Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 15 - પવિત્ર બાઇબલ C.L.


ઈશ્વર મોઆબનો નાશ કરશે

1 મોઆબ વિષેનો આ સંદેશ છે: એક જ રાતમાં મોઆબનાં આર અને કીર નગરોનો નાશ કરવામાં આવ્યો છે અને મોઆબ દેશમાં સન્‍નાટો છવાઈ ગયો છે.

2 દીબોનના લોક મંદિરમાં એટલે પર્વત પરના ઉચ્ચસ્થાન પર વિલાપ કરવાને ચડે છે. મોઆબના લોકો નબો અને મેદબા નગરોને લીધે શોક કરે છે. શોકને લીધે તેઓ સૌએ પોતાના માથાના અને દાઢીના વાળ ઉતરાવ્યા છે.

3 લોકો તાટ પહેરીને રસ્તાઓ પર ફરે છે; તેઓ ચોકમાં અને ઘરના ધાબા પર વિલાપ કરે છે. પોક મૂકીને રડે છે.

4 હેશ્બોન અને એલઆલેના લોકો વિલાપ કરે છે અને તેમનો સાદ છેક યાહાસ સુધી સંભળાય છે. મોઆબના સશસ્ત્ર સૈનિકો પણ ધ્રૂજી ઊઠયા છે અને તેમની હિંમત ભાંગી પડી છે.

5 મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે. તેના લોકો સોઆર અને એગ્લાથ-શલીશીયા નગરોમાં નાસી ગયા છે. કેટલાક તો રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચડે છે. કેટલાક હોરોનાયિમ જતાં જતાં માર્ગમાં કલ્પાંત કરે છે.

6 નિમ્રીમનું જળાશય સુકાઈ ગયું છે. તેની આસપાસનું ઘાસ તેમ જ વનસ્પતિ સુકાઈ ગયાં છે અને કંઈ લીલોતરી રહી નથી.

7 લોકો પોતે સંઘરેલી સર્વ સંપત્તિ સાથે અરાબીમ (વેલાઓ)ના કોતરની પાર નીકળી જવા પ્રયાસ કરે છે.

8 મોઆબની બધી સરહદો પર વિલાપનો સાદ સંભળાય છે. એગ્લાઈમ, અરે, બએર-એલીમ સુધી તેમનો વિલાપ પહોંચ્યો છે.

9 દીમોનનાં પાણી લોહી લોહી થઈ ગયાં છે. છતાં ઈશ્વર હજી દીમોન પર મોટી આફત લાવનાર છે. મોઆબમાંથી નાસી છૂટેલા અને બચીને બાકી રહેલા સૌની પર સિંહ સમો સંહાર ત્રાટકશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan