Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 28 - પવિત્ર બાઇબલ C.L.


ઉત્તરના રાજ્ય ઇઝરાયલને ચેતવણી

1 એફ્રાઈમના ગૌરવી મુગટરૂપ છાકટા નેતાઓની કેવી દુર્દશા થશે! દારૂ પીને ચકચૂર બનેલા લોકની ભવ્ય શોભા સમી રસાળ ખીણને મથાળે આવેલા ફૂલરૂપી સમરૂન નગરનીય કેવી દુર્દશા થશે!

2 પ્રભુની પાસે એક જબરો અને જોરાવર વીરપુરુષ આક્રમણ કરવા તૈયાર છે. તે કરાના તોફાનની જેમ, વિનાશકારી વંટોળની જેમ, ધોધમાર વરસાદની જેમ અને ધસમસતાં ઊભરાતાં પૂરની જેમ તેને જોરથી જમીન પર પછાડશે.

3 એફ્રાઈમના છાકટાઓના ગૌરવરૂપ મુગટ પગ નીચે ખૂંદાશે.

4 અંજીર ઉતારવાની મોસમ પહેલાં પાકેલાં અંજીરને જોતાં જ જેમ કોઈ તોડીને ખાઈ જાય તેમ રસાળ ખીણને મથાળે આવેલા એમની ભવ્ય શોભા સમા ફૂલરૂપી નગરની દશા થશે.

5 તે સમયે સર્વસમર્થ પ્રભુ ઇઝરાયલના બચી ગયેલાઓ માટે મહિમાવંત મુગટ અને સુંદર ફૂલોનો તાજ બનશે.

6 તે ન્યાયાધીશોમાં પ્રામાણિકપણે ન્યાય કરવાની ભાવના પેદા કરશે અને નગરના દરવાજે હુમલો પાછો હઠાવનારાઓ માટે શક્તિનો સ્ત્રોત બની રહેશે.


દારૂડિયા સંદેશવાહકો અને યજ્ઞકારો

7 દ્રાક્ષાસવ પીને લથડિયાં ખાનારા અને શરાબ પીને ગોથાં ખાનારા આ લોકો પણ છે. સંદેશવાહકો અને યજ્ઞકારો દારૂમાં ચકચૂર થઈને લથડિયાં ખાય છે અને શરાબ પીને ગોથાં ખાય છે. સંદેશવાહકો સંદર્શન સમજી ના શકે તેટલા ચકચૂર છે અને યજ્ઞકારો ન્યાય કરી ન શકે તેટલા પીધેલા છે.

8 તેમની મેજો ગંદી ઊલટીથી તરબોળ છે અને ક્યાંયે સ્વચ્છ જગ્યા રહેવા પામી નથી.

9 તેઓ મારે વિષે ફરિયાદ કરતાં કહે છે, “આ કોને શિક્ષણ આપી રહ્યો છે? કોને તેના સંદેશાની જરૂર છે?

10 નાનાં ભૂલકાં, હજી હમણાં જ ધાવણ મૂકાવ્યું હોય તેવાં બાળકોને માટે તે કદાચ યોગ્ય ગણાય. તે આપણને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ ભણાવવા માગે છે.”

11 તેથી જો તમે મારું નહિ સાંભળો તો ઈશ્વર અન્ય ભાષા બોલનાર પરદેશીઓ મારફતે તમને પાઠ ભણાવશે.

12 ઈશ્વર તો તમને કહે છે કે, “આ વિશ્રામસ્થાન છે. હે થાકેલાઓ, તેમાં આવીને આરામ કરો.” પણ તમે તેમનું ય સાંભળવા ઈન્કાર કરો છો.

13 એટલા જ માટે ઈશ્વર તમને અક્ષરે અક્ષર, લીટીએ લીટી અને પાઠ પર પાઠ શીખવશે. તે વખતે તમે ડગલે ને પગલે ઠોકર ખાશો, ઘાયલ થશો, ફસાઈ જશો અને પકડાઈ જશો.


સિયોનનો મુખ્ય પથ્થર

14 તેથી આ લોક પર યરુશાલેમમાં રાજ કરનાર ગર્વિષ્ઠો, આગેવાનો, તમે પ્રભુનો સંદેશ સાંભળો.

15 તમે બડાઈ મારો છો કે અમે તો મરણની સાથે કરાર કર્યો છે અને મૃત્યુલોક શેઓલ સાથે સંધિ કરી છે. વિનાશનો ચાબુક વીંઝાશે ત્યારે તે અમને અડશે નહિ. કારણ, અમે જુઠનો આશ્રય લીધો છે અને અસત્યને અમારો ઓથો બનાવ્યો છે.

16 તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ.

17 હું ન્યાયનો માપવાની દોરી તરીકે અને પ્રામાણિક્તાનો ઓળંબા તરીકે ઉપયોગ કરીશ.” તમારા આશ્રય જૂઠને કરાનું તોફાન ઘસડી જશે અને તમારા ઓથા અસત્ય પર પૂરનાં પાણી ફરી વળશે.

18 મરણ સાથેનો તમારો કરાર તૂટી જશે અને મૃત્યુલોક શેઓલ સાથેની તમારી સંધિ રદ થશે. તમારા પર વિનાશનો ચાબુક વીંઝાશે અને તેના પ્રહારથી તમે પડી જશો.

19 તે દર સવારે, દિવસ અને રાત તમારા પર વારંવાર વીંઝાશે અને દર વખતે તે તમને તેની ઝપટમાં લેશે. એના ભયના ભણકારા માત્રથી તમે ધ્રૂજી ઊઠશો.

20 તમારી સ્થિતિ પેલી કહેવતના માણસ જેવી થશે: પલંગ એટલો ટૂંકો છે કે પગ લાંબા થઈ શકે તેમ નથી અને ચાદર એટલી સાંકડી છે કે ઓઢવા બસ થાય તેમ નથી

21 પ્રભુ જેમ પરાશીમ પર્વત પર અને ગિબ્યોનની ખીણમાં ઝઝૂમવા તૈયાર થઈ ગયા તેમ તે પોતાનું ધારેલું અદ્‍ભુત અને અનોખું કામ પૂરું પાડવા ખડા થઈ જશે.

22 માટે હવે મશ્કરી ઊડાવવાનું બંધ કરો, નહિ તો તમારાં બંધન વધુ દઢ બનાવાશે. સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે સમગ્ર દેશનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે તે અમે સાંભળ્યું છે.


ઈશ્વરનું જ્ઞાન

23 મારું યાનપૂર્વક સાંભળો. મારા કહેવા પર લક્ષ આપો.

24 શું ખેડૂત વાવણી માટે સતત ખેડયા કરે છે? શું માટીનાં ઢેફાં ભાગવા તે સતત સમાર ફેરવ્યા કરે છે?

25 ખેડેલી જમીન સમતલ કર્યા પછી તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી? એ જ રીતે શું તે ઘઉં અને નિયત ભાગમાં જવ ઓરતો નથી? તે ખેતરના છેડામાં ય અન્ય ધાન્ય વાવતો નથી?

26 ઈશ્વર તેને સલાહસૂચન અને સાચું શિક્ષણ આપે છે.

27 સુવા કંઈ હથોડાથી ઝુડાતું નથી અથવા જીરા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી. સુવા દાંડીથી અને જીરું લાકડીથી ઝુડાય છે.

28 રોટલી બનાવવા ધાન્યને પીસવામાં આવે છે, તેથી કોઈ તેને સતત ઝૂડયા જ કરતું નથી. ધાન્ય છૂટું પાડવા તેના પર ગાડું ફેરવવામાં આવે છે, પણ ગાડે જોડેલા ઘોડા તેનો દળીને લોટ કરી નાખતા નથી.

29 સર્વસમર્થ પ્રભુ પાસેથી આ બધી સમજ પ્રાપ્ત થાય છે. તેમની સલાહસૂચના અદ્‍ભુત અને તેમનું શાણપણ અજબ છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan