યશાયા 24 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુ પૃથ્વીને શિક્ષા કરશે 1 જુઓ, પ્રભુ પૃથ્વીને ખાલી કરીને તેને ઉજ્જડ બનાવે છે. તે તેને ઉથલાવીને તેના લોકોને વેરવિખેર કરી નાખે છે. 2 જેવી યજ્ઞકારની તેવી જ લોકોની, જેવી ગુલામની તેવી જ માલિકની, જેવી દાસીની તેવી જ શેઠાણીની, જેવી વેચનારની તેવી જ ખરીદનારની, જેવી લેણદારની તેવી જ દેણદારની, જેવી શ્રીમંતની તેવી જ ગરીબની, સૌની એ જ હાલત થશે. 3 પૃથ્વી તદ્દન ઉજ્જડ અને સફાચટ થઈ જશે. પ્રભુ પોતે એ બોલ્યા છે અને તે જ પ્રમાણે થશે. 4 પૃથ્વી સુકાઈ જાય છે અને ચીમળાઈ જાય છે; આખી દુનિયા ઝૂરીઝૂરીને નિર્બળ થઈ જાય છે. પૃથ્વીની સાથે સાથે આકાશ પણ ક્ષીણ થઈ જાય છે. 5 લોકોએ ઈશ્વરના નિયમનો ભંગ કરીને, તેમના વિધિઓનો અનાદર કરીને અને તેમના કાયમી કરાર વિરુદ્ધ બંડ કરીને પૃથ્વીને ભ્રષ્ટ કરી છે. 6 તેથી ઈશ્વરે આપેલો શાપ પૃથ્વીને ભરખી જાય છે. આમ, પૃથ્વીના રહેવાસીઓ બળીને ભસ્મ થઈ જાય છે. બહુ થોડા લોકો જીવતા રહે છે. 7 નવો દ્રાક્ષાસવ સુકાઈ જાય છે અને દ્રાક્ષવેલો ચીમળાઈ જાય છે. તેથી મજા માણનારાઓ નિસાસા નાખે છે. 8 ખંજરીનો રણકાર અને વીણાનો ઝણકાર બંધ પડયા છે. આનંદપ્રમોદ કરનારાઓનો ઘોંઘાટ બંધ થઈ ગયો છે. 9 હવે કોઈ ગાતાં ગાતાં દ્રાક્ષાસવ પીશે નહિ; શરાબીઓ માટે તેનો સ્વાદ કડવો થયો છે. 10 નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે અને લોકો સલામતીને માટે બંધ બારણે ઘરમાં ભરાઈ રહે છે. 11 દ્રાક્ષાસવને અભાવે લોકો રસ્તાઓ પર બૂમો પાડે છે. સઘળો ઉલ્લાસ ઉદાસીનતામાં પલટાઈ ગયો છે; પૃથ્વી પરથી આનંદનો લોપ થયો છે. 12 નગર ખંડિયેર બન્યું છે અને તેના દરવાજાઓના ચૂરેચૂરા થઈ ગયા છે. 13 આખી દુનિયાની બધી પ્રજાઓની હાલત ઓલિવવૃક્ષ પરથી તેનાં ફળ ઝૂડી લેવાય અને દ્રાક્ષની લણણીની મોસમમાં દ્રાક્ષો ઉતારી લીધા પછી બાકીની દ્રાક્ષો વીણી લેવામાં આવે તેના જેવી થશે. 14 બચી ગયેલાઓ આનંદથી પોકારશે. પશ્ર્વિમના લોકો પ્રભુના પ્રતાપની ઘોષણા કરશે, 15 અને પૂર્વના લોકો પ્રભુને મહિમા આપશે. દરિયાના ટાપુઓના રહેવાસીઓ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નામના ગુણગાન ગાશે. 16 દુનિયાના દૂરદૂરના દેશોમાંથી આપણે ગીતો સાંભળીશું. “ન્યાયી ઈશ્વરનો મહિમા હો!” પણ મેં કહ્યું કે, “મારે માટે કોઈ આશા નથી. હું ક્ષીણ થતો જઉં છું!” દગાખોર દગો કરે છે, તેઓ કપટથી દગો કર્યે જાય છે. 17 હે પૃથ્વીના રહેવાસીઓ, આતંક, ખાડો અને ફાંદો તમારી રાહ જુએ છે. 18 જે કોઈ ભયના ભણકારાથી ભાગી છૂટશે તે ખાડામાં પડશે, અને જે કોઈ ખાડામાંથી બહાર નીકળી જશે તે ફાંદામાં ફસાઈ પડશે. આકાશમાંથી ધોધમાર વરસાદ તૂટી પડશે અને ભૂમિના પાયા હાલી ઊઠશે. 19 ધરતી ફાટી જશે, તેમાં તિરાડો પડશે અને તેના ભૂક્કા બોલી જશે. 20 પૃથ્વી દારૂડિયાની જેમ લથડિયાં ખાશે અને ઝૂંપડીની પેઠે ઝોલાં ખાશે. પોતાના પાપના ભારને કારણે પૃથ્વીનું પતન થશે અને ફરી કદી ઊઠવા પામશે નહિ. 21 એ સમયે પ્રભુ આકાશી સત્તાધારીઓને અને પૃથ્વીના રાજાઓને શિક્ષા કરશે. 22 ઈશ્વર તેમને બંદીવાનોની જેમ ખાડામાં પૂરી દેશે. તેમને સજા કરવાનો સમય આવે ત્યાં સુધી તેમને બંદીવાન રાખવામાં આવશે. 23 ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડશે અને સૂર્ય પ્રકાશશે નહિ. કારણ, સર્વસમર્થ પ્રભુ રાજા બનશે. તે યરુશાલેમમાં સિયોન પર્વત પરથી રાજ કરશે અને લોકોના આગેવાનો તેમનું ગૌરવ જોશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide