યશાયા 4 - પવિત્ર બાઇબલ C.L.1 તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારાં પોતાનાં વસ્ત્રો પહેરીશું પણ તું અમારો પતિ થા અને અમારું કુંવારા રહી જવાનું મહેણું દૂર કર.” યરુશાલેમનો પુનરોદ્ધાર 2 તે દિવસે પ્રભુનો અંકુર સુંદર અને ગૌરવી બનશે. ઇઝરાયલના બચી ગયેલા લોકો માટે ભૂમિની પેદાશ અભિમાન અને ગૌરવનું કારણ બની રહેશે. 3 સિયોનમાં બચી ગયેલા અને યરુશાલેમના જીવતા રહેવા નિર્માયેલા સૌ કોઈ પવિત્ર કહેવાશે. 4 ત્યારે પ્રભુ સિયોનવાસીઓની મલિનતા ધોઈ નાખશે અને ઝંઝાવાતી ન્યાયશાસન તથા ભડભડતા અગ્નિ દ્વારા તે યરુશાલેમને તેમાં વહેવડાવેલા રક્તથી શુદ્ધ કરશે. 5 સિયોન પર્વત પર અને ત્યાં એકત્ર થયેલા બધા પર પ્રભુ દિવસે વાદળ અને ધૂમાડો તથા રાત્રે અગ્નિનો પ્રકાશ પાથરશે. ઈશ્વરનું ગૌરવ સમગ્ર શહેર ઉપર આચ્છાદન કરશે. 6 તેમનું ગૌરવ શહેરને દિવસના તાપથી છાયા આપશે અને તેને સુરક્ષિત બનાવશે; વરસાદ અને તોફાનથી તે તેનું રક્ષણ કરશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide