Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 38 - પવિત્ર બાઇબલ C.L.


હિઝકિયા રાજાની માંદગી
( ૨ રાજા. 20:1-11 ; ૨ કાળ. 32:24-26 )

1 એ અરસામાં હિઝકિયા રાજા મરણતોલ માંદો પડયો. આમોઝના પુત્ર યશાયા સંદેશવાહકે તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, તારા ઘરકુટુંબની વ્યવસ્થા કરી લે. કારણ, તું સાજો થવાનો નથી. તું મરી જઈશ.”

2 હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને પ્રાર્થના કરી:

3 “હે પ્રભુ, હું સત્યતાથી અને દયની પૂરી નિષ્ઠાથી તમારી સંમુખ જીવ્યો છું અને તમારી દષ્ટિમાં જે સારું છે તે જ કરતો રહ્યો છું. તો તે સંભારો એવી મારી આજીજી છે.” પછી તે બહુ રડયો.

4 ત્યારે પ્રભુએ યશાયાને આજ્ઞા કરી,

5 “તું હિઝકિયા પાસે પાછો જઈને તેને કહે, ‘હું તારા પૂર્વજ દાવિદનો ઈશ્વર છું. મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તારું આયુષ્ય બીજાં પંદર વર્ષ વધુ લંબાવીશ.

6 હું તારું અને યરુશાલેમ શહેરનું આશ્શૂરના રાજાથી રક્ષણ કરીશ અને હું આ શહેરનો પૂરેપૂરો બચાવ કરીશ.”

21 પછી યશાયાએ રાજાને કહ્યું, “ગુમડા પર અંજીરની થેપલી બનાવી બાંધો, એટલે તમે સાજા થઈ જશો.”

22 ત્યારે હિઝકિયા રાજાએ પૂછયું, “હું પ્રભુને મંદિર જઈશ એની શી નિશાની છે?”

7 યશાયાએ જવાબ આપ્યો, “પ્રભુ પોતાનું વચન પાળશે તેની આ નિશાની છે.

8 આહાબ રાજાએ બંધાવેલી સમયદર્શક સીડીમાં પડછાયો દસ પગથિયાં પાછો પડશે.” તેથી સમયદર્શક સીડીમાં પડછાયો દસ પગથિયાં પાછો ગયો.

9 માંદગીમાંથી સાજા થયા પછી યહૂદિયાના રાજા હિઝકિયાએ રચેલું આ સ્તોત્ર છે:

10 મને થયું કે મારે મારા આયુષ્યની અધવચ્ચે જ મૃત્યુલોક શેઓલના દરવાજાઓમાં થઈને જવું પડશે અને મારી આવરદાનાં બાકીનાં વર્ષો છીનવી લેવાયાં છે.

11 મને થયું કે હવે હું જીવતાઓની દુનિયામાં પ્રભુને જોઈશ નહિ. આ દુનિયા પર વસતા કોઈ માણસને હવેથી હું જોઈ શકીશ નહિ.

12 ભરવાડના તંબુની માફક મારું નિવાસસ્થાન ઉખેડીને ફેંકી દેવાયું છે. વણકર કાપડને હાથશાળ પર વીંટાળી લઈ તેને તાણામાંથી કાપી નાખે છે તેમ મેં મારું જીવન સંકેલી લીધું છે, તે કપાઈ ગયું છે. દિવસ પૂરો થઈ રાત પડે ત્યાં સુધીમાં તો તે મને પૂરો કરી નાખશે.

13 સિંહ જાણે મારાં હાડકાં કચરતો ન હોય તેમ હું છેક સવાર થતાં સુધી કણસતો રહ્યો; દિવસ અને રાતમાં તો તમે મને પૂરો કરી નાખશો.

14 હું અબાબીલ કે બગલાની પેઠે ઊંહકારા ભરતો હતો, અને હોલાની જેમ હું શોક કરતો હતો. આકાશો સામે મીટ માંડી માંડીને મારી આંખો થાકી ગઈ. હે પ્રભુ, હું વિપત્તિમાં આવી પડયો છું; મને બચાવો. પણ હું શું કહું?

15 પ્રભુ પોતે જ આ બધું કરનાર છે એવું તેમણે મને કહ્યું છે. મારા દયની વેદનાને લીધે મારી નિદ્રા ચાલી ગઈ છે.

16 હે પ્રભુ, હું માત્ર તમારે માટે જ જીવીશ; તો હવે મને સાજો કરો અને જીવતદાન આપો.

17 તમે મારા દુ:ખને કલ્યાણમાં ફેરવી દેશો. મારા પ્રત્યેના તમારા પ્રેમને લીધે તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢયો છે અને તમે મારાં બધાં પાપ તમારી પીઠ પાછળ ફેંકી દીધાં છે.

18 કારણ, મૃત્યુલોક શેઓલમાં કોઈ તમારી સ્તુતિ કરી શકતું નથી; મૃત્યુ પામેલાં તમારાં સ્તોત્ર ગાઈ શક્તાં નથી અથવા વિનાશના ખાડામાં જનારાં તમારા વિશ્વાસુપણા પર આશા રાખતાં નથી.

19 આજે જેમ હું કરું છું તેમ માત્ર જીવતા માણસો જ તમારી સ્તુતિ કરી શકે છે અને પિતાઓ પોતાનાં સંતાનોને તમારા વિશ્વાસુપણા સંબંધી જણાવે છે.

20 હે પ્રભુ, તમે મને બચાવ્યો છે, તેથી અમે જિંદગીભર અમારા પ્રભુના મંદિરમાં તંતુવાદ્યો સાથે ગાયા કરીશું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan