બળ છે. હે યાકોબ, તું નાનો છે, પણ બીશ નહિ; હું પવિત્ર ઈશ્વર તારો છોડાવનાર છું; હું તને મદદ કરીશ.

15 હું તને તીક્ષ્ણ અને ધારદાર દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવીશ. હું પર્વતોને મસળીને તેમના ચૂરેચૂરા કરી નાખીશ અને ડુંગરોને ભૂસા જેવા બનાવી દઈશ.

16 તું તેમને પવનમાં ઉપણશે. પવન તેમને ઉડાડીને લઈ જશે અને વંટોળિયાથી તેઓ વેરવિખેર થઈ જશે. ત્યારે હું તારો ઈશ્વર છું એ વાતમાં તું આનંદ કરીશ. તું ઇઝરાયલના પવિત્ર ઈશ્વરમાં ગૌરવ લઈશ.

17 જ્યારે મારા દીનદુ:ખિયા લોકોને પાણીની શોધ કર્યા છતાં ક્યાંયે ન મળતાં તેમની જીભ તરસને લીધે સુકાઈ જાય ત્યારે હું તેમની પ્રાર્થનાનો જવાબ આપીશ. હું ઇઝરાયલનો ઈશ્વર તેમને ત્યજી દઈશ નહિ.

18 વેરાન ડુંગરો પર હું નદીઓ વહાવીશ અને ખીણોમાં ઝરણાં વહાવીશ. હું રણપ્રદેશને પાણીના તળાવમાં અને સૂકી ભૂમિને ઝરણામાં ફેરવી નાખીશ.

19 હું વેરાનપ્રદેશમાં ગંધતરુ, બાવળ, મેંદી અને તૈલીવૃક્ષ રોપીશ; હું પડતર જમીનમાં દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં વૃક્ષ સાથેસાથે ઉગાવીશ.

20 લોકો એ જોઈને જાણે અને વિચાર કરીને સમજે કે મેં પ્રભુએ પોતાને હાથે એ કર્યું છે; ઇઝરાયલના પવિત્ર ઈશ્વરે એનું સર્જન કર્યું છે.”


જૂઠા દેવોને પ્રભુનો પડકાર

21 પ્રભુ, યાકોબનો રાજા, આ પ્રમાણે કહે છે: “હે પ્રજાઓના દેવો, તમારો દાવો રજૂ કરો.”

22 અહીં આવો અને ભવિષ્યમાં શું બનવાનું છે તે કહો. પ્રથમ ભૂતકાળમાં બનેલા બનાવોની વિગત જણાવો, જેથી અમે તે પર વિચાર કરીએ અને તેમનું આખરી પરિણામ શું આવ્યું તે જાણીએ; ત્યારબાદ હવે પછી શું બનવાનું છે તે કહો.

23 ભાવિમાં શું નિર્માયું છે તે કહો એટલે તમે દેવો છો કે નહિ તેનો અમને ખ્યાલ આવે. કંઈક સારું કરીને અથવા કોઈ આફત ઉતારીને અમને બીક તથા આશ્ર્વર્ય પમાડો.

24 તમે નહિવત્ છો અને તમારાં કાર્યો શૂન્યવત્ છે. તમને દેવ માનનારા તુચ્છકારને પાત્ર છે.

25 “મેં પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે, તે તમારા પર ઉત્તર તરફથી આક્રમણ કરશે. કોઈ ગારો ગૂંદે અથવા કુંભાર માટીને ગૂંદે તેમ તે રાજાઓને કચડી નાખશે.

26 તમારામાંથી કોણે અમને અગાઉથી આની જાણ કરી છે કે તે સાચો છે તેની અમને ખબર પડે? કોઈએ કંઈ કહ્યું નથી. કોઈએ કશી આગાહી કરી નથી. કોઈ એક શબ્દ પણ બોલ્યું નથી.

27 એ તો મેં પ્રભુએ સૌપ્રથમ સિયોનને શુભ સમાચાર જણાવ્યા છે. મેં યરુશાલેમમાં સંદેશક મોકલીને તેમને કહેવડાવ્યું છે, ‘અરે, આ રહ્યા તમારા લોક!’

28 મેં જ્યારે દેવો તરફ જોયું તો કોઈ સલાહ દેનાર દેખાયો નહિ, અને મેં પૂછેલા પ્રશ્ર્નોનો કોઈએ જવાબ આપ્યો નહિ.

29 આ તો બધા જૂઠા દેવો છે; તેમનાં કામ નહિવત્ છે. તેમની મૂર્તિઓ ખાલી પવન જેવી શૂન્યવત્ છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan