યશાયા 31 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વર યરુશાલેમનું રક્ષણ કરશે 1 ઇજિપ્તની મદદ માટે દોડી જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ ઇજિપ્તના ઘોડાઓ પર આધાર રાખે છે અને તેમના પુષ્કળ રથો અને સમર્થ ઘોડેસ્વારો પર ભરોસો રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પ્રભુ તરફ મીટ માંડતા નથી, કે તેમની મદદ માગતા નથી. 2 તેમ છતાં પ્રભુ જ્ઞાની છે અને તેથી પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તે દુષ્ટોનાં સંતાનો પર તેમ જ ભૂંડાઈ આચરનારાઓ પર આફત ઉતારે છે. તે શિક્ષા કર્યા વિના રહેતા નથી. 3 ઇજિપ્તીઓ પણ માણસો જ છે, દેવો નહિ. તેમના ઘોડા ય પાર્થિવ દેહના છે; તે કંઈ અલૌકિક નથી. પ્રભુ પોતાનો હાથ ઉગામશે ત્યારે સહાય કરનારાઓ ઠોકર ખાશે અને મદદ મેળવનારાઓનું પતન થશે. બલ્કે, તેઓ સૌ એક સાથે નષ્ટ થઈ જશે. 4 પ્રભુએ મને કહ્યું, “સિંહ પોતાના પકડેલા શિકાર પર ધૂરક્તો હોય ત્યારે ઘણા ભરવાડોને એકઠા કરવામાં આવે તો તેમના બુમાટાથી કે હોકારાથી સિંહ ગભરાઈ જતો નથી. તેવી જ રીતે સર્વસમર્થ પ્રભુ સિયોનના રક્ષણાર્થે તેના શિખર પર ઊતરી આવતાં કોઈથી રોકાશે નહિ. 5 જેમ પક્ષી પાંખો પ્રસારી બચ્ચાનું રક્ષણ કરે છે તેમ હું સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ પર આચ્છાદન કરીને તેનો બચાવ કરીશ અને તેની વહારે આવીને તેનું રક્ષણ કરીશ.” 6 પ્રભુએ કહ્યું, “હે ઇઝરાયલના લોકો, તમે મારી વિરુદ્ધ ભારે બંડ કર્યું છે. પણ હવે મારી પાસે પાછા આવો! 7 એ સમયે તમે સૌ તમારા પાપી હાથે બનાવેલી સોનાચાંદીની મૂર્તિઓને ફેંકી દેશો. 8 આશ્શૂર તરવારનો ભોગ થઈ પડશે. પણ માનવી હાથે તેનો નાશ થશે નહિ. આશ્શૂરીઓ લડાઈમાંથી નાસી જશે અને તેમના યુવાનોની પાસે વેઠ કરાવવામાં આવશે. 9 તેમના ગઢ સમો તેમનો રાજા ભયનો માર્યો નાસી જશે. તેમના લશ્કરી અધિકારીઓમાં એવો આતંક ફેલાશે કે તેઓ યુદ્ધનો વજ પડતો મૂકીને ભાગી જશે.” સિયોનમાં જેમનો અગ્નિ છે અને યરુશાલેમ જેમની ભઠ્ઠી છે એવા પ્રભુ આ બોલ્યા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide