યશાયા 30 - પવિત્ર બાઇબલ C.L.ઇજિપ્ત પર નિરર્થક આધાર 1 પ્રભુ કહે છે, “હઠીલી પ્રજાની તો દુર્દશા થશે! તેઓ યોજનાઓ ઘડે છે, પણ તે મારી ઇચ્છા મુજબની નથી. તેઓ સંધિકરારો કરે છે, પણ તે મારા આત્માએ પ્રેરેલા નથી. એમ કરીને તેઓ પાપ પર પાપનો ગંજ ખડક્યે જાય છે. 2 મને પૂછયા સિવાય તેઓ સંરક્ષણ માટે ઇજિપ્તના રાજા ફેરો પાસે અને આશરો લેવા ઇજિપ્તની છાયામાં દોડયા જાય છે. 3 પણ ફેરો રાજાનું રક્ષણ મેળવવા જતાં તેમણે લજ્જિત થવું પડશે અને ઇજિપ્તની છાયા અપમાનમાં પરિણમશે. 4 યહૂદિયાના અમલદારો ઇજિપ્તના શહેર સોઆનમાં અને તેમના રાજદૂતો હાનેસ શહેરમાં પહોંચી ગયા છે. 5 પણ મદદમાં ન આવે એવા લોકને લીધે તેઓ સૌએ શરમાવું પડશે. એ લોકો તરફથી કંઈ લાભ કે મદદ તો નહિ, પણ માત્ર શરમિંદગી અને અપમાન જ મળશે.” 6 ઈશ્વરનો સંદેશ દક્ષિણના રણપ્રદેશનાં પ્રાણીઓ વિષેનો છે: જ્યાં સિંહ, ઝેરી નાગ અને ઊડતા સર્પ હોય છે એવા વિકટ અને સંકટવાળા પ્રદેશમાં થઈને રાજદૂતો જાય છે. જેની મદદ બિલકુલ વ્યર્થ છે એવા નિરુપયોગી દેશ ઇજિપ્ત માટે તેઓ ગધેડાંની પીઠ પર પોતાની સમૃદ્ધિ અને ઊંટની ખૂંધ પર પોતાનો ખજાનો લઈ જાય છે. 7 ઇજિપ્તની મદદ નકામી છે. એ માટે તો મેં ઇજિપ્તનું નામ ‘નિષ્ક્રિય રાહાબ’ પાડયું છે. નિરાધીન લોકો 8 પ્રભુએ મને કહ્યું, “હવે તું જઈને લોકો કેવા દુષ્ટ છે તે તેમની રૂબરૂમાં આ બધું એક પાટી પર લખ અને પુસ્તકમાં નોંધી લે; જેથી તે ભવિષ્યમાં કાયમી સાક્ષી તરીકે કામ લાગે.” 9 આ લોકો તો બંડખોર, જૂઠાબોલા અને પ્રભુની શિખામણની ઉપેક્ષા કરનારા છે. 10 તેઓ દષ્ટાઓને કહે છે, “હવેથી સંદર્શનો જોશો નહિ.” તેઓ સંદેશવાહકોને કહે છે, “તમે અમને સાચો સંદેશ જણાવશો નહિ. અમને તો માત્ર મનગમતી વાતો કહો અને અમારાં ભ્રામક દર્શનો વિશે જ કહો. 11 તમે અમારા માર્ગમાંથી ખસી જાઓ અને વચ્ચે આડે આવશો નહિ. અમારી આગળ ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને પ્રગટ કરવાનું બંધ કરો.” 12 તેથી ઇઝરાયલના પવિત્ર ઈશ્વર આ પ્રમાણે કહે છે: “તમે મારા સંદેશને અવગણ્યો છે અને જુલમ તથા કપટ પર આધાર રાખ્યો છે.” 13 એ અપરાધને કારણે તમારી હાલત મોટી તિરાડવાળી અચાનક તૂટી પડતી ઊંચી દીવાલ જેવી થશે. 14 માટીના કોઈ પાત્રને ભાગી નાખવામાં આવે અને એના એવા ચૂરેચૂરા થઈ જાય કે એના ઠીકરાથી ચૂલામાંથી અંગારોયન લઈ શકાય કે પાણીના ટાંકામાંથી પાણી પણ કાઢી ન શકાય તેવી અમારી દશા થશે. 15 ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ લોકોને કહે છે, “પાછા ફરો અને સ્વસ્થ રહો તો તમે સલામત રહેશો. શાંત રહો અને વિશ્વાસ રાખો તો તમને સામર્થ્ય પ્રાપ્ત થશે.” પણ તમે તેમ કરવા ઈન્કાર કર્યો છે. 16 એને બદલે તમે કહ્યું, “ના, ના, અમે તો ઘોડા પર બેસી ભાગી જઈશું.” તેથી તમારે ભાગી જવાનું જ થશે. વળી, તમે કહ્યું, “અમે જલદ ઘોડા પર સવારી કરી નાસી જઈશું.” તેથી તમારો પીછો કરનારાઓની ઝડપ તેથી ય વિશેષ હશે. 17 દુશ્મનના એક સૈનિકની ધમકીમાત્રથી તમારામાંના હજાર નાસી જશે અને તેમના પાંચ સૈનિકોની ધમકીથી તમે બધા નાસી જશો. પર્વતની ટોચે તમારા લશ્કરી વજની રોપેલી ક્ઠી અને ટેકરી પરની વજા સિવાય કોઈ રહેશે નહિ. 18 છતાં પ્રભુ તમારા પર દયા કરવાને આતુર છે અને તમારા પર કરુણા દાખવવા તત્પર છે. કારણ, તે ન્યાયી ઈશ્વર છે અને જેઓ તેમની અપેક્ષા સેવે છે તેવા સૌને ધન્ય છે. ઈશ્વરની આશિષ 19 હે યરુશાલેમમાં વસતા સિયોનના લોકો, તમારે ફરીથી રડવું પડશે નહિ. તમે મદદને માટે ઈશ્વરને પોકાર કરશો એટલે તે તમારા પર દયા દાખવશે. તમારું સાંભળીને તે તમને તરત જ જવાબ આપશે. 20 પ્રભુ તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપશે. છતાં એવા સમયોમાં તમારો શિક્ષક સંતાયેલો રહેશે નહિ, પણ તે તમારી આંખોની સામે જ રહેશે. 21 જ્યારે તમે માર્ગમાંથી હટીને જમણી કે ડાબી તરફ ફરશો ત્યારે તરત જ તમે પાછળથી તેમનો અવાજ સાંભળશો: “માર્ગ આ છે; તેના પર ચાલો.” 22 તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિઓને અશુદ્ધ ગણી ગંદા ચીંથરાની જેમ ફેંકી દેશો. તમે બૂમ પાડશો, “મારાથી દૂર થા!” 23 તમે જમીનમાં બીજની વાવણી કરશો ત્યારે પ્રભુ તેને ઉગાડવા માટે વરસાદ વરસાવશે અને જમીનમાંથી પૌષ્ટિક અને મબલક પાક પેદા થશે. તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરિયાણમાં ચરશે. 24 તમારાં ખેતર ખેડનારા બળદો અને ગધેડાં સલૂણો અને સારી રીતે ઉપણેલો ઉત્તમ ચારો ખાશે. 25 એ દિવસે તમારા દુશ્મનોના કિલ્લા તોડી પડાશે અને તેમની ક્તલ થશે. તે દિવસે પ્રત્યેક ઊંચા પર્વત પરથી અને પ્રત્યેક ડુંગર પરથી પાણીનાં ઝરણાં વહેવા માંડશે. 26 ચંદ્રનો પ્રકાશ સૂર્યના જેટલો થશે અને સૂર્યનો પ્રકાશ સાત દિવસના પ્રકાશ જેટલો મોટો થશે. પ્રભુ પોતાના લોકના ઘા પર પાટો બાંધશે અને તેમને પડેલા જખમ સાજા કરશે તે સમયે એવું થશે. ઈશ્વર આશ્શૂરને સજા કરશે 27 જુઓ, પ્રભુ પોતે દૂરથી આવતા દેખાય છે. તેમનો ક્રોધ ભભૂકી રહ્યો છે અને ધૂમાડાના ગોટેગોટા ઊડી રહ્યા છે. તેમના હોઠ રોષે ભરેલા છે અને તેમની જીભ ભરખી જતી અગ્નિની જ્વાળા જેવી છે. 28 તેમનો શ્વાસ ગળા સુધી પહોંચતા ધસમસતા પ્રવાહ જેવો છે. તે પ્રજાઓને વિનાશની ચાળણીમાં ચાળે છે અને લોકો ભ્રમણામાં પડી જાય તેવી લગામ તેમના જડબાંમાં ઘાલે છે. 29 પવિત્ર પર્વની રાત્રે ગીત ગાતા હો તેમ તમે આનંદથી ગાશો. વીણાના સંગીત સાથે ઇઝરાયલના ખડક સમા રક્ષક પ્રભુના મંદિરના પર્વતે જતી વેળાએ વાંસળી વગાડતા લોકની જેમ તમારાં હૃદય આનંદથી છલકાશે. 30 પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે. 31 પ્રભુનો અવાજ સાંભળતાં આશ્શૂર થરથરી જશે અને પ્રભુના રાજદંડથી તેમના પર પ્રહાર થશે. 32 આશ્શૂરીઓ સામેની લડાઈમાં પ્રભુ પોતાને હાથે તેમને સજાની સોટી ફટકારશે અને આશ્શૂરીઓ પર થતા પ્રભુના પ્રત્યેક પ્રહાર સાથે ખંજરી અને વીણાના નાદ ગાજી ઊઠશે. 33 આશ્શૂરના રાજાને અગ્નિદાહ દેવા ઘણા સમયથી તોફેથ (દહનસ્થાન) તૈયાર છે. ત્યાં અગ્નિ બળ્યા કરે છે. તેની ચિતા ઊંડી અને પહોળી છે અને તેમાં પુષ્કળ લાકડાં સીંચેલાં છે. પ્રભુનો શ્વાસ સળગતા ગંધકના પ્રવાહની જેમ તેને પેટાવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide