યશાયા 35 - પવિત્ર બાઇબલ C.L.પવિત્રતાનો રાજમાર્ગ 1 રણપ્રદેશ અને સૂકી ભૂમિ હર્ષિત થશે, અને પડતર જમીન પ્રફુલ્લિત થઈને ગુલાબની જેમ ખીલી ઊઠશે. 2 તે આનંદ અને હર્ષના પોકાર કરશે. તેને લબાનોનનું સૌંદર્ય અને ર્કામેલ પર્વત તથા શારોનની ખીણની શોભા અપાશે. સૌ કોઈ પ્રભુનું ગૌરવ અને તેમનો પ્રતાપ જોશે. 3 થાકી ગયેલા બધા હાથોને મજબૂત કરો અને ધ્રૂજતા ઢીંચણોને સ્થિર કરો. 4 ઉચાટ દિલવાળાને કહો, ‘દઢ થાઓ અને બીશો નહિ! જુઓ, તમારા ઈશ્વર આવે છે.’ તે તમારા દુશ્મનો પર વૈર વાળશે અને બદલો લેશે. તે પોતે તમારો બચાવ કરશે. 5 ત્યારે અંધજનોની આંખો ઊઘડી જશે અને બહેરાઓના કાન ખૂલી જશે. 6 લંગડો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ હર્ષનો પોકાર કરશે. ત્યારે વેરાનપ્રદેશમાં પાણી ફૂટી નીકળશે, અને રણપ્રદેશમાં ઝરણાં વહેવા માંડશે. 7 મૃગજળ તે તલાવડી અને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે. એકવાર જ્યાં શિયાળો વસતાં હતાં ત્યાં ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે. 8 ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે. 9 માત્ર ઉદ્ધાર પામેલાઓ જ એ માર્ગ પર ચાલશે; પ્રભુએ જેમને છોડાવ્યા છે તેઓ એ માર્ગે પાછા ઘેર આવશે. 10 તેઓ આનંદથી ગાતા ગાતા સિયોનમાં પ્રવેશશે અને તેમના શિર પર સદાનો આનંદ રહેશે. તેઓ હર્ષ તથા આનંદથી ઉભરાશે અને તેમના શોક અને નિસાસા ચાલ્યા જશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide