Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 26 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર પોતાના લોકને વિજય અપાવશે

1 તે દિવસે યહૂદિયાના પ્રદેશમાં લોકો નીચેનું ગીત ગાશે: “અમારું શહેર મજબૂત છે! ઈશ્વરે તેના કોટ અને કિલ્લા અમારું રક્ષણ કરવા બાંયા છે.

2 શહેરના દરવાજાઓ ખોલો, અને તેમાં નિષ્ઠાવાન પ્રજા, સદાચારી પ્રજા પ્રવેશ કરે.

3 હે પ્રભુ, દઢ મનથી તમારા પર વિશ્વાસ રાખનારને તમે સંપૂર્ણ શાંતિમાં રાખશો.

4 યાહવે પર સદા ભરોસો રાખો; કારણ, તે હંમેશા આપણું રક્ષણ કરનાર અચળ ખડક છે.

5 તેમણે આલીશાન મકાનોમાં રહેનારાઓને નીચે પાડયા છે. તે તેમના ભવ્ય નગરને પાડી નાખે છે અને તેને ભોંયભેગું કરી ધૂળમાં મેળવી દે છે.

6 તે નગર પગથી ખૂંદાય છે; તે પીડિતો અને કંગાલોના પગ નીચે ખૂંદાય છે.

7 હે પ્રભુ, તમે સદાચારીઓનો માર્ગ સીધો કરો છો અને તેમનો ચાલવાનો રસ્તો સપાટ કરો છો.

8 અમે તમારા નિયમો પ્રમાણે વર્તીને તમારી પ્રતીક્ષા કરીએ છીએ. તમારું નામ અને તમારું સંસ્મરણ એ જ અમારા જીવનની ઝંખના છે.

9 રાત્રે હું મારા પૂરા દયથી તમારી ઝંખના કરું છું અને મારો અંતરાત્મા તમારી આતુરતાથી ઉત્કંઠા રાખે છે. પૃથ્વી અને તેના લોકો વિષેના તમારા ન્યાયચુકાદાઓ પરથી સાચું શું છે તે તેઓ શીખશે.

10 તમે દુષ્ટો પર દયા રાખો છો, છતાં તેઓ કદી સચ્ચાઈથી વર્તવાનું શીખ્યા નથી. અહીં પવિત્ર દેશમાં પણ તેઓ હજી દુષ્ટતા આચરે છે અને પ્રભુના પ્રતાપને લક્ષમાં લેતા નથી.

11 તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.

12 હે પ્રભુ, તમે જ અમારું કલ્યાણ કરો છો; અમારી સર્વ સફળતા તમારા કાર્યનું પરિણામ છે.

13 હે યાહવે, અમારા ઈશ્વર, અમારા પર બીજાઓએ રાજ કર્યું છે. પણ અમે તો માત્ર તમારા જ નામનું સન્માન કરીએ છીએ.

14 હવે તો તેઓ મરી પરવાર્યા છે અને ફરી કદી જીવતા થવાના નથી. તેમના ગયેલા જીવ પાછા આવતા નથી; કારણ, તમે તેમને શિક્ષા કરી છે; તેમનો નાશ કર્યો છે. તમે તેમનું સ્મરણ માત્ર નાબૂદ કર્યું છે.

15 હે પ્રભુ, તમે અમારા દેશમાં પ્રજાની વૃદ્ધિ કરી છે; તમે દેશની સરહદો વિસ્તારી છે, અને એમ તમે તમારો મહિમા પ્રગટ કર્યો છે.

16 હે પ્રભુ, તમારા લોક સંકટને સમયે તમારી ગમ ફર્યા છે. તમે તેમને શિક્ષા કરી ત્યારે તેમણે પોતાના દુ:ખમાં તમને પ્રાર્થના ગુજારી.

17 હે પ્રભુ, જેમ ગર્ભવતી સ્ત્રી પ્રસવવેદનાથી કષ્ટાઈને બૂમો પાડે છે, તેમ અમે પણ તમારી આગળ પોકારનારા થયા છીએ.

18 અમે ગર્ભ ધર્યો હતો, અમે કષ્ટાતા હતા પણ અમે કોઈને જન્મ આપ્યો નથી. અમે અમારા દેશને માટે વિજય મેળવ્યો નથી, તેમ જ દુનિયાના રહેવાસીઓને હરાવી શક્યા નથી.

19 અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.


ન્યાયશાસન અને નવનિર્માણ

20 હે મારા લોક, તમારા ઘરમાં પેસી જઈ તેનાં બારણાં બંધ કરી દો. ઈશ્વરનો કોપ પૂરો થાય ત્યાં સુધી તેમાં સંતાઈ રહો.

21 પૃથ્વીના લોકને તેમના પાપની સજા કરવાને પ્રભુ તેમના આકાશી નિવાસમાંથી આવશે. પૃથ્વી પર થયેલી છૂપી હત્યાઓ પ્રગટ કરાશે અને હવે પછી પૃથ્વી મારી નંખાયેલાઓને સંતાડશે નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan