Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 13 - પવિત્ર બાઇબલ C.L.


બેબિલોનને થનારી શિક્ષા

1 આમોઝના પુત્ર યશાયાને ઈશ્વરે બેબિલોન વિષે પ્રગટ કરેલો સંદેશો:

2 વેરાન પર્વતના શિખર પર લડાઈનો વજ લહેરાવો! સૈનિકો હાંક મારો અને તેમને હાથ હલાવી ઈશારો કરતાં જણાવો કે તેઓ ઉમરાવોના દરવાજાઓમાં ધૂસી જાય.

3 પ્રભુએ પોતાના સમર્પિત લોકને હુકમ આપ્યો છે, અને તેમના વિજયથી આનંદ પામનારા સૈનિકોને પોતાના ક્રોધનો અમલ કરવા બોલાવ્યા છે.

4 સાંભળો! પર્વતો પર મોટા જનસમુદાયનો કોલાહલ સંભળાય છે. સંગઠિત થતાં રાજ્યો અને પ્રજાઓનો ઘોંઘાટ સંભળાય છે. સેનાધિપતિ પ્રભુ યુદ્ધને માટે સૈનિકોને ભેગા કરે છે.

5 તેઓ દૂરદૂરના દેશોમાંથી અને પૃથ્વીના છેડેથી આવે છે. પ્રભુ અને તેમના કોપનો અમલ કરનારા સૈનિકો આખા દેશનો વિનાશ કરવાને આવે છે.

6 વિલાપ કરો! કારણ, પ્રભુનો દિવસ પાસે છે. એ તો સર્વસમર્થ ઈશ્વર તરફથી સંહારનો દિવસ થશે.

7 સૌના હાથ ઢીલા પડી જશે અને સૌ કોઈ હિંમત હારી જશે.

8 તેમનામાં ગભરાટ ફેલાઈ જશે. તેઓ દર્દ અને વેદનામાં સપડાઈ જશે; તેથી તેઓ જાણે કે પ્રસૂતાની જેમ કષ્ટાશે. તેઓ એકબીજાની સામે ભયભીત આંખે તાકી રહેશે અને તેમના ચહેરા ભડકે બળશે.

9 પ્રભુનો દિવસ આવે છે. એ ક્રૂર દિવસે તેમનો કોપ અને ઉગ્ર ક્રોધ પ્રગટ થશે. તેથી પૃથ્વી ઉજ્જડ બની જશે અને તેમાંથી બધા પાપીઓનો નાશ થશે.

10 આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપશે નહિ. સૂર્ય તો ઊગશે ત્યારે જ અંધકારમય હશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.

11 પ્રભુ કહે છે, “હું દુનિયાને તેની દુષ્ટતાની અને દુષ્ટોને તેમનાં પાપની સજા કરીશ. હું ઉદ્ધતોના અભિમાનનો અંત લાવીશ અને પ્રત્યેક અભિમાની અને ઘાતકીને સજા કરીશ.

12 શુદ્ધ સોનું અને ઓફિરના સોના કરતાં યે માણસોની અછત વધુ વર્તાશે.

13 હું, સર્વસમર્થ પ્રભુ, મારા ભભૂક્તા રોષના દિવસે મારા કોપથી આકાશોને ધ્રૂજાવી દઈશ અને પૃથ્વી સ્થાનભ્રષ્ટ થઈ જશે.

14 શિકારીના હાથમાંથી નાસી છૂટેલા હરણની જેમ અને ભરવાડ વિનાનાં ઘેટાંની જેમ પ્રત્યેક જણ પોતાના લોકો પાસે જતો રહેશે; તે પોતાના વતનના દેશમાં નાસી જશે.

15 જે કોઈ પકડાઈ જશે તેને ખંજર હુલાવી દેવાશે અને સપડાઈ જનાર સૌ કોઈ તલવારનો ભોગ થઈ પડશે.

16 તેમનાં બાળકોને તેમની આંખો આગળ પછાડીને તેમના ટુંકડા કરી નાખશે, તેમનાં ઘર લૂંટાશે અને તેમની સ્ત્રીઓ પર બળાત્કાર કરાશે.”

17 પ્રભુ કહે છે, “જેમને ચાંદીની કંઈ પડી નથી અને સોનામાં જરાય રસ નથી એવા માદીઓને હું બેબિલોન પર આક્રમણ કરવા ઉશ્કેરીશ.

18 તેમનાં તીર યુવાનોને વીંધી નાખશે. ધાવણાં બાળકો પર તેઓ દયા રાખશે નહિ અને નાનાં બાળકો પર તેઓ કરુણા દાખવશે નહિ.

19 બેબિલોન તો સર્વ રાજ્યોમાં શિરોમણિ અને ખાલદી લોકોનું ગૌરવ છે. પણ હું પ્રભુ સદોમ અને ગમોરાની માફક તેનો વિનાશ કરી દઈશ.

20 ત્યાં ફરી કદી કોઈ વસશે નહિ; ન તો કોઈ વિચરતો આરબ ત્યાં પોતાનો તંબુ તાણશે; ન તો કોઈ ભરવાડ કદી પોતાનાં ઘેટાં ચરાવશે.

21 પણ ત્યાં રણપ્રદેશમાં પ્રાણીઓનો વાસો થશે. તેમનાં ઘરો ધુવડોથી ભરાઈ જશે; ત્યાં શાહમૃગોનો વાસ થશે અને જંગલી બકરાં કૂદાકૂદ કરશે.

22 તેમના કિલ્લાઓમાં વરુ અને તેમના વૈભવવિલાસી મહેલોમાં શિયાળવાં ભૂંકશે. બેબિલોનનો સમય આવી લાગ્યો છે; તેનું પતન નજીક છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan