યશાયા 14 - પવિત્ર બાઇબલ C.L.દેશનિકાલમાંથી પાછા ફરવું 1 પ્રભુ ફરીથી યાકોબના વંશજો પર દયા કરશે; હા, તે ઇઝરાયલને પોતાના લોક તરીકે ફરીથી પસંદ કરશે. તે તેમને ફરીથી પોતાના વતનમાં વસાવશે. પરદેશીઓ પણ ત્યાં આવીને યાકોબના વંશજોની સાથે સાથે રહેશે. 2 પોતાના વતનના દેશમાં પાછા ફરવા માટે ઘણી પ્રજાઓ ઇઝરાયલીઓને મદદ કરશે. પ્રભુની ભૂમિમાં તેઓ ઇઝરાયલીઓના દાસદાસીઓ તરીકે તેમની સેવા કરશે. એકવાર ઇઝરાયલને બંદીવાન કરનારાઓને હવે ઇઝરાયલ બંદીવાન કરશે, અને તેમના પર જુલમ ગુજારનારાઓ પર ઇઝરાયલીઓ રાજ કરશે. જુલમી રાજા મૃત્યુલોક શેઓલમાં 3 હે ઇઝરાયલી પ્રજા, પ્રભુ તમને દુ:ખ, પીડા અને લદાયેલી વેઠમાંથી છુટકારો આપશે. 4 એ દિવસે તમે બેબિલોનના રાજાને મહેણાં મારતાં કહેશો, “જુલમગાર કેવો નષ્ટ થઈ ગયો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શમી ગયો છે! 5-6 પોતાના રોષમાં સતત પ્રહાર કરી પ્રજાઓને ઝૂડી નાખનાર અને પોતાના ક્રોધાવેશમાં તાબે થયેલી પ્રજાઓ પર અવિરત અત્યાચાર કરનાર દુષ્ટની સોટીને અને રાજ્યર્ક્તાઓના રાજદંડને પ્રભુએ ભાંગી નાખ્યાં છે. 7 છેવટે આખી દુનિયા રાહત અને શાંતિ અનુભવે છે અને સૌ આનંદથી ગીત ગાવા લાગ્યાં છે. 8 દેવદાર, અને લબાનોનનાં ગંધતરુ આનંદ કરતાં કહે છે, ‘તને કબરમાં ઉતારી દેવામાં આવ્યો ત્યારથી કોઈ કઠિયારો અમને કાપવા આવ્યો નથી.’ 9 તારું સ્વાગત કરવા મૃત્યુલોક શેઓલમાં હલચલ મચી ગઈ છે અને પૃથ્વીના શાસકોના આત્મા સળવળી ઊઠયા છે. રાજાઓના મૃતાત્માઓ રાજગાદી પરથી ઊભા થાય છે. 10 તેઓ સૌ તેને કહે છે, ‘તું પણ અમારા જેવો નબળો થઈ ગયો? તું ય અમારા જેવો બની ગયો? 11 વીણાના સંગીત સહિતનો તારો સર્વ વૈભવ વિલાઈ ગયો છે અને તને મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેવામાં આવ્યો છે. તું અળસિયાંની પથારી પર પડયો છે અને તેં કીડાઓનો કામળો ઓઢયો છે.’ ” 12 હે સવારના તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી પડયો છે! ભૂતકાળમાં તેં પ્રજાઓને કચડી નાખી હતી પણ હવે તને જમીન પર પટકવામાં આવ્યો છે. 13 તેં તારા મનમાં કહેલું, ‘હું આકાશમાં ચડીશ. હું ઈશ્વરના સર્વ તારાઓથી ય ઊંચે મારી રાજગાદી સ્થાપીશ. હું ઉત્તરના ભાગમાં આવેલા દેવોની સભાના પર્વતના શિખરે બિરાજીશ. 14 હું વાદળોની ટોચ પર ચડીશ અને પોતાને પરમેશ્વર સમાન કરીશ.’ 15 પણ તને તો મૃત્યુલોક શેઓલમાં, અઘોર ઊંડાણમાં ધકેલી દેવામાં આવ્યો છે. 16 તને જોનારા તારી સામે તાકી રહેશે અને તારી દશા વિષે વિચારશે, ‘પૃથ્વીને કંપાવનાર અને રાજ્યોને ધ્રૂજાવનાર શું આ જ માણસ છે? 17 શું આ જ માણસે દુનિયાને ઉજ્જડ બનાવી હતી અને તેનાં શહેરોનો નાશ કર્યો હતો? પોતાના કેદીઓને છટકીને ઘેર નાસી જવા ન દેનાર તે શું આ જ માણસ છે?’ 18 પૃથ્વીના બધા રાજાઓ પૂરા સન્માનથી પોઢયા છે; પ્રત્યેક પોતાની કબરમાં છે. પણ તારું તો દફન પણ થયું નહિ! 19 નકામી ડાળીની જેમ તારા શબને તિરસ્કારપૂર્વક સડવાને ફેંકી દેવાયું. યુદ્ધમાં તલવારનો ભોગ બનેલા સૈનિકોનાં ખૂંદાયેલાં અને પછી પથરાળ ખાડામાં નાખવામાં આવેલાં શબ સાથે તારું શબ છે. 20 તેં તારા દેશને ખંડિયેર બનાવ્યો અને તારા જ લોકોને મારી નાખ્યા હતા. તેથી બીજા રાજાઓની જેમ દબદબાથી તારું દફન થશે નહિ. દુષ્ટના વંશજનું નામ કોઈ ક્યારેય યાદ કરશે નહિ. 21 એના પુત્રો માટે વધસ્થાન તૈયાર કરો; તેમના પૂર્વજોના પાપને લીધે તેના પુત્રો માર્યા જાઓ. તમારામાંનો કોઈ પૃથ્વી પર રાજ ન કરે કે તેનાં શહેરોને તેઓ વસ્તીથી ભરપૂર ન કરે. ઈશ્વર બેબિલોનનો નાશ કરશે 22 સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું બેબિલોન પર હુમલો કરીશ અને તેને ખંડિયેર બનાવીશ. હું કશું બાકી રાખીશ નહિ. તેમનાં સંતાનો કે વંશજોમાંથી કોઈ બચવા પામશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું. 23 હું બેબિલોનને ક્દવવાળી જગ્યામાં ફેરવી નાખીશ અને ત્યાં ધુવડો વાસો કરશે. હું બેબિલોનને વિનાશની સાવરણીથી વાળી નાખીશ. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.” ઈશ્વર આશ્શૂરનો નાશ કરશે 24 સર્વસમર્થ પ્રભુએ સમ ખાધા છે: “મારી જ યોજના પૂર્ણ થશે અને મારો જ ઈરાદો ફળીભૂત થશે. 25 હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ. 26 સમસ્ત દુનિયા માટેની એ જ મારી યોજના છે અને પ્રજાઓને શિક્ષા કરવાને મેં મારો હાથ ઉગામેલો છે.” 27 સર્વસમર્થ પ્રભુએ નક્કી કરેલી યોજનાને કોણ રદ કરશે? શિક્ષા કરવાને તેમનો હાથ ઉગામેલો છે, તો તેને કોણ અટકાવી શકશે? ઈશ્વર પલિસ્તીઓનો નાશ કરશે 28 આહાઝ મરણ પામ્યો તે વર્ષમાં આ સંદેશ પ્રગટ કરવામાં આવ્યો હતો: 29 “હે પલિસ્તીઓ, તમને મારનાર લાઠી તૂટી ગઈ છે, પણ તેથી તમારે કંઈ હરખાવાની જરૂર નથી. એક સાપમાંથી બીજો ઝેરી સાપ પેદા થાય છે; એનું બચ્ચું ઊડણ સાપ બને છે. 30 મારા લોકમાંથી ગરીબમાં ગરીબ માણસને ખાવા અન્ન મળશે અને દરિદ્રી નિર્ભયતાથી સૂશે, પણ હે પલિસ્તીઓ, તમારા પર તો હું દુકાળ મોકલીને તમારો જડમૂળથી સંહાર કરી દઈશ અને જેઓ બાકી રહેશે તેમની ક્તલ કરાશે.” 31 હે પલિસ્તીઓનાં સર્વ નગરો અને તેમના દરવાજાઓ, તમે સૌ પોક મૂકીને રડો અને આક્રંદ કરો. ઉત્તર તરફથી આંધીની જેમ લશ્કર ચડી આવે છે; એમાં કોઈ ક્યર સૈનિક નથી. 32 પલિસ્તીઓ તરફથી મોકલવામાં આવેલા સંદેશકોને અમે શો જવાબ આપીએ? આ જ જવાબ આપીશું: “પ્રભુએ સિયોનને સ્થાપન કર્યું છે અને તેમના પીડિતજનોને ત્યાં આશ્રય મળશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide