યશાયા 40 - પવિત્ર બાઇબલ C.L.આશાનો સંદેશ 1 તમારા ઈશ્વર કહે છે, “મારા લોકને આશ્વાસન આપો, તેમને આશ્વાસન આપો! 2 યરુશાલેમના લોકોને હેતથી સમજાવો કે, ‘હવે તમારા દુ:ખના દિવસ પૂરા થયા છે. તમારા પાપનું ઋણ ચૂકવાઈ ગયું છે. કારણ, ઈશ્વરે તમને તમારાં બધાં પાપની બમણી શિક્ષા કરી છે.’ 3 એક વાણી આવું પોકારે છે: “વેરાનપ્રદેશમાં પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. ઉજ્જડ પ્રદેશમાં આપણા પ્રભુને માટે સીધો ધોરી રસ્તો બનાવો. 4 પ્રત્યેક ખીણ પૂરી દો; પ્રત્યેક પર્વત અને ડુંગરાને સપાટ બનાવી દો. ખરબચડી જગ્યાઓ સરખી કરી દો અને ખાડાટેકરાવાળો પ્રદેશ સપાટ મેદાન કરી દો. 5 પછી પ્રભુનું ગૌરવ પ્રગટ થશે, અને સમસ્ત માનવજાત તે જોશે. કારણ, એ પ્રભુના મુખની વાણી છે.” 6 વાણી પોકારે છે, “પોકાર પાડ!” મેં પૂછયું, “શાનો પોકાર પાડું?” “એ જ કે સર્વ માણસો ઘાસ જ છે; તેમના રૂપરંગ વગડામાંના ફૂલ જેવાં ક્ષણિક છે: 7 પ્રભુની ફૂંકમાત્રથી ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે. સાચે જ માનવજાત ઘાસ સમાન ક્ષણિક છે. 8 હા, ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ કરમાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનો સંદેશ સદાકાળ ટકે છે.” 9 હે શુભસંદેશ લાવનાર સિયોન, ઊંચે પર્વત પર ચડી જા! હે શુભ સમાચાર પાઠવનાર યરુશાલેમ, મોટે સાદે પોકાર! ગભરાયા વિના યહૂદિયાનાં નગરોને ઊંચે સાદે પોકારીને કહે: “જુઓ! આ તમારો ઈશ્વર!” 10 એ સર્વસમર્થ પ્રભુ સામર્થ્યસહિત આવી રહ્યા છે. તે પોતાના બાહુબળથી અધિકાર ચલાવશે. તેમનું ઈનામ અને તેમનું પ્રતિફળ તેમની સાથે છે. 11 તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે. ઇઝરાયલના અજોડ ઈશ્વર 12 શું કોઈ પોતાના ખોબાથી દરિયાનાં પાણી માપી શકે? અથવા પોતાની વેંતથી આકાશોને માપી શકે? શું કોઈ પૃથ્વીની ધૂળને માપિયામાં સમાવી શકે? અથવા કોઈ પર્વતો અને ડુંગરોને ત્રાજવામાં તોલી શકે? 13 પ્રભુના મનને કોણ સમજી શકાયું છે? કોણ તેમને સલાહસૂચના આપી શકે? 14 પ્રભુએ ક્યારેય કોઈ વાતનો ખુલાસો મેળવવા કોઈનો સંપર્ક સાયો છે? કોણે તેમને સાચો રસ્તો બતાવ્યો છે? કોણે તેમને જ્ઞાન આપ્યું? કોણે તેમને સમજણનો માર્ગ દર્શાવ્યો? 15 પ્રભુની નજરમાં દેશો ડોલમાંના ટીપાં જેવાં તથા ત્રાજવે ચોંટેલી ધૂળ જેવા છે અને ટાપુઓ તો રજકણ જેવા હલકા છે. 16 લબાનોનનાં જંગલોનાં બધાં પ્રાણીઓ ઈશ્વરને બલિદાન ચડાવવા અને તેનાં વૃક્ષનાં લાકડાં વેદી પર બળતણને માટે બસ નથી. 17 તેમની આગળ દેશો વિસાત વિનાના છે. તે તેમને નહિવત્ ગણે છે. 18 તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કોની સાથે તમે તેમના સ્વરૂપની તુલના કરશો? 19 મૂર્તિ સાથે સરખાવશો? પણ મૂર્તિને તો કારીગર ઢાળે છે અને સોની તેના પર સોનાનો ઢોળ ચડાવે છે તથા તેને શુદ્ધ ચાંદીની સાંકળીઓ પહેરાવે છે! 20 મૂર્તિ બનાવવા સોનુંરૂપું અર્પણ કરી ન શકે તેવા ગરીબ લોકો છેવટે સડી ન જાય એવું લાકડું પસંદ કરે છે અને તેમાંથી સડી ન જાય એવી મૂર્તિ બનાવવા કુશળ કારીગરને શોધે છે. 21 શું તમને ખબર નથી? શું તમે સાંભળ્યું નથી? શું તમને તે આરંભથી કહેવામાં આવ્યું નથી? પૃથ્વીને તેના પાયા પર કેવી રીતે જડવામાં આવી છે તેનો શું તમને ખ્યાલ નથી? 22 પ્રભુ તો પૃથ્વીથી ઊંચે, આકાશના ધુમ્મટની ઉપર રાજ્યાસન પર બિરાજે છે. તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તીડ જેવા છે. તે પડદાની માફક આકાશોને વિસ્તારે છે અને રહેવાના તંબુની જેમ તેમને પ્રસારે છે. 23 તે રાજવીઓને વિસાત વિનાના બનાવી દે છે અને દુનિયાના શાસકોને શૂન્યવત્ કરી નાખે છે. 24 હજી તો તે હમણા જ રોપાયા છે, હમણા જ વવાયા છે; હજી તો તેમનાં મૂળ જમીનમાં બાઝયાં ન બાઝયાં ત્યાં તો પ્રભુ તેમના પર સપાટો લગાવે છે. એટલે તેઓ ચિમળાઈ જાય છે અને તોફાનમાં તરણાની જેમ ઊડી જાય છે. 25 તેથી પવિત્ર ઈશ્વર કહે છે, “તમે કોની સાથે મારી તુલના કરશો?” 26 તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરી નિહાળો! આ બધાંને કોણે બનાવ્યા છે? તે બધાં નક્ષત્રોને તેમની નિયત સંખ્યા પ્રમાણે સૈન્યની જેમ દોરે છે અને પ્રત્યેક નક્ષત્રને નામ દઈને બોલાવે છે. તેમનાં મહાન સામર્થ્ય અને અગાધ શક્તિને લીધે બોલાવેલા નક્ષત્રોમાંથી એક પણ તારો ખૂટતો નથી. 27 તો હે યાકોબ, હે ઇઝરાયલ, તું શા માટે ફરિયાદ કરે છે કે “મારો સંકટનો માર્ગ પ્રભુથી છુપાયેલો છે અને મારા ન્યાયી હક્કો મારા ઈશ્વરે લક્ષમાં લીધા નથી.” 28 શું તને ખબર નથી? શું તેં સાંભળ્યું નથી? પ્રભુ તો સનાતન ઈશ્વર છે. તે જ સમસ્ત દુનિયાના સર્જનહાર છે. તે કદી નિર્ગત થતા નથી કે થાક્તા નથી. તેમની સમજણ અગમ્ય છે. 29 તે નિર્ગત થઈ ગયેલાને બળ આપે છે, અને કમજોરને તાક્તવાન બનાવે છે. 30 તરુણ વયના કદાચ થાકીને લોથ થઈ જાય અને ભરજુવાનીમાં આવેલા ઠોકર ખાઈને પડી જાય, 31 પણ મદદ માટે પ્રભુ પર આશા રાખનારાઓ નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે, પણ થાકશે નહિ; તેઓ આગળ વધશે, પણ નિર્ગત થશે નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide