યશાયા 33 - પવિત્ર બાઇબલ C.L.મદદ માટે પ્રાર્થના 1 હે વિનાશક, તારી કેવી દુર્દશા થશે! તારો પોતાનો વિનાશ થયો નથી. હે દગાખોર, હજી તને દગો દેખાયો નથી. તું વિનાશ કરી રહે એટલે તારો વિનાશ કરાશે. તારી દગાખોરી પૂરી થાય એટલે તને દગો દેવાશે. 2 હે પ્રભુ, અમારા પર દયા કરો; અમારી આશા તમારા પર છે. તમે રોજરોજ અમારું સામર્થ્ય બનો અને સંકટના સમયથી અમારો બચાવ કરો. 3 તમે અમારે પક્ષે લડવા તૈયાર થશો ત્યારે તમારી ગર્જનામાત્રથી લોકો ભાગી જશે અને પ્રજાઓ વેરવિખેર થઈ જશે. 4 જુવાન તીડોનાં ટોળાં પાક પર ઊતરી પડીને તેને સફાચટ કરી નાખે તેમ હે પ્રજાઓ, તમારી માલમિલક્ત તરાપ મારી લૂંટી લેવાશે. 5 પ્રભુ સર્વોપરી છે અને તે પરમધામમાં વસે છે. સિયોનને તે ઈન્સાફ અને સદાચારથી ભરપૂર કરશે. 6 તે સર્વ સમયે પોતાના લોકનો અડગ આધાર બની રહેશે. તે તેમને માટે ઉદ્ધાર, જ્ઞાન અને ડહાપણનો સમૃદ્ધ ખજાનો બની રહેશે. પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ એ જ તેમનો ખજાનો છે. 7 શૂરવીરો શેરીઓમાં મોટે સાદે વિલાપ કરે છે. સલાહશાંતિ માટે પ્રયાસ કરનારા રાજદૂતો હૈયાફાટ રુદન કરે છે. 8 રાજમાર્ગો સૂમસામ બન્યા છે, રસ્તાઓ પર કોઈ મુસાફરી કરતું નથી. કરારનો ભંગ કરાયો છે, તેના સાક્ષીઓની ઉપેક્ષા કરાઈ છે, અને કોઈનું માન જાળવવામાં આવતું નથી. 9 દેશ સુકાઈને વેરાન થયો છે. લબાનોનની વનરાજી લજ્જિત થઈ ચીમળાઈ ગઈ છે. શારોનની ફળદ્રુપ ખીણ રણપ્રદેશ જેવી બની છે. બાશાન અને ર્કામેલ પર્વત પરનાં વૃક્ષોનાં પાંદડાં ખરી પડયાં છે. દુશ્મનોને ચેતવણી 10 પ્રભુ કહે છે, “હવે હું ઊભો થઈશ. હું પોતાને ઊંચો કરીશ. હું હવે મોટો મનાઈશ.” 11 તમે વ્યર્થ યોજનાઓ ઘડો છો અને કશું સિદ્ધ કરી શક્તા નથી. મારો શ્વાસ અગ્નિની માફક તમારો નાશ કરશે. 12 તમને ભઠ્ઠીમાંના ચૂનાની જેમ તપાવવામાં આવશે અને સોરી નાખેલા કાંટાની જેમ તમને બાળી નાખવામાં આવશે. 13 હે દૂરદૂરના લોકો, તમે મારા પરાક્રમી કામો વિષે સાંભળો! ઓ નજીક વસતા લોકો તમે તેનો પરચો કરો! 14 સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?” 15 જે માણસ સદાચારને માર્ગે ચાલે છે, જે સાચું બોલે છે, જે ગરીબો પરના જોર જુલમથી મળતો લાભ નકારે છે, જે લાંચ સ્વીકારવાથી પોતાનો હાથ પાછો રાખે છે, જે હિંસાની વાત ન સાંભળવી પડે માટે પોતાના કાન બંધ કરી દે, જે ભૂંડાઈના પ્રપંચ તરફ પોતાની આંખો મીંચી દે છે એવો જ માણસ વાસો કરી શકશે. 16 એવો માણસ જ્યાં અખૂટ ખોરાક પાણીનો જથ્થો સંઘરેલો હોય તેવા પર્વતની ટોચે આવેલા કિલ્લાની સલામતી પામશે. મહિમાવંત ભવિષ્ય 17 તારી આંખો રાજાને તેના વૈભવમાં જોશે; તેઓ દૂરદૂર સુધી વિસ્તરેલા તેના દેશને જોશે. 18 ભૂતકાળના ભયની વાતોના તને વિચાર આવશે: ખંડણીની આકારણી કરનાર મુખ્ય અધિકારી હવે ક્યાં છે? તોલ કરી ખંડણીની વસૂલાત કરનાર ક્યાં છે? બુરજોની ગણતરી કરનાર જાસૂસો ક્યાં છે? 19 હવેથી તું તોતડી જબાનના અને અકળ અને અજાણી ભાષા બોલનાર તુમાખીખોર લોકને જોવા પામશે નહિ. 20 આપણા ધાર્મિક ઉત્સવોની નગરી સિયોનને નિહાળ! તારી આંખો યરુશાલેમને, સહીસલામત વસવાટના સ્થાનને જોશે. એ તો કદી ન ખસેડાનાર તંબુ જેવું છે કે જેની મેખો કદી ઉખેડાશે નહિ અને જેનાં દોરડાં તોડી નંખાશે નહિ. 21 ત્યાં પ્રભુ આપણી સમક્ષ પોતાનો મહિમા પ્રગટ કરશે. એ તો મોટી નદીઓ અને ઝરણાંનું સ્થળ બની રહેશે. પણ ત્યાં હલેસાંવાળી હોડીઓ કે મોટાં વહાણો આવશે નહિ. 22-23 એ વહાણોનાં દોરડાં એવાં તો ઢીલાં થઈ જશે કે તેઓ ડોલક્ઠીને જકડી રાખી શકશે નહિ અને સઢ પ્રસારી શકશે નહિ. (પ્રભુ આપણા ન્યાયાધીશ અને નિયમદાતા છે; તે આપણા રાજા અને ઉદ્ધારક છે.) તેથી આપણે લૂંટ વહેંચી લઈશું. લૂંટ એટલી અઢળક હશે કે લંગડાને પણ તેનો ભાગ મળશે. 24 આપણા દેશનો કોઈ રહેવાસી પોતે બીમાર છે એવી ફરિયાદ કરશે નહિ અને ત્યાં વસતા સઘળા લોકોનાં બધાં પાપ માફ કરાશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide