યશાયા 17 - પવિત્ર બાઇબલ C.L.સિરિયા અને ઇઝરાયલને થનાર શિક્ષા 1 દમાસ્ક્સ હવે શહેર તરીકે રહેશે નહિ, પણ તે ખંડિયેરનો ઢગલો થઈ જશે. 2 સિરિયાનાં શહેરો કાયમને માટે છોડી દેવાયેલાં રહેશે. ત્યાં ઘેટાંબકરાંનાં ટોળાં નિરાંતે બેસશે અને કોઈ તેમને બીવડાવનાર હશે નહિ. 3 એફ્રાઈમમાંથી કિલ્લેબંદીવાળા નગરનો લોપ થશે અને દમાસ્ક્સ પોતાની રાજદ્વારી સત્તા ગુમાવશે. ઇઝરાયલીઓના વૈભવની જેવી બૂરી હાલત થઈ તેવી જ અરામીઓની પણ થશે. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.” 4 પ્રભુએ કહ્યું, “એ દિવસે ઇઝરાયલના વૈભવનો અંત આવશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે. 5 ઇઝરાયલની દશા કાપણી કરનારે ઊભા પાકને લણી લીધો હોય તેવા ખેતર જેવી અને કણસલાં વીણી લીધાં હોય તેવા રફાઈમની ખીણમાંના કોઈ ખેતર જેવી થશે. 6 કોઈ ઓલિવવૃક્ષને ઝૂડયા પછી તેની ટોચે ઓલિવનાં બે કે ત્રણ ફળ રહી જાય અથવા કોઈ લચી પડેલી ડાળી પર ચારપાંચ ઓલિવફળ રહી જાય તે પ્રમાણે ઇઝરાયલમાંથી બહુ થોડા લોક બચી જશે. હું ઇઝરાયલનો ઈશ્વર પ્રભુ એ બોલ્યો છું.” 7 એ દિવસે લોકો પોતાના સર્જનહાર, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર પર મીટ માંડશે. 8 પોતાને હાથે બનાવેલી વેદીઓ તરફ તેઓ તાકશે નહિ. વળી, પોતાની આંગળીઓથી બનાવેલી અશેરા દેવીની મૂર્તિઓ કે ધૂપવેદીઓ તરફ નિહાળશે નહિ. 9 એ દિવસે તેમનાં કિલ્લાવાળાં નગરોની હાલત ઇઝરાયલીઓ આવ્યા ત્યારે હિત્તીઓ અને અમોરીઓએ ત્યજી દીધેલાં નગરોનાં જેવી થઈ જશે - બધું વેરાન થઈ જશે! 10 હે ઇઝરાયલી લોકો, તમે તમારા ઉદ્ધારક ઈશ્વરને વીસરી ગયા છો અને તમારા આશ્રયસ્થાન સમા ખડકનું સ્મરણ કર્યું નથી. એને બદલે, તમે વનદેવતાની પૂજા માટે છોડ વાવો છો. તમે પરદેશી બિયારણ લાવીને વાવો છો. 11 જોકે એક જ દિવસમાં તેને ફણગો ફૂટે અને તેની વૃદ્ધિ થાય તોપણ રોગ અને અસાય દર્દના દિવસમાં એની કંઈ ફસલ ઉપલબ્ધ થશે નહિ. દુશ્મનોનું પતન 12 ઊછળતા સાગરના ઘુઘવાટની જેમ ઘણી પ્રજાઓનો ઘુઘવાટ સંભળાય છે. લોકોનો ઘોઘાંટ મહાસાગરની ગર્જના સમો છે. 13 જો કે લોકો સાગરની જેમ ગર્જે તોપણ ઈશ્વર તેમને ધમકાવે એટલે તેઓ પર્વત પર પવનથી ઊડી જતા ફોતરાની જેમ અને વંટોળિયા આગળ ધૂળની ઘૂમરીની જેમ પાછા હટી જાય છે. 14 સંયાકાળે તેઓ આતંક ફેલાવે છે, પણ સવાર થતાં તો તેઓ નષ્ટ થઈ જાય છે. અમારા દેશને લૂંટનારાઓની એવી જ દશા થાય છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide