યશાયા 20 - પવિત્ર બાઇબલ C.L.ઇજિપ્ત અને કૂશ વિરુદ્ધ ભવિષ્યવાણી 1 આશ્શૂરના રાજા સાર્ગોનના આદેશથી તેના સરસેનાપતિએ પલિસ્તીઓના શહેર આશ્દોદ પર આક્રમણ કરી તેને જીતી લીધું. 2 ત્રણ વર્ષ પહેલાં પ્રભુએ આમોઝના પુત્ર યશાયાને કહ્યું હતું, “તારી કમર પરથી તાટ અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” એ આજ્ઞાને આધીન થઈને તે ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફરવા લાગ્યો. 3 આશ્દોદનું પતન થયું ત્યારે પ્રભુએ કહ્યું, “મારો સેવક યશાયા ત્રણ વર્ષ સુધી ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફર્યો છે. એ તો ઇજિપ્ત તથા કૂશનું જે થવાનું છે તેની નિશાની છે. 4 આશ્શૂરનો રાજા આ બન્ને દેશોમાંથી બંદીવાનોને નગ્નાવસ્થામાં લઈ જશે. યુવાનો અને વૃદ્ધોને ઇજિપ્ત શરમાઈ જાય એ રીતે નગ્ન શરીરે અને ઉઘાડે પગે લઈ જવાશે. 5 કૂશ પર આધાર રાખનારાઓ અને ઇજિપ્ત વિષે બડાઈ મારનારાઓ ગભરાઈ જશે અને તેમની આશા નાશ પામશે. 6 એ સમયે પલિસ્તીઓના કાંઠા પ્રદેશના રહેવાસીઓ કહેશે, “આશ્શૂરના રાજાની તાબેદારીમાંથી મુક્ત થવા આપણે જેમના પર આધાર રાખ્યો હતો તેમની કેવી દુર્દશા થઈ છે! તો પછી આપણે કેવી રીતે બચીશું?” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide