Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યશાયા 11 - પવિત્ર બાઇબલ C.L.

1 પણ યિશાઈના ઠુંઠામાંથી ફણગો ફૂટશે અને તેની જડમાંથી ફૂટેલી ડાળીને ફળ આવશે.

2 પ્રભુનો આત્મા એટલે, ડહાપણ અને સમજ આપનાર આત્મા, વિવેકબુદ્ધિ અને સામર્થ્ય આપનાર આત્મા તથા પ્રભુનું જ્ઞાન અને અદબ પમાડનાર આત્મા તેના પર રહેશે.

3 તે પ્રભુથી ડરીને ચાલવામાં આનંદ પામશે. તે દેખાવ પરથી ન્યાય કરશે નહિ અથવા સાંભળેલી વાત પર ચુકાદો આપશે નહિ.

4 તે નિરાધારોનો યથાર્થ ન્યાય કરશે અને દેશના દીનજનોને તેમના હક્ક અપાવશે. તેની દંડાજ્ઞાથી પૃથ્વીના રહેવાસીઓ શિક્ષા પામશે અને તેની ફૂંકમાત્રથી દુષ્ટો માર્યા જશે.

5 ન્યાયીપણું તેનો કમરપટ્ટો, ને પ્રામાણિક્તા તેનો કમરબંધ થશે.

6 એ સમયે વરુ અને હલવાન સાથે રહેશે, અને ચિત્તો લવારા સાથે સૂઈ જશે. વાછરડું અને સિંહનું બચ્ચું સાથે ખાશે, અને નાનું બાળક તેમને સાચવશે.

7 ગાય અને રીંછડી સાથે ચરશે, અને તેમનાં બચ્ચાં સાથે સૂઈ જશે. સિંહ ઢોરની જેમ ઘાસ ખાશે.

8 ધાવણું બાળક નાગના રાફડા પર રમશે, અને નાનું બાળક ઝેરી સાપના દરમાં હાથ ઘાલશે.

9 ઈશ્વરના પવિત્ર પર્વત સિયોન પર નુક્સાન કે વિનાશ કરનાર કંઈ હશે નહિ. જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમ પૃથ્વી પ્રભુના જ્ઞાનથી ભરપૂર થશે.


દેશનિકાલ થયેલા પાછા ફરશે

10 તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.

11 એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.

12 પ્રભુ પ્રજાઓ માટે સંકેતની વજા ફરકાવશે અને દેશવટો પામેલા ઇઝરાયલીઓને એકત્ર કરશે, અને યહૂદિયાના વિખેરાઈ ગયેલા લોકોને પૃથ્વીની ચારે દિશામાંથી ભેગા કરશે.

13 એફ્રાઈમમાંથી ઈર્ષા નાબૂદ થશે અને યહૂદિયાના દુશ્મનો નષ્ટ થઈ જશે. એફ્રાઈમ યહૂદિયાની અદેખાઈ કરશે નહિ અને યહૂદિયા એફ્રાઈમ પ્રત્યે વેરભાવ રાખશે નહિ.

14 તેઓ સાથે મળીને પશ્ર્વિમ તરફ પલિસ્તીઓ પર આક્રમણ કરશે, તેમજ પૂર્વની પ્રજાઓને પણ લૂંટશે. તેઓ અદોમ અને મોઆબ પર વિજય મેળવશે અને આમ્મોનીઓ તેમને આધીન થશે.

15 પ્રભુ ઇજિપ્તના સમુદ્રના અખાતને સૂકવી નાખશે અને યુફ્રેટિસ નદીને બળબળતા વાયુથી સૂકવી નાખશે, અને તેના પ્રવાહને તે સાત નાનાં ઝરણાંમાં વહેંચી નાખશે, જેથી સૌ કોઈ તેને પગરખાં ઉતાર્યા વિના જ ઓળંગી શકશે.

16 ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તેમને માટે હતો તેવો ધોરીમાર્ગ ઇઝરાયલ પ્રજાના આશ્શૂરમાં બાકી રહેલા લોકો માટે પણ થશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan