યશાયા 3 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમમાં અંધાધૂંધી 1 હવે જુઓ, પ્રભુ, સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ અને યહૂદિયા પાસેથી બધો પુરવઠો અને બધો ટેકો લઈ લેશે. તે તેમનાં ખોરાકપાણી, 2 શૂરવીરો, સૈનિકો, રાજ્યર્ક્તાઓ, સંદેશવાહકો, જોષીઓ, વડીલો, 3 લશ્કરી અફસરો અને વહીવટી અધિકારીઓ, રાજનીતિજ્ઞો અને ચતુર જાદુગરોને લઈ લેશે. 4 પ્રભુ છોકરાંને તેમના આગેવાનો બનાવશે અને નાદાનો તેમના પર રાજ કરશે. 5 લોકો એકબીજા પર અને દરેક જણ પોતાના પડોશી પર જુલમ ગુજારશે. યુવાનો વડીલોનો આદર નહિ રાખે અને હલકા માણસો પ્રતિષ્ઠિત માણસોનું સન્માન રાખશે નહિ. 6 એ સમયે માણસ પોતાના જ કોઈ ગોત્રબધુંને પકડીને કહેશે, “તારી પાસે વસ્ત્ર છે તેથી તું અમારો આગેવાન થા અને પાયમાલ થઈ ગયેલા કુટુંબનો કારભાર ચલાવ.” 7 પણ તે જવાબ આપશે, “ના, ના, હું નિરુપાય છું. મારી પાસે નથી ખોરાક કે નથી વસ્ત્રો. મને તમારો આગેવાન બનાવશો નહિ!” 8 કારણ, યરુશાલેમ પાયમાલ થવા બેઠું છે! યહૂદિયાની પડતી થઈ છે! તેમનાં વાણી અને કાર્યો પ્રભુની વિરુદ્ધ થયાં છે. તેઓ ખુલ્લેઆમ ઈશ્વરની સામા પડે છે. 9 તેમના ચહેરા પરનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. તેઓ પોતાનું પાપ સંતાડતા નથી, પણ સદોમની માફક તેનું પ્રદર્શન કરે છે. તેમની કેવી દુર્દશા થશે! તેમણે જાતે જ આપત્તિ વહોરી લીધી છે. 10 ન્યાયપૂર્વક વર્તનારાઓને ધન્ય છે, તેમનું કલ્યાણ થશે. તેઓ પોતાનાં કર્મોનું પ્રતિફળ માણશે. 11 પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે. 12 વ્યાજખોરો મારા લોક પર જુલમ ગુજારે છે અને ધીરધાર કરનારા તેમને છેતરે છે. હે મારા લોકો, તમારા આગેવાનોએ તમને ગેરમાર્ગે દોર્યા છે, તેથી તમારે કયે માર્ગે જવું તે તમે જાણતા નથી. પ્રભુનો ન્યાય 13 પ્રભુએ અદાલતમાં કેસ હાથ ધર્યો છે. તે પોતાના લોકોનો ન્યાય કરવા તૈયાર થયા છે. 14 પ્રભુ પોતાના લોકોના વડીલો અને અધિકારીઓ વિરુદ્ધ ચુકાદો આપે છે: “તમે મારી દ્રાક્ષવાડી ભેલાડી મૂકી છે અને ગરીબોને લૂંટીને તમે તમારાં ઘર ભર્યાં છે. 15 મારા લોકને કચડવાનો અને ગરીબોનું શોષણ કરવાનો તમને શો અધિકાર છે?” પ્રભુ, સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે. યરુશાલેમની સ્ત્રીઓને ચેતવણી 16 પ્રભુ કહે છે, “સિયોન એટલે યરુશાલેમની સ્ત્રીઓ કેવી ઘમંડી છે! તેઓ ઊંચી ડોક રાખીને, લોભામણી આંખોથી મિચકારા મારતી ઝાંઝરના ઝમકાર સાથે લટકમટક ચાલે છે. 17 પણ હું તેમને શિક્ષા કરીશ. હું તેમના માથામાં ઘારાં પાડીશ અને તેમને બોડી બનાવી દઈશ.” 18 તે દિવસે પ્રભુ સિયોનની સ્ત્રીઓ પાસેથી તેમણે સજેલો સઘળો શણગાર આંચકી લેશે; એટલે, કલ્લાં, શિરબંધો, ગળાના હારો; 19 લટકણિયાં, કંકણો, ધૂમટા, 20 મુગટો, ઝાંઝરો, કંઠીઓ, અત્તરની શીશીઓ, માદળિયાં, 21 વીંટીઓ, નાકની વાળીઓ, 22 કીમતી વસ્ત્રો, ઝભ્ભા, શાલો, બટવા. 23 દર્પણો, મુલાયમ બારીક વસ્ત્રો, માથે બાંધવાના પટકા અને બુરખા લઈ લેશે. 24 ત્યારે સુગંધને બદલે દુર્ગંધ હશે; મુલાયમ કમરપટ્ટાને બદલે દોરડું હશે; ગૂંથેલા કેશને બદલે ટાલ હશે; કીમતી વસ્ત્રોને બદલે ચીંથરાં હશે અને સૌંદર્યને બદલે કલંક હશે! 25 તમારા પુરુષો તલવારની ધારે માર્યા જશે, અને તમારા યોદ્ધાઓ યુદ્ધમાં ખપી જશે. 26 શહેરના દરવાજા શોકવિલાપ કરશે, બલ્કે તે ઉજ્જડ બની જમીનદોસ્ત થઈ જશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide