યશાયા 27 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુની દ્રાક્ષવાડી 1 તે દિવસે પ્રભુ પોતાની તીક્ષ્ણ, મોટી અને મજબૂત તરવારથી સરકણા અને ગૂંચળું વળી જતા સાપ લિવયાથાનને સજા કરશે અને સમુદ્રમાં રહેતા રાક્ષસી અજગરનો સંહાર કરશે. 2 એ સમયે પ્રભુ પોતાની ફળવંત દ્રાક્ષવાડી સંબંધી ગીત ગાવાનું જણાવતાં કહેશે, 3 “હું પ્રભુ એની રક્ષા કરું છું અને તેને સતત સીંચું છું. કોઈ તેમાં ઉપદ્રવ ન કરે તે માટે હું તેની રાતદિવસ ચોકી કરું છું. 4 મારો તેના પરનો રોષ શમી ગયો છે. હવે જો તેમાં મારા લોકના દુશ્મનરૂપી કાંટાઝાંખરાં ઊગી નીકળે તો તેમની સામે ઝઝૂમીને હું તેમને એકત્ર કરી એક્સાથે બાળી નાખું. 5 પણ જો તેઓ મારું શરણું સ્વીકારે તો તેમણે મારી સાથે સમાધાન કરવું રહ્યું; હા, તેમણે સમાધાન કરવું જ પડે.” 6 તે દિવસે યાકોબના વંશજો, ઇઝરાયલીઓ વૃક્ષની માફક મૂળ નાખશે. તેમને ફૂલ તથા કળીઓ ખીલશે અને તેમનાં ફળથી પૃથ્વી ભરપૂર થશે. સજા અને ક્ષમા 7 પ્રભુએ ઇઝરાયલને તેના દુશ્મનોના જેવો માર માર્યો નથી અને તેમના દુશ્મનો જેવો તેમનો સંહાર કર્યો નથી. 8 ઈશ્વરે પોતાના લોકને દેશવટે મોકલી દઈને તેમને શિક્ષા કરીને અને તેમને પૂર્વના પવનના સપાટે કાઢી મૂક્યા છે. 9 તેથી આ જ રીતે યાકોબના અપરાધનું પ્રાયશ્ર્વિત થશે અને તેમના પાપનિવારણનું આવું પરિણામ આવશે: ઇઝરાયલ બધી વેદીઓ તોડી પાડશે અને તેમના પથ્થરો જાણે ચાકના પથ્થરો હોય તેવો તેમનો બારીક ભૂક્કો કરી નાખશે. અશેરાની મૂર્તિઓ અને ધૂપવેદીઓમાંથી એક કહેતાં એકે ય ઊભી રહેવા દેવાશે નહિ. 10 કિલ્લાવાળું શહેર ઉજ્જડ બન્યું છે. તે તજાયેલા વસવાટ સમું અને નિર્જન રણ જેવું બન્યું છે. ત્યાં વાછરડાઓ ચરે છે અને આરામ કરે છે. 11 તેઓ ડાળીઓ પરનાં બધાં પાંદડાં તોડી ખાય છે. ડાળીઓ સુકાઈ જતાં તેમને ભાગી નાખવામાં આવી છે. સ્ત્રીઓ તેમને એકઠી કરીને બળતણને માટે વાપરે છે. સાચે જ આ લોકો કશું સમજતા નથી. તેથી તેમના સર્જનહાર ઈશ્વર તેમના પર દયા કે સહાનુભૂતિ દાખવશે નહિ. 12 તે દિવસે, જેમ ઘઉં ઉપણીને સાફ કરવામાં આવે છે તેમ પ્રભુ યુફ્રેટિસ નદીથી તે ઇજિપ્તની સરહદ સુધી એક પછી એક બધા ઇઝરાયલીઓને એકત્ર કરશે. 13 તે દિવસે આશ્શૂરમાં સપડાયેલા અને ઇજિપ્તમાં દેશવટો પામેલા બધા ઇઝરાયલીઓને પાછા બોલાવવા રણશિંગડું વગાડવામાં આવશે. તેઓ પાછા આવશે અને યરુશાલેમમાં પવિત્ર પર્વત પર પ્રભુનું ભજન કરશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide