Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 22 - પવિત્ર બાઇબલ C.L.


યરુશાલેમ વિષે સંદેશ

1 દર્શનની ખીણ વિષેનો આ સંદેશ છે: એવું તો શું બન્યું છે કે તમે બધા ધાબા પર ચડી ગયા છો?

2 આખા શહેરમાં આનંદોત્સવને લીધે ઉત્તેજના અને શોરબકોર વ્યાપી ગયાં છે! તમારા માર્યા ગયેલા માણસો કંઈ રણમેદાનમાં લડતાં લડતાં મોતને ભેટયા નથી.

3 તમારા સર્વ સેનાપતિઓ એક સાથે નાસી છૂટયા; પણ ધનુષ્ય ચલાવ્યા વિના જ તેમને પકડી લેવામાં આવ્યા. તમારામાંથી જેઓ પકડાઈ ગયા તેઓ સૌને એક સાથે બાંધીને કેદ કરી લઈ જવામાં આવ્યા.

4 તેથી મેં કહ્યું, “તમે સૌ મારાથી દૂર જાઓ. મને આક્રંદ કરવા દો. મારા લોકની પાયમાલીને કારણે મને આશ્વાસન આપવાની તસ્દી લેશો નહિ.”

5 દર્શનની ખીણમાં આ દિવસ તો ઉત્પાત, પાયમાલી અને અંધાધૂંધીનો દિવસ છે, અને સર્વસમર્થ પરમેશ્વરે તે મોકલ્યો છે. આપણા નગરની દીવાલો તોડી પાડવામાં આવી છે અને મદદ માટેના પોકારોના પડઘા પર્વતોમાં પડે છે.

6 એલામ દેશના લશ્કરે બાણનો ભાથો ઉપાડયો છે અને તેમના સારથિઓએ રથે ઘોડા જોડયા છે. કીરના લશ્કરે ઢાલો ધારણ કરી છે.

7 યહૂદિયાની ફળદ્રુપ ખીણ રથોથી ભરાઈ ગઈ છે. યરુશાલેમના દરવાજાઓ આગળ ઘોડેસ્વાર સૈનિકોને મૂકવામાં આવ્યા છે.

8 યહૂદિયા રક્ષણવિહોણું બની ગયું છે. એ બન્યું ત્યારે તમે ‘વનગૃહ’ મહેલના શસ્ત્રાગાર તરફ નજર કરી.

9 યરુશાલેમની સંરક્ષણ દીવાલમાં પડેલાં ગાબડાંનું તમે અવલોકન કર્યું. નીચાણના જળકુંડમાં તમે પાણીનો સંગ્રહ કર્યો.

10 તમે યરુશાલેમનાં ઘરોની મોજણી કરી અને તેમાંથી કેટલાંક ઘર નગરની દીવાલમાં સમારકામ માટે તોડી પાડયાં.

11 વળી, પ્રાચીન કુંડનું પાણી વાળી લાવી તેનો સંગ્રહ કરવા માટે શહેરની અંદર જળકુંડ બનાવ્યો. પણ આ બધાના સરજનહાર તરફ તમે મીટ માંડી નહિ. તેમજ અગાઉથી તેની રચના કરનાર ઈશ્વર તરફ લક્ષ આપ્યું નહિ.

12 તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા.

13 પણ તમે તો તેને બદલે આનંદોત્સવ કર્યો છે. તમે ખાવાને માટે ઢોર અને ઘેટાં કાપ્યાં. તમે માંસ ખાધું અને દારૂ પીધો. તમે કહ્યું, “આપણે ખાઈએ અને પીઈએ! કારણ, આવતી કાલે તો આપણે મરી જવાના છીએ!”

14 સર્વસમર્થ પ્રભુએ પોતે મને કહ્યું છે, “આ લોકોના જીવતાં તો એમની દુષ્ટતાનું પ્રાયશ્ર્વિત થઈ શકે તેમ નથી. હું સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


શેબ્નાને ચેતવણી

15 સર્વસમર્થ પ્રભુએ મને કહ્યું, “રાજમહેલના મુખ્ય કારભારી શેબ્ના પાસે જઈને તેને કહે,

16 “તારું અહીં શું છે? પોતાને માટે અહીં પર્વત પર ખડકમાં કબર ખોદાવવાનો તને શો અધિકાર છે? જો, તે પોતાને માટે કબર ખોદાવે છે અને ખડકમાં પોતાને માટે આરામસ્થાન કોતરાવે છે.

17 તું ગમે તેટલો જબરો કેમ ન હોય પણ પ્રભુ તને પોતાની પકડમાં લેશે અને જોરથી ફેંકી દેશે.

18 તે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે. ત્યાં તું તારા ભવ્ય રથોની પડખે જ મરી જઈશ અને તું તારા માલિકના કુટુંબને કલંક લગાડીશ.

19 પ્રભુ તને પદભ્રષ્ટ કરશે અને તને તારી પદવી પરથી હડસેલી મૂકશે.”

20 પ્રભુએ શેબ્નાને કહ્યું, “એવું બનશે તે દિવસે હું મારા સેવક, એટલે હિલકિયાના પુત્ર એલ્યાકીમને બોલાવીશ.

21 હું તેને તારો ઝભ્ભો અને કમરપટ્ટો પહેરાવીશ તથા તારો બધો જ કારોબાર હું તેને સોંપીશ. તે યરુશાલેમ અને યહૂદિયાના લોકો પ્રત્યે પિતાની જેમ વર્તશે.

22 હું તેને દાવિદવંશી રાજકુટુંબના કારભારની પૂરી જવાબદારી સોંપી દઈશ. તેની પાસે તેના કારભારની ચાવી રહેશે; તે ઉઘાડશે તો કોઈ તેને બંધ કરી શકશે નહિ અને તે બંધ કરશે તો કોઈ ઉઘાડી શકશે નહિ.

23 હું તેને ખીલાની માફક મજબૂત સ્થાનમાં જડી દઈશ અને તે તેના પિતાના સમસ્ત કુટુંબને માટે ગૌરવરૂપ બનશે.

24 પણ તેનાં કુટુંબીજનો અને આશ્રિતો ખીલે લટકાવેલાં પ્યાલાં અને પવાલીઓથી માંડીને નાનાં મોટાં સર્વ વાસણોની જેમ તેને માટે બોજારૂપ થઈ પડશે.”

25 સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “એ સમયે મજબૂત સ્થાનમાં જડેલો ખીલો નીકળી પડશે અને તેના પર લટકાવેલો બધો ભાર નીચે પડીને નષ્ટ થઈ જશે.” આ તો પ્રભુનાં વચન છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan