Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 16 - પવિત્ર બાઇબલ C.L.


મોઆબની કરુણ દશા

1 રણપ્રદેશને પેલે છેડે સેલા નગરથી મોઆબના લોકો સિયોન પર્વત પર આવેલા યરુશાલેમના રાજા પર બક્ષિસ તરીકે એક ઘેટું મોકલે છે.

2 માળામાંથી હાંકી કાઢવામાં આવેલા ફફડતા પક્ષીની જેમ મોઆબના લોકો આર્નોનના ઓવારાઓ પર અટવાય છે.

3 તેઓ યહૂદિયાના લોકોને કહે છે, “મંત્રણા કરો અને તમારે શું કરવું તેનો નિર્ણય આપો. ખરા બપોરના તાપમાં શીતળ છાયા આપનાર વૃક્ષની જેમ અમારું રક્ષણ કરો અને નિરાંત આપો. અમે ભાગી આવેલા નિરાશ્રિતો છીએ. કોઈ અમને શોધી ન શકે એવી જગ્યાએ અમને સંતાડો.

4 અમને મોઆબમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે; અમને તમારા દેશમાં વસવા દો. અમારો નાશ કરનારાઓથી અમારું રક્ષણ કરો.” એકવાર જુલમનો અંત આવી જાય અને દેશને બેહાલ બનાવનારાઓ દેશમાં ચાલ્યા જાય,

5 એટલે દાવિદનો વંશજ રાજ્યાસન પર બિરાજશે. પ્રેમથી તેના રાજ્યની સ્થાપના થશે અને સત્યતાથી તે લોકો પર રાજ ચલાવશે. તે અદલ ઈન્સાફ કરશે અને ન્યાયીપણાના પ્રવર્તનમાં તત્પરતા દાખવશે.

6 યહૂદિયાના લોકો જવાબ આપશે, “મોઆબના લોકો કેવા ઘમંડી છે તે અમે સાંભળ્યું છે. તેમનું અભિમાન અને ઉદ્ધતાઈ અમે જાણીએ છીએ, પણ તેમની બડાશ વ્યર્થ છે.

7 તેથી મોઆબના લોકો પોતાના દેશ પર આવી પડેલી આફતને લીધે રુદન કરશે. તેઓ કીરહરેસેથની સૂકી દ્રાક્ષોની પોળીઓ સંભારીને નિસાસા નાખીને રડશે.

8 કારણ, હેશ્બોનનાં ખેતરો અને સિબ્માની દ્રાક્ષવાડીઓ ખેદાનમેદાન થઈ જશે. આ દ્રાક્ષવાડીઓના શ્રેષ્ઠ દારૂથી વિદેશી રાજ્યર્ક્તાઓ મસ્ત થતા હતા. એ સમયે એનો દ્રાક્ષવેલો યાઝેર સુધી, પૂર્વના રણપ્રદેશ સુધી અને પશ્ર્વિમમાં મૃતસરોવરને પેલે પાર પહોંચતો.

9 તેથી હું સિબ્માના દ્રાક્ષવેલા માટે તેમજ યાઝેરના દ્રાક્ષવેલા માટે રુદન કરીશ. હું હેશ્બોન અને એલઆલેના માટે આંસુ સારું છું. કારણ ત્યાંના લોકો માટે પાકેલી દ્રાક્ષો વીણતી વખતે અને ફસલની કાપણી કરતી વખતે થતો આનંદ વિલાઈ ગયો છે.

10 તેમની ફળની વાડીઓમાંથી આનંદ અને ઉત્સાહ ઓસરી ગયાં છે. દ્રાક્ષવાડીઓમાં ગવાતાં ગીતો બંધ થઈ ગયાં છે. કોઈ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદીને તેનો દ્રાક્ષાસવ કાઢતું નથી. કારણ, મેં આનંદના પોકારનો અંત આણ્યો છે.

11 આથી મારી દયવીણા વેદનાથી ઝણઝણી ઊઠી છે. અને કીસ્હરેસને માટે મારો અંતરાત્મા કકળી ઊઠયો છે.

12 મોઆબના લોકો પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં અને પવિત્ર મંદિરોમાં પ્રાર્થના કરી કરીને થાકી જશે, પણ તેથી તેમને કંઈ ફાયદો થવાનો નથી.

13 પ્રભુએ મોઆબ વિષેનો એ સંદેશો અગાઉથી આપેલો છે.

14 પણ હવે પ્રભુ કહે છે, “ભાડૂતી નોકર વર્ષની સંખ્યા ગણે તેમ માત્ર ત્રણ જ વર્ષમાં મોઆબનો વૈભવ અને તેના વિશાળ જનસમુદાયનો તુચ્છકાર થશે. તેના લોકોમાંથી થોડા જ બચી જશે અને તે પણ કમજોર હશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan