Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 34 - પવિત્ર બાઇબલ C.L.


દુશ્મનોને સજા

1 હે સર્વ પ્રજાઓ, પાસે આવીને સાંભળો! હે લોકો, લક્ષ દો! આખી પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ, આખી દુનિયા અને તેના રહેવાસીઓ સૌ કોઈ સાંભળો!

2 પ્રભુ બધી પ્રજાઓ પર રોષે ભરાયા છે અને તેમનાં લશ્કરો પર કોપાયમાન છે. તેમણે તેમનો નાશ કરવાનો નિર્ધાર કર્યો છે અને તેમને સંહારને સ્વાધીન કર્યા છે.

3 તેમના ક્તલ થઈ ગયેલાઓને ફેંકી દેવાશે અને તેમનાં શબ સડીને દુર્ગંધ મારશે. તેમના લોહીથી પર્વતો તરબોળ થઈ જશે.

4 સૂર્ય, ચંદ્ર અને તારાઓ પીગળી જશે. જેમ પુસ્તકનો વીંટો વીંટાળી લેવામાં આવે તેમ આકાશો અલોપ થઈ જશે. દ્રાક્ષવેલા પરથી સૂકાં પાદડાં અને અંજીરી પરથી પાકાં અંજીર ખરી પડે તેમ તારાઓ ખરી પડશે.

5 પ્રભુએ આકાશમાં પોતાની તલવારને બરાબર પાણી ચડાવીને તૈયાર કરી છે. હવે નાશને માટે નિર્ધારિત અદોમના લોકો પર તે કેવી વીંઝાય છે તે જોજો.

6 પ્રભુની તલવાર જાણે કે હલવાન અને બકરાના લોહીમાં તરબોળ થઈ છે અને તેના પર જાણે કે મૂત્રપિંડની ચરબી જામી છે. કારણ, પ્રભુએ બોસ્રાહમાં મોટો યજ્ઞ કર્યો છે અને અદોમમાં તેમણે લોકની ભારે ક્તલ ચલાવી છે.

7 જંગલી આખલા, વાછરડા અને પુખ્ત ગોધાની જેમ લોકોની ક્તલ થશે. તેમનો પ્રદેશ લોહી લોહી થઈ જશે અને તેમની ભૂમિ ચરબીથી લથબથ થઈ જશે

8 એ તો સિયોનના પક્ષની હિમાયત કરી તેના દુશ્મનો પર વૈર વાળવાનો પ્રભુનો દિવસ હશે.

9 અદોમની નદીઓ ડામરમાં અને તેની ધૂળ ગંધકમાં ફેરવાઈ જશે. આખો દેશ બળતા ડામર જેવો થશે.

10 તે રાતદિવસ બળ્યા જ કરશે અને તેનો ધૂમાડો સતત ઉપર ચડયા કરશે. દેશ કાયમને માટે વેરાન થશે અને કોઈ તેમાં થઈને મુસાફરી કરશે નહિ.

11 તે બગલા અને શાહુડીનું વતન થશે. ત્યાં ધુવડ તથા જંગલી કાગડા વસશે. પ્રભુ અદોમ પર અંધાધૂંધીની માપદોરી અને વેરાનનો ઓળંબો લંબાવશે.

12 ત્યાં રાજસત્તાને જાહેર કરનારા કોઈ અમીર ઉમરાવો નહિ હોય. વળી, સર્વ રાજદરબારીઓનો લોપ થશે.

13 તેના રાજગઢો પર કાંટા અને કિલ્લાઓ પર ઝાંખરાં ઊગી નીકળશે અને તેઓ શિયાળવાંની બોડ અને શાહમૃગોનો વાસ બની જશે.

14 ત્યાં જંગલી પ્રાણીઓ અને વરુઓનો ભેટો થશે અને જંગલી બકરા સામસામે બેંબેં કરશે. નિશાચરો ત્યાં વાસો કરશે અને તે તેમનું વિરામસ્થાન બની રહેશે.

15 ધુવડો ત્યાં માળા બાંધશે, ઈંડાં સેવશે અને બચ્ચાંને પોતાની પાંખો નીચે સંભાળશે. વળી, સમડીઓ પણ પોતાના સાથીસહિત ત્યાં એકઠી થશે.

16 પ્રભુના પુસ્તકમાં શોધ કરીને વાંચો: ત્યાં આ પ્રાણીઓમાંથી એકેય ખૂટતું નહિ હોય અને એમાંનું એકેય પોતાના સાથી વગરનું નહિ હોય. કારણ, પ્રભુએ એવી આજ્ઞા કરી છે. તે પોતાના સામર્થ્યથી તેમને એકઠાં કરશે.

17 પ્રભુએ દરેકને તેનો ભાગ નક્કી કરી આપ્યો છે; તેમણે પોતાને હાથે દોરીથી માપીને જમીનના ભાગ પાડી આપ્યા છે. તેઓ હરહંમેશા એ દેશનું વતન ભોગવશે અને તેમાં તેઓ વંશાનુવંશ વાસો કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan