Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 23 - પવિત્ર બાઇબલ C.L.


તૂર વિષેનો સંદેશ

1 આ તૂર વિષેનો સંદેશ છે. હે તાર્શિશના સાગરખેડુ ખલાસીઓ, તૂર નાશ પામ્યું છે. નથી રહ્યું કોઈ ઘર કે નથી રહ્યું કોઈ બંદર! સાયપ્રસથી પાછા ફરતાં તમને એના સમાચાર મળશે.

2 હે સાગરખેડુઓથી સમૃદ્ધ થયેલા ટાપુઓના રહેવાસીઓ અને સિદોનના વેપારીઓ, તમે અવાકા બની જાઓ!

3 સમુદ્રમાર્ગે શીહોરનું અનાજ આવતું અને ઇજિપ્તના નાઇલના પ્રદેશમાં થતા મબલક પાકમાંથી તમે નફો મેળવતા. તૂર તો દેશવિદેશનું વ્યાપારી કેન્દ્ર બની ગયું હતું!

4 હે સાગરના ગઢ સમી સિદોનનગરી, તું લજ્જિત થા, કારણ, સાગર તારો નકાર કરતાં કહે છે, “મને નથી પ્રસવવેદના થઈ કે નથી મેં કોઈને જન્મ આપ્યો. મેં પુત્ર કે પુત્રીઓનો ય ઉછેર કર્યો નથી.”

5 તૂરના પતનના સમાચાર જાણીને ઇજિપ્તીઓ શોકમાં ગરકાવ થઈ જશે.

6 હે ટાપુના રહેવાસીઓ, વિલાપ કરો. સમુદ્ર પાર કરીને તાર્શિશ નાસી જવા પ્રયાસ કરો.

7 શું આ એ જ વિલાસી નગરી તૂર છે કે જે પ્રાચીન સમયમાં સ્થપાઈ હતી અને જેના રહેવાસીઓ દૂરદૂરના દેશોમાં જઈને વસ્યા હતા.

8 બીજાઓને મુગટથી નવાજતી નગરી તૂર, જેના વેપારીઓ સરદારો સમા અને જેના સોદાગરો પૃથ્વીમાં માનવંતા હતા તેના પર આ બધી આફતનું નિર્માણ કોણે કર્યું?

9 તેના બધા વૈભવનો ગર્વ ઉતારવા અને દુનિયામાં માનવંતા મનાતા તેના વેપારીઓને હલકા પાડવા સર્વસમર્થ પ્રભુએ એવું નિર્માણ કર્યું છે.

10 હે તાર્શિશના લોકો, નાઇલના મુખપ્રદેશની જેમ જમીનમાં ખેતી કરવા માંડો. કારણ, તમારે માટે હવે સમુદ્રનું કોઈ બારું રહ્યું નથી.

11 સમુદ્ર પર પ્રભુએ પોતાનો હાથ ઉગામ્યો છે અને રાજ્યોને ઉથલાવી પાડયાં છે. પ્રભુએ કનાનના કિલ્લાઓનો નાશ નક્કી કર્યો છે.

12 હે કુંવારી કન્યા જેવી સિદોન નગરી, તારા સુખનો અંત આવ્યો છે અને તારા લોક પર જુલમ ગુજારવામાં આવે છે. તેઓ સાયપ્રસ નાસી જશે. છતાં તેમને ત્યાંયે આરામ મળવાનો નથી.

13 તૂરને વનવગડાનાં પ્રાણીઓનું રહેઠાણ બનાવી દેનાર તો આશ્શૂરીઓ નહિ, પણ બેબિલોનીઓ હતા. ઘેરા માટે માટીના ટેકરા બનાવી તૂરની કિલ્લેબંદીને તોડી નાખનાર અને શહેરને ખંડિયેર બનાવી દેનાર તો બેબિલોનીઓ હતા.

14 હે તાર્શિશના વહાણવટીઓ, તમે વિલાપ કરો. તમારા ગઢ સમા નગરનો નાશ થયો છે.

15 એ સમયે એક રાજાના રાજ્યકાળ સુધી એટલે સિત્તેર વર્ષ સુધી તૂર ભૂલાઈ જશે. ત્યાર પછી તૂરની હાલત પેલા ગીતમાંની વેશ્યા જેવી થશે:

16 “હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને શહેરમાં ફરી વળ, બરાબર વગાડ અને ગીતોની રમઝટ ચલાવ; જેથી લોકો તને ફરી યાદ કરે.”

17 સિત્તેર વર્ષ પછી પ્રભુ તૂરને તેનો વેપાર પાછો આપશે. વેશ્યા તેને ભાડે રાખનારની પાસે પાછી ફરે તેમ તે પૃથ્વીના પટ પરનાં બધાં રાજ્યો સાથે વેપાર કરશે.

18 તેના વેપારનો નફો અને તેની કમાણી પ્રભુને અર્પણ થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ, પણ તે પૈસામાંથી પ્રભુની સેવા કરનારા ભરીપૂરીને ખાશે અને ઉત્તમ વસ્ત્રો પહેરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan