Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 29 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમની દુર્દશા

1 અરે, વેદી, ઈશ્વરની વેદી યરુશાલેમ! તારું આવી બન્યું જાણ! હે દાવિદની છાવણીના નગર! તારી દુર્દશા થવાની છે! વર્ષોવર્ષ પર્વોત્સવનું ચક્ર ચાલ્યા કરે છે.

2 પણ હવે ઈશ્વર તારા પર આપત્તિ મોકલવાના છે. તારે ત્યાં શોક તથા વિલાપ થઈ રહેશે, મારી સમક્ષ તું રક્તભીની વેદીના જેવું બની જશે.

3 ઈશ્વર તારી આસપાસ છાવણી નાખશે. તે બુરજો બાંધી તને ઘેરો ઘાલશે અને તારી સામે મોરચા ઊભા કરશે.

4 તને નીચું પાડી નાખવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે. તું ધૂળમાંથી ગણગણશે. ધરતીમાંથી ભૂતના સાદ જેવો તારો સાદ સંભળાશે અને ધૂળમાંથી તારો ધીરો અવાજ આવશે.

5 હે યરુશાલેમ, તારા પર આક્રમણ કરનારા પરદેશીઓનાં ધાડાં બારીક ધૂળની જેમ અને ઘાતકી લશ્કરો ફોતરાંની જેમ ઊડી જશે. ત્યારે એકાએક ક્ષણભરમાં

6 સર્વસમર્થ પ્રભુ તારી વહારે ધાશે. તે આવશે ત્યારે મેઘગર્જના, ધરતીકંપ, ભારે અવાજ, આંધી અને તોફાન થશે અને ભરખી જનાર અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઊઠશે.

7 ત્યારે ઈશ્વરની વેદી સમા યરુશાલેમ નગર સામે ઝઝૂમતી અને તેના કિલ્લાઓને ઘેરી લઈ ભીંસમાં લેતી સર્વ પ્રજાઓનાં લશ્કરો એમના બધા શસ્ત્રસરંજામ સહિત સ્વપ્નની જેમ અને રાતના આભાસની જેમ અદશ્ય થઈ જશે.

8 ભૂખ્યો માણસ સ્વપ્નમાં ખાતો હોય પણ જાગી ઊઠે ત્યારે ભૂખ્યો જ હોય અને તરસ્યો માણસ સ્વપ્નમાં પાણી પીતો હોય પણ જાગી ઊઠે ત્યારે તરસ્યો જ હોય તેવી સ્થિતિ સિયોન પર્વત સામે લડવા એકઠી થયેલી બધી પ્રજાની થશે.

9 મૂર્ખાઈ કરો અને મૂર્ખ બનો. આંખો ફોડીને આંધળા બનો. દ્રાક્ષાસવ પીધા વિના પીધેલા બનો. દારૂ પીધા વિના લથડિયાં ખાઓ.

10 પ્રભુએ તમને ઘેનમાં નાખ્યા છે અને તમે ભરઊંઘમાં પડવાની તૈયારીમાં છો. સંદેશવાહકો તમારી આંખો છે, પણ પ્રભુએ તેમને મહોર મારી બંધ કરી દીધી છે. દષ્ટાઓ તમારાં મગજ છે, પણ પ્રભુએ તેમને ઢાંકી દીધાં છે.

11 સંદેશવાહકના દર્શનનો અર્થ તમારાથી છૂપો રખાયો છે. તે મુદ્રાંક્તિ કરેલા લેખ જેવો છે. જો તમે તેને કોઈ શિક્ષિત માણસ પાસે વાંચવા લઈ જાઓ તો તે કહેશે, ‘હું એ વાંચી શકું તેમ નથી. કારણ, તે મુદ્રાંક્તિ કરેલો છે.’

12 જો તમે તેને કોઈ અભણ પાસે વાંચવા લઈ જાઓ તો તે કહેશે, ‘મને વાંચતાં આવડતું નથી!’

13 પ્રભુ કહે છે, “આ લોકો મારું માત્ર મુખના શબ્દોથી ભજન કરવા આવે છે. તેઓ પોતાના હોઠથી મારું સન્માન કરે છે, પણ તેમનું હૃદય મારાથી દૂર હોય છે. તેમની ઉપાસના માત્ર મુખપાઠ કરેલ માનવી નિયમો અને પ્રણાલિકાઓ છે.

14 તેથી હું આ લોકો મધ્યે અવનવાં અદ્‍ભુત કાર્યો કરીને તેમને આશ્ર્વર્યમાં પાડી દઈશ. તેમના જ્ઞાનીઓનું જ્ઞાન નાશ પામશે અને તેમના બુદ્ધિમાનોની હોશિયારી ચાલી જશે.”


ભવિષ્યની આશા

15 ઈશ્વરથી પોતાની યોજનાઓ છુપાવવા ઊંડે ભૂગર્ભમાં ચાલ્યા જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ અંધકારમાં પોતાનાં કામ કરે છે અને એમ વિચારે છે કે, “અમને કોણ જુએ છે? અમે જે કરીએ છીએ તે કોણ જાણવાનું છે?”

16 અરે, આ તો તમારી કેવી આડાઈ છે! શું માટી કુંભારની બરાબર ગણાય? કોઈ કૃતિ પોતાના ર્ક્તાને એમ કહેશે કે, ‘તેં મને બનાવી નથી’ અથવા ઘડો કુંભારને એમ કહેશે કે, ‘તને કંઈ ભાન નથી?’

17 થોડા જ સમયમાં લબાનોનનું ગાઢ જંગલ ફળદ્રુપ ખેતરમાં ફેરવાઈ જશે અને ફળદ્રુપ ખેતર જંગલ બની જશે.

18 એ સમયે બહેરા લોકો વંચાતા પુસ્તકની વાતો સાંભળશે અને આંધળાની આંખો ધૂંધળાપણું અને અંધકારમાં થઈને જોશે.

19 નમ્રજનો ફરીથી પ્રભુમાં આનંદ કરશે અને કંગાલો ઈશ્વરમાં હરખાશે.

20 જુલમગારો અને તુમાખીખોરોનો અંત આવશે. દુષ્ટતા પર જેમની દષ્ટિ મંડાયેલી છે એવા સૌ માર્યા જશે.

21 બીજાઓ પર તહોમત મૂકનારા, નગરપંચમાં બચાવપક્ષે બોલનારને ફાંદામાં ફસાવનારા અને જુઠ્ઠી સાક્ષી પૂરી નિર્દોષને ન્યાયથી વંચિત રાખનારાઓનો ઈશ્વર નાશ કરશે.

22 તેથી અબ્રાહામનો ઉદ્ધાર કરનાર પ્રભુ યાકોબના વંશજોને કહે છે, “હે મારા લોક, હવે તમારે શરમાવાનો વારો આવશે નહિ અને તમારો ચહેરો ફિક્કો પડી જશે નહિ.

23 કારણ, યાકોબનાં સંતાન તેમની વચમાં કરાયેલાં મારાં હાથનાં કાર્યો જોશે ત્યારે તેઓ મારા પવિત્ર નામનું સન્માન કરશે. તેઓ મારો યાકોબના પવિત્ર ઈશ્વર તરીકે સ્વીકાર કરશે અને ઇઝરાયલના ઈશ્વર તરીકે મારો આદરપૂર્વક ડર રાખશે.

24 હઠીલા મનના લોકો સમજશે અને કચકચ કરનારા શિખામણનો સ્વીકાર કરશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan