યશાયા 19 - પવિત્ર બાઇબલ C.L.ઇજિપ્તને થનારી શિક્ષા 1 ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે. 2 પ્રભુ કહે છે, “હું ઇજિપ્તમાં આંતરવિગ્રહ ચલાવીશ. ભાઈ ભાઈની સામે, પડોશી પડોશીની સામે, નગર નગરની સામે અને રાજ્ય રાજ્યની સામે લડશે. 3 હું ઇજિપ્તીઓને હતાશ કરી દઈશ અને તેમની યોજનાઓને નિષ્ફળ બનાવી દઈશ. તેઓ મૂર્તિઓની, મૃતાત્માઓની, ભૂવાઓની અને ધંતરમંતર કરનારાઓની સલાહ પૂછશે. 4 હું ઇજિપ્તીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઈશ અને તે તેમના પર નિર્દયપણે શાસન ચલાવશે. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું. 5 નાઇલ નદીનાં પાણી સુકાઈ જશે અને તેનું તળિયું સૂકુંભઠ થઈ જશે. 6 નદીની નહેરો દુર્ગંધ મારશે અને તેમનાં પાણી ઓસરી જશે; ઇજિપ્તનાં ઝરણાં પણ સુકાઈ જશે અને બરુ તથા પોયણાં કરમાઈ જશે. 7 નાઇલના મુખપ્રદેશમાં કાંઠા પરની લીલોતરી અને તટપ્રદેશમાં આવેલાં ખેતરોનું આવરણ સુકાઈને ઊડી જશે અને કંઈ બાકી રહેશે નહિ. 8 માછીમારો ડૂસકાં ભરશે, ગલ નાખનારાઓ વિલાપ કરશે, અને પાણીમાં જાળ નાખનારાઓ ઝૂરશે. 9 પીંજેલા અળસીરેસાનું કાપડ બનાવનારા હતાશ થઈ જશે, સુતરાઉ કાપડ વણનારા મૂંઝાઈ જશે. 10 વણનારા ઉદાસ થઈ જશે અને કારીગરોમાં હતાશા વ્યાપી જશે. 11 સોઆન નગરના અધિકારીઓ મૂર્ખ છે! ઇજિપ્તના ફેરોના જ્ઞાની સલાહકારોની સલાહ મૂર્ખતાભરેલી છે. પોતે જ્ઞાનીઓ અને પ્રાચીનકાળના રાજાઓના વંશજો છે એવું ફેરો આગળ કહેવાની હિમ્મત તેઓ કેમ કરે છે? 12 હે ઇજિપ્તના રાજા ફેરો, એ જ્ઞાની સલાહકારો કયાં છે? જો હોય તો આવે અને ઇજિપ્ત માટે સર્વસમર્થ પ્રભુની શી યોજના છે તે તને જણાવે. 13 સોઆનના અધિકારીઓ અને નોફના આગેવાનો મૂર્ખ છે. ઇજિપ્તના ઉચ્ચ આગેવાનોએ જ તે દેશને ગેરમાર્ગે દોર્યો છે. 14 પ્રભુએ તેમને મૂંઝવણભરી સલાહ આપવાનો આત્મા આપ્યો છે. તેથી જેમ શરાબી પોતાની જ ઊલટીમાં લથડિયાં ખાય તેમ ઇજિપ્ત તેનાં સર્વ કાર્યોમાં ભૂલથાપ ખાય છે. 15 હવે તો શિર કે પૂચ્છ, તાડની ડાળી કે સરકટ કોઈ પણ ઇજિપ્તને કંઈ મદદ કરી શકે તેમ નથી. ઇજિપ્ત પ્રભુને ભજશે 16 એ સમયે ઇજિપ્તના લોકો સ્ત્રી જેવા ડરપોક બની જશે. સર્વસમર્થ પ્રભુએ તેમનો વિનાશ કરવા પોતાનો હાથ ઉગામ્યો છે. તે જોતાં જ તેઓ ભયથી થરથરવા માંડશે. 17 ઇજિપ્ત પર યહૂદિયાની ધાક બેસી જશે અને સેનાધિપતિ પ્રભુએ ઇજિપ્તનું જે ભાવિ નક્કી કર્યું છે તેને લીધે યહૂદિયાના સ્મરણમાત્રથી ઇજિપ્તીઓ થથરી જશે. 18 એ સમયે ઇજિપ્તના પાંચ શહેરોમાં કનાન દેશની ભાષા હિબ્રૂ બોલાશે. ત્યાંના લોકો સર્વસમર્થ પ્રભુને નામે સોગંદ ખાશે. તેમાંનું એક શહેર સૂર્યનગર કહેવાશે. 19 એ સમયે ઇજિપ્તના મધ્ય ભાગમાં પ્રભુને સમર્પિત એવી વેદી હશે અને ઇજિપ્તની સરહદ પર પ્રભુના સ્મરણાર્થે શિલાસ્તંભ સ્થપાશે. 20 તેઓ ઇજિપ્તમાં સર્વસમર્થ પ્રભુનાં સાક્ષી અને સંકેત બની રહેશે. ત્યાંના લોકો જુલમગારોના ત્રાસને લીધે પ્રભુને પોકારશે. તો તે તેમને માટે ઉદ્ધારક અને સંરક્ષક મોકલી તેમનો બચાવ કરશે. 21 પ્રભુ પોતાને ઇજિપ્તના લોકો સમક્ષ પ્રગટ કરશે અને તેઓ તેમનો સ્વીકાર કરીને તેમનું ભજન કરશે અને તેમને ચડાવવા માટે બલિદાનો અને ધાન્યાર્પણો લાવશે. તેઓ પ્રભુને નામે માનતાઓ લેશે અને તેમને પૂરી કરશે. 22 પ્રભુ ઇજિપ્તીઓ પર પ્રહાર કરશે પણ તેમને સાજા કરશે. તેઓ પ્રભુ તરફ પાછા ફરશે અને તે તેમની પ્રાર્થનાઓ સાંભળીને તેમને સાજા કરશે. 23 એ સમયે ઇજિપ્ત અને આશ્શૂર વચ્ચે રાજમાર્ગ થશે. એ બન્ને દેશના લોકો એકબીજાના દેશમાં આવજા કરશે અને તેઓ સાથે મળીને પ્રભુની ઉપાસના કરશે. 24 એ દિવસે ઇજિપ્ત અને આશ્શૂર સાથે ત્રીજું ઇઝરાયલ પણ જોડાશે અને આ ત્રણેય દેશો દુનિયા માટે આશિષરૂપ બની રહેશે. 25 સર્વસમર્થ પ્રભુ તેમને આશિષ આપશે અને કહેશે, “હે ઇજિપ્ત, મારા લોક, હે આશ્શૂર, મારા હાથની કૃતિ, અને હે ઇઝરાયલ, મારી સંપત્તિ, હું તમને આશિષ આપું છું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide