Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 37 - પવિત્ર બાઇબલ C.L.


રાજાએ માગેલી યશાયાની સલાહ
( ૨ શમુ. 19:1-7 )

1 હિઝકિયા રાજાએ એ અહેવાલ સાંભળતાની સાથે જ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને શરીરે શણિયું વીંટાળીને પ્રભુના મંદિરમાં જઈ પહોંચ્યો.

2 તેણે રાજમહેલના કારભારી એલ્યાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રગણ્ય યજ્ઞકારોને આમોઝના પુત્ર યશાયા સંદેશવાહક પાસે મોકલ્યા. તેમણે સૌએ શણિયાં પહેર્યાં હતાં.

3 તેમણે યશાયાને હિઝકિયા તરફથી આ સંદેશો કહી સંભળાવ્યો, “આજનો દિવસ તો સંકટનો, શિક્ષાનો અને નામોશીનો દિવસ છે. સ્ત્રીને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ તેનામાં જણવાનું જોર ન હોય એવી આપણી દશા થઈ છે.

4 આશ્શૂરના રાજાએ પોતાના મુખ્ય લશ્કરી અધિકારીને જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે. તેથી તારા ઈશ્વર પ્રભુ તેના સર્વ નિંદાત્મક શબ્દો લક્ષમાં લઈને તેને ધમકાવે તે માટે તું બચીને બાકી રહેલા લોકો માટે પ્રાર્થના કર.”

5 આમ, હિઝકિયા રાજાના અધિકારીઓ યશાયા પાસે ગયા,

6 ત્યારે યશાયાએ તેમને કહ્યું, “તમારા માલિકને આમ જણાવો. પ્રભુ કહે છે, ‘આશ્શૂરના રાજાના અધિકારીઓએ મારી વિરુદ્ધ ઉચ્ચારેલા શબ્દોથી તું ગભરાઈશ નહિ.

7 હું તેનામાં એક એવો આત્મા મૂકીશ કે તે અફવા સાંભળીને સ્વદેશ પાછો ચાલ્યો જશે અને ત્યાં હું તેને તલવારથી મારી નંખાવીશ.”


આશ્શૂરીઓની બીજી ધમકી
( ૨ રાજા. 19:8-19 )

8 આશ્શૂરનો મુખ્ય લશ્કરી અધિકારી ત્યાંથી પાછો ફર્યો ત્યારે તેને ખબર પડી કે આશ્શૂરનો રાજા પોતાની છાવણી ત્યાંથી ઉપાડી લઈને હવે લિબ્ના સામે લડી રહ્યો છે. તેથી તે લાખીશથી ત્યાં ગયો.

9 આશ્શૂરના રાજાને સમાચાર મળ્યા કે કુશનો રાજા તિર્હાકા તેમની વિરુદ્ધ યુદ્ધ કરવા ચડી આવ્યો છે. એ સાંભળીને તેણે યહૂદિયાના રાજા હિઝકિયાને આવું કહેવા સંદેશકો મોકલ્યા:

10 “યરુશાલેમ આશ્શૂરના રાજાના કબજામાં નહિ આવે એવું કહીને જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે તે તને છેતરે નહિ તે જોજે.

11 આશ્શૂરના રાજાઓએ બધા દેશોનો નાશ કર્યો છે તે તો તે સાંભળ્યું હશે. તો હવે તું એમ માને છે કે તું બચી જઈશ?

12 મારા પૂર્વજોએ ગોઝાન, હારાન અને રેસેફના પ્રજાજનોનો તથા તલ્લાસારમાં રહેનારા એદેનના વંશજોનો સંહાર કર્યો ત્યારે શું તેમના દેવોએ તેમને બચાવ્યા હતા?

13 હમાથ, આર્પાદ, સફાર્વાઇમ, હેના અને ઇવ્વા નગરોના રાજાઓ કયાં છે?’

14 હિઝકિયા રાજાએ સંદેશકો પાસેથી એ પત્ર લઈને વાંચ્યો એટલે તે પ્રભુના મંદિરમાં પહોંચી ગયો. પછી તે પત્ર પ્રભુની સમક્ષ ખુલ્લો કરીને

15 તેણે પ્રાર્થના કરી:

16 “હે ઇઝરાયલના ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, પાંખવાળાં પ્રાણી કરુબો પર બિરાજનાર, તમે એક માત્ર ઈશ્વર છો અને દુનિયાનાં બધાં રાજ્યો તમારી હકૂમત નીચે છે. તમે આકાશ તથા પૃથ્વીના સર્જનહાર છો!

17 હે પ્રભુ, કાન દઈને અમારું સાંભળો અને આંખ ઉઘાડીને અમારા તરફ દષ્ટિ કરો. જીવંત ઈશ્વરનું અપમાન કરતા સાન્હેરીબના સઘળા નિંદાત્મક શબ્દો સાંભળો.

18 હે પ્રભુ, એ તો હકીક્ત છે કે આશ્શૂરના રાજાઓએ ઘણી પ્રજાઓનો નાશ કર્યો છે અને તેમના દેશોને ખેદાનમેદાન કરી નાખ્યા છે.

19 તેમણે તેમના દેવોને અગ્નિમાં નાખીને બાળી નાખ્યા છે; જો કે તેમના દેવો તો દેવો હતા જ નહિ, પણ લાકડા અને પથ્થરમાંથી ઘડેલી માનવી હાથની કૃતિ જ હતા અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો.

20 તો હે અમારા પ્રભુ, અમને આશ્શૂરીઓના હાથમાંથી બચાવો, જેથી દુનિયાની બધી પ્રજાઓ જાણે કે તમે પ્રભુ જ એકમાત્ર ઈશ્વર છો.”


રાજાને યશાયાનો સંદેશ
( ૨ રાજા. 19:20-37 )

21 ત્યારે આમોઝના પુત્ર યશાયાએ હિઝકિયા રાજાને આ સંદેશો મોકલ્યો:

22 ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષેની તારી પ્રાર્થના તેમણે સાંભળી છે. પ્રભુએ તેની વિરુદ્ધ આ શબ્દો ઉચ્ચાર્યા છે: “હે સાન્હેરીબ, સિયોનની કુંવારી પુત્રી તારો તુચ્છકાર કરે છે અને તારી હાંસી ઊડાવે છે. યરુશાલેમની પુત્રી તારી સામે પોતાનું માથું ઉગામે છે.

23 તેં કોની નિંદા કરી છે અને કોનું અપમાન કર્યું છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે? કોની સામે તેં મગરૂરીથી જોયું છે? અલબત્ત, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધ જ!

24 તારા સંદેશકો મારફતે તેં પ્રભુની નિંદા કર્યે રાખી છે. વળી, તેં કહ્યું છે કે, ‘મેં મારા રથોથી ઊંચા પર્વતો અને લબાનોનના ઊંચા શિખરો સર કર્યાં છે. ત્યાંનાં ઊંચાં ઊંચાં ગંધતરુઓ અને દેવદારનાં ઉત્તમ વૃક્ષોને કાપી નાખ્યાં છે. હું તેના સૌથી છેવાડાનાં શિખરો પરનાં ગાઢ જંગલોમાં પહોંચી ગયો છું.

25 મેં પરદેશમાં કૂવાઓ ખોદીને તેનાં પાણી પીધાં છે અને મારાં પગલાંથી નાઈલનાં બધાં ઝરણાં સૂકવી નાખ્યાં છે.’

26 “શું તને ખબર નથી કે આ બધું તો મેં પુરાતનકાળથી નિર્માણ કરેલું હતું? અને મેં પ્રાચીનકાળથી એની યોજના કરી હતી? હવે મેં જ એ પ્રમાણે થવા દીધું છે. મેં તારી પાસે ખંડિયેરના ઢગલા કરાવ્યા છે.

27 ત્યાંના રહેવાસીઓ કમજોર હોવાથી તેઓ હતાશ થઈ ગયા અને શરમાઈ ગયા. તેઓ તો ખેતરમાંના છોડ જેવા, કુમળા લીલા ફણગા જેવા, ધાબા પર ઊગી નીકળતા અને પૂર્વની લૂથી બળી ગયેલા છોડ જેવા હતા.

28 પણ હું તારી સઘળી ઊઠબેસ અને અવરજવર જાણું છું. મારા પરના તારા રોષની મને ખબર છે.

29 એ રોષને લીધે તારી તુમાખીની મને જાણ થઈ છે. તેથી હું તારા નાકમાં કડી ભરાવીને અને તારા મોંમાં લગામ ઘાલીને તું જે માર્ગેથી આવ્યો છે તે જ માર્ગે હું તને પાછો મોકલી દઈશ.”

30 પછી યશાયાએ હિઝકિયા રાજાને કહ્યું, “એની આ નિશાની છે: આ વર્ષે અને આવતે વર્ષે તમે પોતાની મેળે ઊગી નીકળેલું અનાજ ખાશો, પણ તે પછીના વર્ષે તમે વાવણી કરશો અને લણણી કરશો તેમ જ દ્રાક્ષવેલાઓ રોપીને તેની દ્રાક્ષો ખાશો.

31 યહૂદિયાના લોકોમાંથી બચી ગયેલાઓ ફરીથી જમીનમાં ઊંડે મૂળ નાખીને ફળ લાવનાર વૃક્ષની જેમ વૃદ્ધિ પામશે.

32 કારણ, યરુશાલેમમાં અને સિયોન પર્વત પર બચેલા લોક મળી આવશે. સર્વસમર્થ પ્રભુની ઉત્કંઠાને લીધે એ સિદ્ધ થશે.”

33 તે માટે આશ્શૂરના રાજા વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે, “તે આ નગરમાં પ્રવેશ કરશે નહિ કે તેની વિરુદ્ધ એક તીર પણ મારશે નહિ અને નગરની સામે કોઈ મોરચો પણ બાંધશે નહિ.

34 આ નગરમાં પ્રવેશ કર્યા વિના તે જે માર્ગે આવ્યો તે જ માર્ગે પાછો જશે. હું પ્રભુ એ બોલ્યો છું.

35 મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.”

36 પછી પ્રભુના દૂતે આશ્શૂરીઓની છાવણીમાં જઈને એક લાખ પંચ્યાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. બીજે દિવસે સવારે લોકે જાગીને જોયું તો ત્યાં એમની લાસો પડી હતી.

37 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ નીનવે પાછો જતો રહ્યો.

38 એક દિવસે તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો ત્યારે તેના બે પુત્રો આદ્રામેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો અને તેઓ અરારાટ પ્રદેશમાં નાસી ગયા. તેના પછી તેના પુત્ર એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan