યશાયા 32 - પવિત્ર બાઇબલ C.L.નીતિમાન રાજા 1 જુઓ, એક એવો સમય આવશે જ્યારે નીતિમત્તાથી રાજ ચલાવનાર એક રાજા આવશે. તેના અમલદારો ન્યાયપૂર્વક અમલ ચલાવશે. 2 તેમનામાંનો પ્રત્યેક પવનથી સંતાવાની જગ્યા અને તોફાનની સામે ઓથા જેવો હશે. તે રણપ્રદેશમાં વહેતા ઝરણા જેવો અને વેરાન તથા નિર્જળ પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે. 3 ત્યારે જોનારાની આંખો બંધ કરી દેવાશે નહિ અને સાંભળનારાના કાન સરવા થશે. 4 અધીરા મનના માણસો જ્ઞાનની સમજણ મેળવશે અને તોતડી જબાનવાળો ઝડપથી અને સ્પષ્ટપણે બોલશે. 5 મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ અથવા ધૂર્તનું કોઈ સન્માન કરશે નહિ. 6 કારણ, મૂર્ખ મૂર્ખાઈની વાત કરે છે અને તેનું મન અધર્મ આચરવામાં ચોંટેલું છે. તે દુરાચાર કરે છે અને પ્રભુ વિષે વિપરીત વાતો ફેલાવે છે. તે ભૂખ્યાને ભોજનથી વંચિત રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી. 7 ધૂર્તની કાર્યપદ્ધતિય કુટિલ હોય છે. તે જૂઠથી ગરીબનો નાશ કરવા અને કંગાલોને તેમના યથાર્થ હક્કોથી વંચિત રાખવા પ્રપંચ કરે છે. 8 પણ ઉમદા માણસ ઉમદા યોજનાઓ ઘડે છે અને તે પોતાનાં ઉમદા કાર્યોથી ટકી રહે છે. ન્યાયશાસન અને પુન: સ્થાપના 9 ઓ સંતુષ્ટ સ્ત્રીઓ, ઊઠો, મારી વાણી સાંભળો! ઓ બેદરકાર પુત્રીઓ, મારું કહેવું સાંભળો! 10 હમણાં તમે સહીસલામતી અનુભવો છો, પણ આવતે વર્ષે આ સમયે તમે ધ્રૂજવા માંડશો. કારણ, દ્રાક્ષનો પાક નિષ્ફળ જવાનો છે; એટલે, દ્રાક્ષો વીણવાનો સમય આવશે નહિ. 11 ઓ સંતુષ્ટ સ્ત્રીઓ ધ્રૂજી ઊઠો! ઓ બેદરકાર પુત્રીઓ, ભયથી કાંપી ઊઠો! તમારાં વસ્ત્રો કાઢીને કમરે કંતાન વીંટો. છાતી કૂટીને રુદન કરો; 12 કારણ, ફળદ્રુપ ખેતરો અને દ્રાક્ષવાડીઓનો નાશ થયો છે. 13 મારા લોકના દેશમાં કાંટા-ઝાખરાં ઊગી નીકળ્યાં છે. ઉલ્લાસી નગરમાં એકવાર બધાં ઘરકુટુંબો સુખશાંતિમાં હતાં; પણ હવે એવાં રહ્યાં નથી. તેથી શોકવિલાપ કરો. 14 કારણ, રાજમહેલ સૂમસામ બની જશે અને ધમધમતું પાટનગર નિર્જન બની જશે. સંરક્ષણ માટેનો કિલ્લો અને ચોકીનો બુરજ કાયમનાં ખંડિયેર બની જશે. ત્યાં જંગલી ગધેડાં આનંદથી ફરશે અને ઘેટાંબકરાં ચરશે. 15 પણ ઈશ્વર ફરી એકવાર ઉપરથી પોતાનો આત્મા રેડી દેશે અને રણપ્રદેશ ફળદ્રુપ જમીન બની જશે અને ફળદ્રુપ જમીન વન સરખી બની જશે. 16 રણપ્રદેશ હોય કે ફળદ્રુપ પ્રદેશ હોય પણ સમગ્ર દેશમાં ન્યાયનીતિ પ્રવર્તશે. 17 ન્યાયનીતિને પરિણામે કલ્યાણ અને તેની અસરથી કાયમી નિરાંત અને સહીસલામતી પ્રવર્તશે. 18 ઈશ્વરના લોક શાંતિદાયક નિવાસોમાં, સલામત આવાસોમાં અને સ્વસ્થ આરામસ્થાનોમાં રહેશે. 19 (જો કે કરા પડવાથી વન પાયમાલ થશે અને નગર જમીનદોસ્ત થઈ જશે.) તમે કેવા સુખી થશો! 20 કારણ, તમે પ્રત્યેક ઝરણાના પાણીવાળા પ્રદેશમાં અનાજ વાવશો અને તમારાં ગધેડાં અને ઢોરઢાંકને પણ ચરવા માટે છૂટાં મૂકી શકશો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide