યશાયા 39 - પવિત્ર બાઇબલ C.L.બેબિલોનના સંદેશકો ( ૨ રાજા. 20:12-19 ) 1 એ સમયે બેબિલોનના રાજા, બાલઅદાનના પુત્ર મેરોદાખ બાલઅદાને સાંભળ્યું કે હિઝકિયા રાજા માંદગીમાંથી સાજો થયો છે. તેથી તેણે તેના પર પત્ર લખીને સાથે ભેટ મોકલી. 2 હિઝકિયાએ સંદેશકોનો આનંદથી આવકાર કર્યો અને તેમને પોતાનો ખજાનો એટલે સોનું, રૂપું, સુગંધીદ્રવ્યો, અત્તરો, લશ્કરી શસ્ત્રસરંજામ અને પોતાના ભંડારોમાં જે જે હતું તે બધું તેણે તેમને બતાવ્યું. તેના મહેલમાં કે તેના રાજ્યમાં એવું કંઈ નહોતું જે તેણે બતાવ્યું ના હોય. 3 ત્યારે સંદેશવાહક યશાયાએ હિઝકિયા રાજાની પાસે જઈને તેને પૂછયું, “આ લોકો ક્યાંથી આવ્યા છે? તેમણે તને શું શું કહ્યું છે?” હિઝકિયાએ જવાબ આપ્યો, “તેઓ દૂર દેશથી, એટલે બેબિલોનથી આવ્યા છે.” 4 યશાયાએ પૂછયું, “તેમણે મહેલમાં શું શું જોયું?” હિઝકિયાએ કહ્યું, “તેમણે બધું જ જોયું છે. ભંડારોમાં એવી એકે ય વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ન હોય.” 5 ત્યારે યશાયાએ રાજાને કહ્યું, “સર્વસમર્થ પ્રભુનો સંદેશ સાંભળો, 6 ‘એવા દિવસો આવશે જ્યારે તારા મહેલમાંનું સર્વસ્વ અને આજપર્યંત તારા પૂર્વજોએ સંગ્રહ કરેલું બધું લૂંટીને બેબિલોન લઈ જવાશે; કશું જ રહેવા દેવાશે નહિ. 7 તારા પોતાના વંશજોમાંથી પણ કેટલાકને લઈ જવામાં આવશે અને બેબિલોનના રાજાના મહેલમાં તેમને વ્યંડળ બનાવીને તેમની પાસે સેવા કરાવાશે.” 8 હિઝકિયા રાજા એ પરથી એવું સમજ્યો કે તેના પોતાના સમયમાં તો શાંતિ અને સલામતી રહેશે. તેથી તેણે જવાબ આપ્યો, “પ્રભુ તરફથી જે સંદેશો મને આપ્યો છે તે સારો છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide