યશાયા 25 - પવિત્ર બાઇબલ C.L.સ્તુતિનું ગીત 1 હે પ્રભુ, તમે મારા ઈશ્વર છો; હું તમને માન આપીશ અને તમારા નામની સ્તુતિ કરીશ. તમે અદ્ભુત કાર્યો કર્યાં છે અને તમારી પ્રાચીન યોજનાઓ તમે વિશ્વાસુપણે સાચેસાચ પાર પાડી છે. 2 તમે નગરને પથ્થરોનો ઢગલો બનાવી દીધું છે અને કિલ્લેબંધીવાળા નગરને ખંડિયેર કરી દીધું છે. અમારા દુશ્મનોએ બાંધેલા ગઢ હવે નગર તરીકે રહ્યા નથી; તે ફરી ક્યારેય બંધાનાર નથી. 3 સમર્થ પ્રજાઓ તમારી સ્તુતિ કરશે, અને ઘાતકી પ્રજાનાં શહેરોના લોકો તમારો ડર રાખશે. 4 તમે ગરીબોના આશ્રય, દીનદુખિયાના આધાર, તોફાન સામે ઓથો અને તડકામાં છાયા સમા છો. 5 શિયાળાના તોફાનની જેમ અને સુકા પ્રદેશમાંથી વાતા બળબળતા વાયુની જેમ ઘાતકી લોકો અચાનક આક્રમણ કરે છે. પણ હે પ્રભુ, જેમ વાદળની છાયાથી સખત તાપની અસર ઘટી જાય છે તેમ તમે અમારા શત્રુઓને તાબે કર્યા છે. તમે જુલમીઓનો વિજયનાદ શાંત પાડી દીધો છે. ઈશ્વરની મિજબાની 6 સર્વસમર્થ પ્રભુ દુનિયાની બધી પ્રજાઓ માટે સિયોન પર્વત પર મિજબાની તૈયાર કરશે. તેમાં સર્વશ્રેષ્ઠ વાનગીઓ, અત્યુત્તમ માંસાહાર અને સર્વોત્તમ દ્રાક્ષાસવ પીરસવામાં આવશે. 7 બધી પ્રજા પર ફરી વળેલા શોકાવરણને અને વીંટાઈ વળેલા કફનને ત્યાં દૂર કરવામાં આવશે. 8 સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર મૃત્યુનો કાયમને માટે સદંતર નાશ કરશે. તે એકેએક આંખમાંથી આંસુ લૂછી નાખશે અને આખી દુનિયામાંથી પોતાના લોકનું મહેણું દૂર કરશે. આ તો પ્રભુનાં પોતાનાં વચન છે! 9 એ સમયે સૌ કોઈ કહેશે, “જેમને વિષે આપણે આશા સેવેલી કે તે આપણો ઉદ્ધાર કરશે એ આ જ આપણા ઈશ્વર છે. આપણે તેમના પર આશા સેવેલી તે આ જ પ્રભુ છે. તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે માટે આપણે આનંદોત્સવ કરીએ.” મોઆબને થનાર શિક્ષા 10 પ્રભુ પોતાના હાથ પ્રસારી સિયોન પર્વતનું રક્ષણ કરશે. પણ મોઆબના લોકોને તો તે જેમ ઘાસ ઉકરડામાં ખૂંદાય છે તેમ ખૂંદશે. 11 જેમ તરવૈયા પોતાના હાથ ફેલાવે છે તેમ મોઆબના લોકો પણ પોતાના હાથ પ્રસારી બચવા પ્રયાસ કરશે. તેમના હાથની ચપળતા હોવા છતાં ઈશ્વર તેમનો ઘમંડ ઉતારી પાડશે. 12 તે મોઆબના કિલ્લાઓની ઊંચી ઊંચી દીવાલો તોડી પાડશે અને તેમને જમીનદોસ્ત કરી ધૂળમાં મેળવી દેશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide