યશાયા 36 - પવિત્ર બાઇબલ C.L.આશ્શૂરીઓની યરુશાલેમને ધમકી ( ૨ રાજા. 18:13-28 ; ૨ કાળ. 32:1-19 ) 1 યહૂદિયાના રાજા હિઝકિયાના અમલના ચૌદમે વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદિયાનાં સર્વ કિલ્લાવાળાં નગરો પર ચડાઈ કરીને તેમને જીતી લીધાં. 2 તે પછી તેણે પોતાના મુખ્ય લશ્કરી અધિકારીને મોટું સૈન્ય લઈને લાખીશથી યરુશાલેમ મોકલ્યો. મુખ્ય લશ્કરી અધિકારી ધોબીના ખેતરમાં જવાને રસ્તે ઉપરના તળાવમાંથી કાઢેલી નહેર પાસે થોભ્યો. 3 ત્યારે યહૂદિયાના ત્રણ આગેવાનો એટલે રાજમહેલનો કારભારી એલ્યાકીમ, જે હિલ્કીયાનો પુત્ર હતો તે, રાજમંત્રી શેબ્ના અને નોંધણીકાર યોઆ, જે આસાફનો પુત્ર હતો તે તેને મળવાને બહાર આવ્યા. 4 આશ્શૂરના મુખ્ય લશ્કરી અધિકારીએ તેમને કહ્યું, “આશ્શૂરના મહારાજધિરાજ હિઝકિયાને પૂછાવે છે, ‘તું કોના પર આધાર રાખે છે?’ 5 તારી પાસે લશ્કરી વ્યૂહરચના અને તાક્ત છે એવું તું કહે છે, પણ એ તો માત્ર મુખના ઠાલા શબ્દો છે. તું કોના પર આધાર રાખીને મારી વિરુદ્ધ બળવો કરે છે? 6 તું તો ઇજિપ્ત પર આધાર રાખે છે. પણ તે તો માણસની હથેલીમાં આરપાર ધૂસી જાય તેવી ભાંગેલી બરુની લાકડી જેવું છે. કોઈ તેના પર ટેકે તો તેને જખમ થયા વિના રહે નહિ. ઇજિપ્તનો રાજા ફેરો તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે. 7 “કદાચ તું કહેશે, ‘અમે અમારા ઈશ્વર પ્રભુ પર આધાર રાખીએ છીએ.’ પણ એ પ્રભુની ભક્તિનાં સર્વ ઉચ્ચસ્થાનો અને વેદીઓ તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને એક જ જગ્યાએ ભજન કરવાનું કહેનાર હિઝકિયા જ છે ને? 8 તો હવે મારા માલિક આશ્શૂરના રાજા સાથે બાંધ -છોડ કરી લે! જો તું બે હજાર ઘોડેસવારો પૂરા પાડે તો હું તને એટલા ઘોડા આપીશ. 9 જો તારાથી એટલું ય ન થાય તો ઇજિપ્તના રથો અને ઘોડેસવારોના આધારે તું મારા માલિકના સૌથી નીચલી પાયરીના અધિકારીને પણ કેવી રીતે હરાવી શકીશ? 10 શું તું એમ માને છે કે તારા દેશનો નાશ કરવા મેં પ્રભુની મદદ વિના તારા પર ચડાઈ કરી છે. પ્રભુએ પોતે મને આ દેશ પર ચડાઈ કરી તેનો નાશ કરવા કહ્યું છે.” 11 ત્યારે એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ લશ્કરી અધિકારીને કહ્યું, “અમારી સાથે અરામી ભાષામાં બોલ; અમે તે સમજીએ છીએ. હિબ્રૂમાં ન બોલીશ; કારણ, નગરકોટ પર બેઠેલા બધા લોકો પણ સાંભળે છે.” 12 તેણે જવાબ આપ્યો, “મારા રાજાએ માત્ર તમારા રાજા અને તમને જ આ વચનો કહેવા મને મોકલ્યો છે એવું નથી. એ તો નગરકોટ પર બેઠેલા લોકોને પણ કહેવાનાં છે; તેમણે પણ તમારી સાથે પોતાની વિષ્ટા ખાવાનું અને સ્વમૂત્ર પીવાનું છે.” 13 પછી લશ્કરી અધિકારીએ ઊભા થઈને મોટે ઘાંટે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનું કહેવું સાંભળો. 14 તેમણે આમ કહ્યું છે, ‘જોજો, હિઝકિયા તમને છેતરી ન જાય! તે તમને બચાવી શકવાનો નથી. 15 પ્રભુ જરૂર આપણો બચાવ કરશે અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાં સોંપી દેશે નહિ એમ કહીને તે તમને પ્રભુ પર ભરોસો રાખવાનું સમજાવે નહિ.’ 16 તેથી તમે હિઝકિયાનું સાંભળશો નહિ. આશ્શૂરના રાજાનો આવો આદેશ છે: ‘મારી સાથે સંધિ કરો અને શહેર બહાર આવી મારે શરણે થાઓ. તેથી તમે તમારા દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને અંજીરીનાં અંજીર ખાઈ શકશો અને તમારાં ટાંકાનું પાણી પી શકશો.’ 17 પણ પછી હું આવીશ અને તમને તમારા દેશ જેવા ધાન્ય અને નવા દ્રાક્ષાસવના તથા અન્ન અને દ્રાક્ષવાડીઓના મારા દેશમાં લઈ જઈશ. 18 ‘પ્રભુ આપણને છોડાવશે એમ કહીને હિઝકિયા તમને ગેરમાર્ગે ન દોરે તે જોજો. શું મારા હાથમાંથી કોઈપણ પ્રજાના દેવોએ પોતાના લોકને બચાવ્યા છે? 19 હમાથ અને આર્પાદના દેવો ક્યાં છે? સફાર્વાઈમના દેવો ક્યાં ગયા? શું તેમણે સમરૂનને મારા હાથથી બચાવ્યું ખરું? 20 આ બધા દેવોમાંથી કોઈએ મારા હાથમાંથી પોતાના દેશોને બચાવ્યા છે? તો પછી પ્રભુ યરુશાલેમને કેવી રીતે બચાવી શકશે?” 21 હિઝકિયા રાજાની સૂચના પ્રમાણે લોકો ચૂપ રહ્યા અને કંઈ જવાબ આપ્યો નહિ. 22 તે પછી એલ્યાકીમ, શેબ્ના અને યોઆએ શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને આશ્શૂરના મુખ્ય લશ્કરી અધિકારીએ કહેલી સર્વ વાતથી હિઝકિયા રાજાને વાકેફ કર્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide